તટસ્થ પત્રકારત્વના પર્યાય ગુજરાત સમાચારની 51મી વર્ષગાંઠ

Wednesday 24th May 2023 07:18 EDT
 
 

ગુજરાત સમાચારે તેની અદભુત પ્રકાશનયાત્રાની 51મી વર્ષગાંઠ 5 મે, 2023ના રોજ સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞના માર્ગ દ્વારા ઊજવી હતી. સીમાચિહનની ઉજવણી કરવા માટે એક વિશેષ ઝૂમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારત અને યુકેની નોંધપાત્ર વ્યક્તિઓ હાજર રહી હતી.
કાર્યક્રમના સંચાલક ગુજરાત સમાચારનાં મેનેજિંગ એડિટર જ્યોત્સનાબેન શાહ હતાં. મીના ત્રિવેદી અને માયાબેન દીપકે મહેમાનોના મનોરંજન માટે સુમધુર સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. અભિનેત્રી ભાવિની જાનીએ કૃતજ્ઞતા દર્શાવતી કવિતા મોકલી હતી, તો એશિયન વોઇસનાં મેનેજિંગ એડિટર રૂપાંજના દત્તાએ સી.બી. પટેલને ખાસ સંદેશ મોકલ્યો હતો.
ક્રિષ્નાબહેન પુજારા
ગુજરાત સમાચારનાં 51 વર્ષ નિમિત્તે સહેલી એન્ફિલ્ડના સીઈઓ ક્રિષ્નાબહેન પુજારાએ એશિયન બિઝનેસ પબ્લિકેશન લિમિટેડ (એબીપીએલ)ની સફળ સફર અંગે લોકોને માહિતગાર કર્યા હતા. ક્રિષ્નાબહેને જણાવ્યું હતું કે, ગુજરાત સમાચારની શરૂઆત 5 મે 1972ના રોજ કરવામાં આવી હતી. આ સાપ્તાહિક દુકાનમાં વેચાણ ઉપરાંત સબસ્ક્રિપ્શન અને ઓનલાઇન વાંચકો સુધી પહોંચે છે. ગુજરાત સમાચાર ગુજરાતી સમુદાયનું સૌથી આદરણીય અને પ્રભાવશાળી પેપર છે. ગુજરાત સમાચારની પ્રથમ આવૃત્તિ 5 મે 1972એ યુ.કે.માં ભારતના તત્કાલીન હાઇ કમિશનર શ્રી અપ્પાસાહેબ દ્વારા બહાર પડાઈ, ત્યારથી આ યાત્રા અવિરત ચાલુ છે.
રોહિત વઢવાણા
નાઇરોબીસ્થિત ભારતના ડેપ્યુટી હાઇકમિશનર રોહિત વઢવાણાએ જણાવ્યું હતું કે, સીબી સાહેબ તમારા આ જ્ઞાનયજ્ઞએ 51મા વર્ષમાં પ્રવેશ કર્યો તેના માટે આપને, ગુજરાત સમાચારને અને તમામ વાંચકોને શુભેચ્છા પાઠવું છું. એક આહવાન કરું છું કે હવે તમે વનપ્રવેશ કર્યો છે ત્યારે તમારે વનમાં વધારે બહાદુર અને મક્કમ થવું જોઈએ, કારણ કે હવે તમે વનનાં કોઈપણ હિંસક પ્રાણીઓનો મુકાબલો કરવા મક્કમ છો. 50 વર્ષનું સફળ પત્રકારત્વ અને તે પણ વિદેશની ધરતી પર તે મોટી સફળતા છે. સી.બી. પટેલ સાહેબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓનું ઓપિનિયન અંગે જે ઝુંબેશ આદરી હતી અને તેમાં તમે તમારાં મંતવ્યો રજૂ કરી સમાજ માટે સારો એવો ફાળો આપ્યો હતો. આ ન્યૂઝ પેપર એક માધ્યમ તરીકે ઉપયોગમાં લીધું છે એ રીતે આગળ પણ રહેશે તે આશા રાખું છું.
