કાશ્મીરમાં જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક આયોજિત કરીને ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પરંતુ ભારતના આ પ્રયાસને કારણે ચીન અને પાકિસ્તાનને ચૂંક ઉપડી છે. ઘણા વર્ષો સુધી ભારતની જનતાને એવું પ્રતીત કરાવાતું હતું કે પાકિસ્તાન ભારતનો સૌથી મોટો દુશ્મન દેશ છે પરંતુ પાડોશીઓમાં ભારત માટે ચીન સૌથી ભયજનક દુશ્મન છે એ કેટલાક વર્ષોના ઘટનાક્રમે પૂરવાર કરી દીધું છે. કાશ્મીર અને આતંકવાદના મુદ્દે ભારતના કોઇપણ પ્રયાસને નિષ્ફળ બનાવવાની તક ચીન જતી કરતો નથી. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહેલા આતંકી સંગઠનોના આક્કાઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના ભારતના દરેક પ્રયાસમાં ચીને અડિંગો લગાવ્યો છે. કાશ્મીરના મુદ્દા પર પણ ચીન પાકિસ્તાનનો જ રાગ આલાપતો રહ્યો છે. આવી સ્થિતિમાં કાશ્મીરમાં જી-20ની બેઠકના સફળ આયોજને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. ચીને આ બેઠકમાં ભાગ લીધો નથી તો તેની સાથે સાઉદી અરબ, તૂર્કી, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયાના ડેલિગેટ્સ પણ આ બેઠકમાં હાજર રહ્યાં નથી. જોકે તેમની ગેરહાજરીથી જી-20ની બેઠક પર કોઇ અસર જોવા મળી નથી. બેઠકમાં અન્ય 20 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપીને ભારતના કાશ્મીર મુદ્દે વલણ પર પોતાની મહોર મારી છે જે ભારત સરકારનો મોટો કૂટનીતિક વિજય છે. પાકિસ્તાને આ બેઠક અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા સાઉદી અરબ, તૂર્કી, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયા જ આ બેઠકમાં ગેરહાજર રહ્યાં છે. તેની સામે ભારતે જી-20ના દેશો ઉપરાંત બાંગ્લાદેશ, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજિરિયા, ઓમાન, સિંગાપોર અને સ્પેનની સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર, આઇએમએફ, વિશ્વ બેન્ક, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ વેપાર સંસ્થા, આઇએલઓ, એફએસબી, ઓઇસીડી, એયુ, એનઇપીએડી, આસિયાન, એડીબી, આઇએસએ, સીડીઆરઆઇ જેવી વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ સામેલ કરીને કૂટનીતિક બાજી મારી લીધી છે. કાશ્મીર મુદ્દે કાગારોળ કરવાના ચીન અને પાકિસ્તાનના વધુ એક કારસાને ભારત સરકારની કુનેહે પરાજિત કર્યો છે. ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીનને પણ સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો છે કે અમારી કૂટનીતિ હવે આક્રમક જ રહેશે.


