રૂ. 2000ની નોટ રદ કરી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપતી સરકાર

Wednesday 24th May 2023 07:19 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે 2000ની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ બેન્કોને સ્પષ્ટપણે કહ્યું છે કે, 2000ની નોટ બહાર ન આવે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે, જેમની પાસે બે હજારની નોટ છે તેઓ તેને વહેલી તકે બદલી દે. આરબીઆઇએ કહ્યું કે 23 મે સુધી બેન્કમાં જઈને આ નોટ બદલી શકો છો.
નોટબંધી 2.0 અંગે સૂત્રોએ જણાવ્યું કે, સરકાર અમેરિકાની ચલણ નીતિને અનુસરશે. ડિજિટલ કરન્સીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. અમેરિકાની તર્જ પર મોટી નોટને બદલે નાની નોટ અને ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવામાં આવશે. આરબીઆઇનો ભારતીય ડિજિટલ રૂપિયો મોટી નોટોનું સ્વરૂપ લેશે.
સૂત્રોનું માનીએ તો સરકાર વિચારી રહી છે કે, ભારતમાં 500 સુધીની નોટોનું ચલણ નક્કી કરવામાં આવે. સૂત્રોએ જણાવ્યું કે, જે રીતે અમેરિકા તેની કરન્સી ચલાવે છે, તે જ રીતે અહીં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપીને નોટની કિંમત 500 રૂપિયા સુધી મર્યાદિત કરવી જોઈએ.
નોટબંધી વખતે આવી હતી 2000ની નોટ
8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી પછી 2000 રૂપિયાની નોટ બજારમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવામાં આવી હતી. આરબીઆઇએ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2018-19માં 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. 2000ની 89% નોટ 2017 પહેલાં જાહેર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 3.62 લાખ કરોડની 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં હતી, જે ટકાવારીની દૃષ્ટિએ 10.8 ટકા છે. કાળું નાણું, નકલી ચલણ, હવાલા, બ્લેક માર્કેટિંગ, સટ્ટાબાજી, ટેરર ફન્ડિંગ જેવી પ્રવૃત્તિને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. લોકો મોટાપાયે 2000ની નોટ એકત્ર કરી રહ્યા હતા.


comments powered by Disqus