લોર્ડ રેમી રેન્જર
બ્રિટિશ-શીખ એસોસિયેશનના અધ્યક્ષ લોર્ડ રેમી રેન્જર CBEએ જણાવ્યું હતું કે, ‘સીબીએ એક નહીં અનેક બાબતોમાં નોંધપાત્ર કામ કર્યું છે. મેં તમારી પ્રશંસા કરી છે અને તમારી પાસેથી ઘણી પ્રેરણા, સમર્થન અને મદદ મળ્યાં છે. તમે આ સમુદાયનો એક આધારસ્તંભ છો. અડધી સદી પહેલાં આપણે એક સંઘર્ષશીલ સમુદાય હતા. આપણી પાસે કોઈ અવાજ નહોતો અને તમે તે અવાજ સમુદાયને આપ્યો, જેણે અમને સંગઠિત બનાવ્યા. અમને એકતાંતણે બાંધવા માટે એક માધ્યમ તમે આપ્યું - અખબાર, જેની 51મી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે. ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે, આવનારાં 51 વર્ષ સુધી સમાજ પ્રત્યેની તમારી આ સેવા અમે જોતા જ રહીએ. બસ તમે આમ જ પ્રેરણા આપતા રહો, તમને ખ્યાલ નથી કેટલા લોકો તમારામાંથી પ્રેરણા લે છે અને તમને રોલમોડેલ માને છે.
બોબ બ્લેકમેન
પદ્મશ્રી એમપી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, ગુજરાત સમાચાર તે સમુદાય, ભારત અને સમગ્રતયા કોમ્યુનિટી સાથે સંપર્ક જાળવી રાખવામાં સૌથી મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. સી.બી. અને તેમની ટીમે સમાચારો, અભિપ્રાયો અને રિવ્યૂઝને વ્યાપક જનતા સમક્ષ રજૂ કરવા બાબતે સંપૂર્ણ વ્યાવસાયિક અભિગમ જાળવી રાખ્યો છે. તે એવા ન્યૂઝપેપર્સ પૈકી એક છે જે કોમ્યુનિટીની અંદર વ્યાપકપણે વંચાય છે અને જ્યારે આવે છે ત્યારે ખજાનાની માફક સાચવી પણ રખાય છે. તમે માત્ર ન્યૂઝપેપર્સમાં જ મૂલ્યો સ્થાપિત નથી કર્યાં, તમે સમગ્ર ગુજરાતી કોમ્યુનિટીમાં આ મૂલ્યો આગળ વધાર્યાં છે. ગુજરાત સમાચારની 51મી વર્ષગાંઠ માટે અભિનંદન.
લોર્ડ નવનીત ધોળકિયા
લોર્ડ નવનીત ધોળકિયા OBEએ કહ્યું, ‘સી.બી. પટેલ સાથેની પ્રથમ મુલાકાત મને યાદ છે. તેમણે એશિયન વોઇસની ડમી આવૃત્તિ તૈયાર કરી હતી. હું ખરેખર ખુશ હતો, કારણ કે તેમણે ગુજરાતી સમુદાય અને એશિયન સમુદાયની સાથે એક બહોળા વર્ગને સાંકળ્યો હતો, અને આ દેશના અધિકારો અને સ્વતંત્રતાને સમજાવવાનો એક ઉત્તમ પ્રયાસ કર્યો હતો. સી.બી. તેમના અખબારમાં લેખો, લોકોની સમીક્ષાઓ પ્રકાશિત કરવામાં સક્ષમ હતા, જેના દ્વારા એશિયન સમુદાય અને અન્ય વિચારોને અસરકારક રીતે પ્રતિબિંબિત કરી રહ્યા હતા. મને એ વાતનો આનંદ છે કે મને દર અઠવાડિયે એશિયન વોઇસ અને ગુજરાત સમાચારની મારી નકલ મળે છે, જેને હું હાઉસ ઓફ લોર્ડ્સની લાઇબ્રેરીમાં મૂકી દઉં છું જેથી અન્ય લોકો વાંચી શકે, તે ચોક્કસ દેશના લોકોના હૃદયને સ્પર્ષે છે.
