ભુજઃ રાજકોટમાં ચાના કપમાં આઇપીએલ સટ્ટો રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. એમાં હાઇટેક બુકીની ચોંકાવનારી ટેકનિક જણાઈ. કાલાવડ રોડ પર આવેલા ચાના સ્ટોરમાં ગ્રાહકોને અપાતા કપમાં અલગ અલગ કંપનીની જાહેરાત જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચાના કપમાં ચાની કંપનીના લોગોની બાજુમાં એક ક્યુઆર કોડ છપાયેલો જોવા મળતો હતો.
ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ સાઇટનું હોમપેજ ખૂલતું હતું અને તેમાં વ્હોટ્સએપનો સિમ્બોલ જોવા મળતો હતો. તેમાં ક્લિક કરવાથી ચોક્કસ નંબર દર્શાવાતો હતો તેમાં મેસેજ કરવાથી અંગ્રેજીમાં મેસેજ આવતો હતો કે ‘આઇ.ડી. ચાહીયે સર?’ અને તેમાં ‘યસ’ લખવાથી યુપીઆઇ આઇડી, ગૂગલ પે અને ફોન પેનો નંબર આપવામાં આવતો અને પ્રથમ રૂ. 100 ડિપોઝિટ પેટે જમા કરવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોડ સ્કેન કરવાથી જે સાઇટ ખૂલતી હતી તે સાઇટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો છે. વિવાદ થતાં સંચાલકે કપ હટાવી દીધા હતા.


