ગાંધીનગરઃ ગુજરાતમાં એક વર્ષ દરમિયાન એક લાખથી વધુ રકમનું મૂડીરોકાણ કરવાની દરખાસ્ત હતી જેની સામે કુલ રૂ. 39259 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. કુલ 191 પ્રોજેક્ટ કરવાના હતા, જેની સાથે 154 પ્રોજેક્ટનો અમલ થતાં સરકાર ખુશ છે. કારણ કે સમગ્ર દેશમાં મૂડીરોકાણમાં ગુજરાતનો બીજો નંબર આવ્યો છે.
હવે આગામી જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં આ વર્ષના અંત સુધીમાં 1 લાખ કરોડથી વધુનું મૂડી રોકાણ લાવીને દેશભરમાં મૂડી રોકાણમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે તે માટે સરકારે પ્રયાસો શરૂ કર્યાં છે.
જાન્યુઆરીથી ડીસેમ્બર 2022ના આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશમાં રૂ. 45,217 કરોડનું સૌથી વધુ મૂડીરોકાણ આવ્યું છે. જેમાં કુલ 46 પ્રોજેક્ટ છે. જ્યારે ઓડિસ્સામાં માત્ર 22 પ્રોજેક્ટ માટે રૂ. 37,266 કરોડનું અને મહારાષ્ટ્રમાં માત્ર રૂ. 35,675 કરોડનું જ મૂડીરોકાણ આવ્યું છે. ત્યારબાદ અન્ય રાજ્યોમાં રાજસ્થાનમાં રૂ. 17,403 કરોડનું, ઝારખંડમાં રૂ.15,489 કરોડનું, તામિલનાડુમાં માત્ર રૂ. 9,268 કરોડનું જ મૂડીરોકાણ આવ્યું છે.
કેરાલામાં માત્ર રૂ. 1 કરોડનું, સિક્કિમમાં રૂ. 22 કરોડનું અને જમ્મુ-કાશ્મીરમાં રૂ. 169 કરોડનું રોકાણ આવ્યું છે. સમગ્ર દેશમાં 2022ના વર્ષ દરમિયાન કુલ 1185 પ્રોજેક્ટમાં રૂ. 4,24,101 કરોડના મૂડીરોકાણની સામે માત્ર 916 પ્રોજેક્ટમાં રૂ.2,50,064 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે, એટલે કે 50 ટકાથી થોડું વધુ મૂડીરોકાણ આવ્યું છે.