દિનકર મહેતા
પ્રસિદ્ધ હાસ્યકલાકાર દિનકર મહેતાએ કહ્યું કે, 51 વર્ષથી યુકે, યૂરોપ, એશિયા સહિત અનેક દેશોમાં અટક્યા વિના ટકી રહેલું ગુજરાત સમાચાર 51 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તે અંગે હું ગુજરાત સમાચાર અને સી.બી. પટેલને ખૂબખૂબ અભિનંદન આપું છું. ગુજરાત સમાચાર છાપું એટલે કે ન્યૂઝ પેપર, તો ન્યૂઝ પેપર શા માટે...? તો NEWS એન, ઈ, ડબલ્યુ, એસ... નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ... ચારેય દિશાના સમાચાર ભેગા કરે. PAPER એટલે શું? ‘પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇવન રિપોર્ટિંગ’. એટલે કે ચારેય દિશાના સમાચાર ભેગા કરીને આપે એ ન્યૂઝ પેપર. ગુજરાત સમાચાર માટે તો મારે એવું કહેવું છે કે તેમાં ચારેય દિશા જ નહીં, ચારેય ખૂણા અને ઉપર આકાશ અને નીચે પાતાળ પણ આવી ગયાં. 51 વર્ષથી સીબી આ ગુજરાત સમાચાર જે ટકી રહ્યું છે તેનું કારણ તમારો સ્વભાવ, તમારો સ્ટાફ, તમારી ટીમ. TEAM એટલે ‘ટુગેધર એવરિવન એચિવ મોર’ ધેટ ઇઝ ટીમ.ગુજરાત સમાચાર, સીબી પટેલ, આખો સ્ટાફ, આખી ટીમ અને વાંચકો માટે મસ્ત રહે મન, તંદુરસ્ત રહે તન એવી મારી શુભેચ્છા છે.
સુભાષભાઈ ઠકરાર
લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને ચેરિટી ક્લેરિટીના ફાઉન્ડર-ચેરમેન સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર જે હું વાંચતો અને જોતો હોઉં છું તે ચોક્કસપણે વિકાસ પામ્યું છે. સી.બી. સહર્ષ સ્વીકારશે કે એક એવો સમય હતો કે જ્યારે સાપ્તાહિક વાંચવા માટે આકર્ષક નહોતાં, અને મારા જેવા ઘણા માત્ર પેજને એક બાદ એક ફેરવી સમય પસાર કરતા હતા. જો કે કેટલાંક વર્ષોથી સ્થિતિ બદલાઈ છે. આપણે બધા આ 50 વર્ષમાં ખૂબ જ પરિપક્વ બનેલા આ સમાચાર માધ્યમને માન આપતા શીખ્યા છીએ. મને ખરેખર લાગે છે કે અખબારો એક સંસ્થા બની ગયાં છે. હું તમને અઢળક અભિનંદન પાઠવું છું. મને લાગે છે કે તમે ગુજરાતી સમુદાય અને વ્યાપક સમુદાય માટે શક્તિશાળી વારસો છોડી રહ્યા છો. હું તમને એક સંસ્થા તરીકે ઓળખું છું. તમે ગુજરાતી સમુદાયને અને વ્યવસાયિક લોકોની હાજરીને મહત્ત્વ આપ્યું છે. તમારા પ્રકાશનમાં બાંગ્લાદેશી સમુદાયોથી લઈને પાકિસ્તાની સમુદાયો માટે ખરેખર સારું કવરેજ જોવા મળે છે.
