દરિયો ખેડવાની વૃત્તિ ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતીઓમાં સદીઓથી જોવા મળે છે. પુરાતન કાળથી ભારતીયો દરિયો ખેડીને વિદેશો સાથે વ્યાપાર સંબંધે જોડાયેલાં રહ્યાં છે. આધુનિક વિશ્વમાં હવે તેમાં નવું પરિમાણ ઉમેરાયું છે. વિદેશોમાં જઇ વેપાર-ઉદ્યોગ કરીને સ્થાયી થવું. તે ઉપરાંત છેલ્લા બે દાયકાથી વિદેશોની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો ટ્રેન્ડ ભારતમાં ઘણો પ્રચલિત બન્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર 32 મિલિયન ભારતીયો અત્યારે વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે. જાન્યુઆરી 2021ના આંકડા અનુસાર વિશ્વના 85 દેશમાં 10 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. 2024 સુધીમાં આ આંકડો 18 લાખને પાર કરી જશે તેવો અંદાજ છે. ટીકાકારો ભારતમાં પ્રવર્તી રહેલા આ ટ્રેન્ડને બ્રેઇન ડ્રેઇન ગણાવી રહ્યાં છે. તેમનો આરોપ છે કે દેશનું સ્કિલ્ડ યુવાધન વિદેશોમાં ઢસડાઇ રહ્યું છે અને તેનો લાભ વિદેશી કંપનીઓને થઇ રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા 80 બિલિયન ડોલર અભ્યાસ પાછળ ખર્ચવામાં આવી રહ્યાં છે. પરંતુ વિદેશમાં અભ્યાસની તરફેણ કરનારો વર્ગ કહે છે કે બ્રેઇન ડ્રેઇન નહીં પરંતુ બ્રેઇન ગેઇન છે. 2022માં ભારતીયો દ્વારા મોકલાયેલું રેમિટન્સ 100 બિલિયન ડોલરને પાર કરી ગયું, ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં કમાણી કરીને સ્વદેશમાં તેમના પરિવારોને સમૃદ્ધ કરી રહ્યાં છે. આ વર્ગનું એમ પણ કહેવું છે કે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરે તો અહીં વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ બની શકે છે. દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. પોતાની કુશળતાના જોરે અમર્યાદિત આઇડિયાને સ્વદેશમાં અમલી બનાવી શકે છે. જો કથિત બ્રેઇન ડ્રેઇન ભારતનું બ્રેઇન ગેઇન બનશે તો તે નવા ભારતનું નિર્માણ કરશે. તેમનું પ્રદાન ભારતની સૌથી મોટી સંપત્તિ બની રહેશે. આજે ભારતીયો વિશ્વના સંખ્યાબંધ દેશોમાં વિવિધ મોરચે નેતૃત્વ પુરું પાડી રહ્યાં છે. આજ ભારતીયોનું સ્વદેશાગમન ભારતની લોકશાહીને પણ વધુ મજબૂતાઇ પ્રદાન કરી શકશે.


