આણંદઃ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીને લઈને આણંદમાં વિવાદ થયો છે. અહીં ડિઝાઇનર મેન્સવેર શોરૂમના માલિકની દુકાનને મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવાની ધમકી મળ્યા બાદ આ ફિલ્મનું સ્ક્રીનિંગની અટકાવી દીધું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ વીડિયોમાં ધર્મેશ દરજીને કહેતાં સાંભળી શકાય છે કે તેમણે વિવાદિત ફિલ્મ ધ કેરળ સ્ટોરીનો કોઈપણ શો મફતમાં કરાવવાની જાહેરાત કરી નથી. એક રિપોર્ટ મુજબ શહેરમાં 18 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓ માટે આ ફિલ્મના ફ્રી શોની જાહેરાત કરાઈ હતી.
ફિલ્મના ફ્રી શોની જાહેરાત પેમ્ફ્લેટના માધ્યમથી કરાઈ હતી, જેને શ્રી ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિ યુવકમંડળ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. પેમ્ફ્લેટમાં મુબારક સ્ટુડિયોના માલિક ધર્મેશ દરજીને સ્પોન્સર તરીકે દર્શાવાયો હતો. ધર્મેશ આ ફિલ્મના શોનો સ્પોન્સર હોવાની વાત શહેરમાં ફેલાતાં તેને સતત ફોન અને મેસેજ દ્વારા આ ફિલ્મની સ્પોન્સરશિપમાંથી ખસી જવા કહેવાયું હતું. ધર્મેશને કહેવામાં આવ્યું હતું કે તમારી દુકાનના મોટાભાગના ગ્રાહકો મુસ્લિમ છે, ત્યારે જો તમારો બોયકોટ કરવામાં આવશે તો તમારી દુકાનમાંથી કપડાં કોણ ખરીદશે? ધર્મેશના જણાવ્યા અનુસાર તેની દુકાનમાં અનેક મુસ્લિમ સમાજના ગ્રાહકો આવતા હોવાથી તેણે પોતાની દુકાનનું નામ મુબારક રાખ્યું હતું, પરંતુ આ ફિલ્મની સ્પોન્સરશિપની જાહેરાત બાદ મુસ્લિમ સમાજે તેનો સખત વિરોધ કર્યો હતો.