વિષ્ણુભાઈ પંડ્યા
વરિષ્ઠ પત્રકાર, કોલમિસ્ટ અને ગુજરાત સમાચારના માનદ તંત્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું કે, પત્રકારત્વમાં 51 વર્ષ... સામાન્ય રીતે આપણને રોમાંચ થઈ જાય, પરંતુ તેની પાછળ એટલી બધી પીડા, એટલી બધી મહત્ત્વકાંક્ષા અને એટલો બધો પુરુષાર્થ પડ્યો હોય છે. એમ માનો કે ઊબડખાબડ જમીન પર પગમાં છાલાં પડી જાય એવી સ્થિતિ સર્જાય છે. પત્રકારત્વને આપણે મિશન તરીકે ગણીએ, જેનું ગુજરાતી હું સેવા કરું છું. માત્ર સેવાથી જ ચાલતું નથી. આદર્શ, વ્યહારિક અભિગમ, શિસ્ત આ ત્રણેયની જરૂર પડે. 51 વર્ષથી ગુજરાત સમાચાર સી.બી.ના નેતૃત્વ હેઠળ કઈ રીતે આગળ વધ્યું હશે તે પ્રશ્ન છે. ભલે સી.બી. વિશે લખાયું છે પણ અખબારના ઇતિહાસ વિશે પણ લખાવું જોઈએ, કારણ કે વિદેશોમાં ગુજરાતી અખબાર એક ઐતિહાસિક ઘટના હોય છે. અખબાર ચલાવવા સંબંધો એ સૌથી શ્રેષ્ઠ પાવર છે, જે એમનામાં છે.
એમ. નંદકુમાર
ભારતીય વિદ્યા ભવનના ડાયરેક્ટર એમ. નંદકુમારે જણાવ્યું હતું કે, “ગુજરાત સમાચાર હંમેશાં આપણા સમુદાય માટે ઊભું રહ્યું છે. સી.બી. સૌથી ધનવાન અને સૌથી ગરીબ લોકો સાથે સમાન પ્રતિષ્ઠા સાથે વાતચીત કરવામાં સક્ષમ છે, તેમને ખરાબ લાગતું નથી. તે એવી વ્યક્તિ છે, જે આ પેપર માટે ખૂબ જ સરળતાથી સુલભ છે. તેમણે આપણા સમુદાયની એવી રીતે સેવા કરી છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે. તે આ પ્રકારની સેવા આપણા દેશના દરેક ખૂણે-ખૂણે કરી રહ્યા છે. સમાજની સેવા કરવી એ સૌથી મુશ્કેલ કામ છે. સત્ય સુધી પહોંચવામાં સક્ષમ થવું અને તેને સમજાવવામાં સક્ષમ બનવું એ ઘણું મુશ્કેલ છે, પરંતુ તે મુશ્કેલ કામ તેઓ પાંચ દાયકા કરતાં વધુ સમયથી કરી રહ્યા છે.
ડો. કેયુર બુચ
ઓર્થોપેડિક સર્જન ડો. કેયુર બુચે કહ્યું, વાત તો કર્મયોગી થી જ કરવી પડે, કારણ કે કર્મયોગ બિલ્ડિંગમાંથી જે કર્મયોગ મિશન શરૂ થયું તે ગુજરાત સમાચારનું સાતત્ય બીજા 50 વર્ષથી વધુ જળવાઈ રહે તેવી મારી અને મારાં 91 વર્ષનાં માતૃશ્રી દ્વારા શુભકામના.
