અમદાવાદઃ કણભા હ્યુમન ટ્રાફિકિંગમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં એજન્ટે 8 સગીરાને વેચી હોવાનું સામે આવતાં પોલીસે વધુ બે એજન્ટ સહિત ત્રણની ધરપકડ કરી હતી અને અસારવાથી અપહરણ કરાયેલી સગીરાને મુક્ત કરાવી હતી. આરોપીની પૂછપરછમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં માનવ તસ્કરીનું નેટવર્ક ચાલતું હોવાનું જણાતાં પોલીસે વધુ તપાસની સાથે 7 આરોપીની ધરપકડ કરી છે.
કણભામાં 13 વર્ષીય બાળકીના અપહરણ કેસની પોલીસ તપાસ કરતાં માનવ તસ્કરીનું નેટવર્ક સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અશોક પટેલ અને તેની પત્ની રેણુકાની ધરપકડ કરવાની સાથે તેની સાગરીત મોતી સેનમાની ધરપકડ કરી હતી. સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસની તપાસ દરમિયાન માનવ તસ્કરીના કેસમાં માસ્ટર માઇન્ડ અશોક પટેલ અને પાલનપુરનો ચેહરસિંહ સોલંકી હોવાનું જણાયું છે.
આરોપી અશોક અને તેની પત્ની રેણુકા સગીરાનું અપહરણ કરી જાતીય શોષણ કરી વેચી દેતાં હતાં. અશોક સગીરાઓને ચેહરસિંહને વેચી દેતો, જે સગીરાઓને લગ્નવાંચ્છુ યુવકો કે વિધુરોને વેચી દેતો હતો. આરોપીઓ આ સોદા રૂ. 50 હજારથી રૂ. 4 લાખમાં કરતા હતા. તેઓ ગરીબ ઘરની બાળકીને નિશાન બનાવતા હતા.


