મુસ્લિમ યુવકના બ્લેકમેઇલિંગથી કંટાળી 22 વર્ષીય યુવતીનો આપઘાત

Wednesday 24th May 2023 06:40 EDT
 
 

નડિયાદ: ડાકોરની 22 વર્ષીય યુવતીને ચાંગાના મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બ્લેક મેઇલિંગ શરૂ કર્યું હતું. જેનાથી કંટાળેલી યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવક સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
ડાકોરની 22 વર્ષીય યુવતી નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. દરરોજ અભ્યાસ માટે ડાકોરથી અપડાઉન કરતી યુવતીને ચાંગાના અબ્દુલ્લા મોમીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને જ્યારે અબ્દુલ્લાની હકીકત ખબર પડી ત્યારે તેણીને તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા, જેનાથી રોષે ભરાયેલા અબ્દુલ્લાએ યુવતીની હેરાનગતિ શરૂ કરી હતી. મોબાઇલ પર તેમજ કોલેજ સમયે રૂબરૂમાં મળી અબ્દુલા યુવતીને હેરાન કરતો હતો.
10મીએ યુવતીનો પરિવાર બહારગામ જતાં તેણી એકલી ઘરે હતી, દરમિયાન 12 મેએ દીકરીની ફાંસો ખાઇને આત્મહત્યા કરેલી લાશ મળી હતી. જે બાદ પરિવારજનો ડાકોર પહોંચી દીકરીના મૃતદેહને વતન લઈ ગયા હતા, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
તમામ વિધિ પૂર્ણ કરી 18 મેએ પિતા ડાકોર પહોંચ્યા હતા. જ્યાં ઘરમાં તપાસ કરતાં દીકરીનો મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં રહેલા રેકોર્ડિંગ ચેક કરતાં અબ્દુલ્લા મોમીન નામનો યુવક તેને બ્લેકમેઇલ કરતો હોવાનું જણાયું, જેને પગલે પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અબ્દુલ્લા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવતીએ અબ્દુલ્લાને કરી હતી આજીજી
દીકરીના આપઘાત બાદ પિતાએ મોબાઇલ ફોન ચેક કરતાં અબ્દુલ્લા સાથેના ઘણા બધા કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેમાં અબ્દુલ્લા સાથેનો સંબંધ તોડી નાખ્યા બાદ બદલો લેવા અબ્દુલ્લા યુવતીને અન્ય યુવક સાથે ચક્કર હોવાનું કહી સમાજમાં બદનામ કરવાની, કોલેજમાંથી રેસ્ટિકેટ કરાવવાની અને બરબાદ કરી દેવાની ધમકીઓ આપતો હોવાનું સ્પષ્ટ થયું હતું. દીકરી આ અબ્દુલ્લા સમક્ષ માફી માગતી રહી, રડતી રહી અને તેના પગે પડવા સુધીની તૈયારી બતાવી ‘તું મને હેરાન ન કરીશ’ તેવી કાકલુદી કરી હતી. આખરે 22 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.


comments powered by Disqus