મને સતત મળતી સફળતા વચ્ચે શનિવાર અને રવિવારે જે બળ મળતું, તેમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો બહુ મોટો હાથ રહ્યો. મારા પિતાએ ગુજરાત સમાચારને બિરદાવતો એક સુંદર લેખ લખ્યો હતો અને જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ગુજરાત સમાચારે પ્રામાણિકપણે તેમને એક સંનિષ્ઠ અધિકારી તરીકે તેમને સમાચારરૂપે શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાં રહીને પણ ગુજરાત સમાચાર સાથે હું હજુપણ સક્રિયપણે સંકળાયેલો છું. ગુજરાત સમાચાર, એશિયન વોઇસના સમગ્ર પરિવારને ડો.કેયુર બુચ અને તેમના પરિવાર તરફથી ખૂબખૂબ શુભકામના. જય હો...
મહેશ લિલોરિયા
ગુજરાત સમાચારના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત સમાચાર માત્ર સમાચાર પત્ર નહીં પણ જીવંત પત્ર છે. સી.બી. પટેલ એક સંપૂર્ણ પાઠશાળા છે. એ જ રીતે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના માધ્યમથી સી.બી. સાહેબે કહેલી એકએક વાત જીવંત પંથ બની ગઈ છે. સમાજના અધિકારો માટે અનેકાનેક ઝુંબેશ ગુજરાત સમાચાર દ્વારા ઉપાડવામાં આવી છે અને સફળતા મેળવી છે. એ પછી હરેક્રિષ્ના મંદિરને બચાવવાની ઝુંબેશ હોય, બ્રિટિશ પાસપોર્ટના અધિકારની વાત હોય, એર ઇન્ડિયા અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટની વાત હોય. ગુજરાત સમાચારના પ્રથમ અંકમાં સી.બી.એ લખ્યું હતું અને એનું સી.બી. શબ્દશઃ પાલન કરે છે કે ‘આ છાપાંઓ – આ અખબારો કમાણી કરવા માટે નથી, આ સમાજનું ઋણ અદા કરવા માટે શરૂ કરેલું એક અભિયાન છે.’ ખરેખર આ ખૂબ જ ગૂઢ વાત છે. સુવર્ણ જયંતી વર્ષમાં જાણે સોનામાં સુગંધ ભળી હોય એમ સી.બી. પટેલ સાહેબને પ્રવાસી ભારતીય સન્માનથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. 2023માં પ્રવાસી ભારતીય સંમેલનમાં આ સન્માન મેળવનારા તેઓ બ્રિટનના એકમાત્ર નાગરિક છે.
સી.બી. પટેલ
ગુજરાત સમાચારના પબ્લિશર અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલે કહ્યું, ઘણા લોકો મારા માટે બહુ સારું બોલ્યા છે એ આપની ઉદારતા છે. પણ મને જરાપણ થાક લાગ્યો નથી અને કોઈ બોજો ઉઠાવ્યો નથી. આ કામમાં પરમાત્માએ મને તક આપી. પિતાએ ઓક્ટોબર 1973માં મને કહ્યું હતું કે જીવનમાં એક હેતુ હોવો જોઈએ. આપ સૌ અનેક રીતે મારા સાથીદાર બન્યા. હું માનું છું કે મારા પિતાશ્રીને સંતોષ પણ થયો હશે કે એમના ચિંધાવ્યા માર્ગે હું કંઈ કરવા પ્રયત્નશીલ રહ્યો. હું તો માત્ર નિમિત્ત છું. મારો સૌથી મોટો આરાધ્ય દેવ મારો વાંચક છે - મારો સમર્થક છે. મેં બધાને કહ્યું છે કે આપણી વાત ભૂલી જાઓ, જે સેવા કરીશું એ જ પરમ છે. મેવા મળે કે ના મળે. ખરેખર તો કોઈ કશું કરતું જ નથી. ઉપર એક પરમ તત્ત્વ છે. કાંઠિયાવાડમાં એક દોહો છે - ‘‘કે’ને ખેતર વાડિયું, કે’ને ગામ ગરાસ; આકાશી રોજી ઉતરે, નકળંગ દેવીદાસ.’’ હું માનું છું કે પરમાત્મા હજુપણ મને સેવા કરવાની તક આપશે.


comments powered by Disqus