નવી દિલ્હીઃ ભારતનો ડંકો હાલમાં દુનિયાભરમાં વાગી રહ્યો છે. ઘણા દેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજી ચૂક્યા છે અને આ સિલસિલો સતત આગળ જ વધી રહ્યો છે. પાપુઆ ન્યૂગિની અને ફિઝી બંને દેશોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિઝીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી’થી સન્માનિત કર્યા છે, તો પાપુઆ ન્યૂગિનીએ પોતાના સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ’થી પ્રધાનમંત્રીને નવાજ્યા છે.
જી-20ની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યૂગિની પહોંચ્યા હતા. પાપુઆ ન્યૂગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેની સાથે સંમેલનની સહઅધ્યક્ષતા કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ભારતને જેમ્સ મારાપે એક વિશ્વસનીય ભાગીદારના રૂપમાં જોઈ શકે છે.
ચીનને જવાબ આપવાની રણનીતિ
પ્રધાનમંત્રી મોદીએ જેમ્સ મારાપેને બનતી મદદ આપવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો. એફઆઇપીઆઇસીની શરૂઆત 2014માં મોદીની ફિઝી યાત્રા દરમિયાન થઈ હતી. આ શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનું સૈન્ય અને રાજકીય પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તમે ભારત પર વિશ્વાસ કરી શકો છોઃ મોદી
પાપુઆ ન્યૂગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેના નામજોગ સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત તમારા ડેવલપમેન્ટ પાર્ટનર હોવા અંગે ગર્વ અનુભવે છે. માનવીય મદદ હોય કે આપનો વિશ્વાસ, ભારતને તમે ભરોસાપાત્ર પાર્ટનરના રૂપમાં જોઈ શકો છો અને તેના પર વિશ્વાસ કરી શકો છો. અમે વિના સંકોચે આપની સાથે અમારો અનુભવ અને ક્ષમતા વહેંચવા પ્રતિબદ્ધ છીએ. ડિજિટલ ટેક્નોલોજી હોય કે સ્પેસ ટેક્નોલોજી, હેલ્થ સિક્યોરિટી હોય કે ફૂડ સિક્યોરિટી, ક્લાયમેટ ચેન્જ હોય કે અન્ય કોઈ બાબત ભારત તમારી સાથે જ છે.
જરૂર પડી ત્યારે અમારી સાથે કોઈ નહોતુંઃ મારાપે
પાપુઆ ન્યૂગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ વૈશ્વિક મંચ પર ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમના સમર્થન માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. જેમ્સ મારાપેએ કહ્યું કે, આપણે વૈશ્વિક શક્તિઓના સંઘર્ષનો ભોગ બનીએ છીએ. તમે ગ્લોબલ સાઉથના નેતા છો. અમે વૈશ્વિક મંચ પર તમારા નેતૃત્વ સાથે ઊભા છીએ.


