વડોદરાઃ 16 મે મંગળવારે હિમાલય પર્વતમાળામાં 5380 મીટરની ઊંચાઈ પરના એવરેસ્ટ બેઝકેમ્પ ખાતે ગુજરાતના ટ્રેકિંગ ઇતિહાસની અભૂતપૂર્વ ક્ષણ હતી. વડોદરાના 4 ટીનએજર્સ અને જેમની વય 40 વર્ષથી વધુની હતી તેવી 9 મહિલાએ બપોરે 3:30 વાગ્યે તિરંગો લહેરાવ્યો હતો. આ 13 ટ્રેકર્સ 9 દિવસમાં 75 કલાક ટ્રેકિંગ કરીને આ ઊંચાઈએ પહોંચ્યા હતા. આ મહિલાઓને ટ્રેકિંગની સુવિધા પૂરી પાડનારી કંપનીના મતે ગુજરાતમાંથી મહિલા ટ્રેકર્સ આટલી મોટી સંખ્યામાં પહોંચી હોય તેવો સંભવતઃ પહેલો કિસ્સો છે. આ ગ્રૂપનાં પીડિયાટ્રિશિયન ડો. ઊર્જિતા ભાલાણી કહે છે કે, જાન્યુઆરી મહિનામાં જ EBC ટ્રેકિંગનો પ્લાન બનાવ્યો હતો. જે મહિલાઓ તૈયાર થઈ તે બધી જ જિમ કે અન્ય વર્કઆઉટ નિયમિત કરતી હતી, તેથી એ પડકાર નહોતો. સૌએ વ્યક્તિગત તૈયારી કરવાનું નક્કી કર્યું હતું. છેલ્લા એક મહિના દરમિયાન 3-4 સભ્યનાં ગ્રૂપ બનાવ્યાં અને પોતાના વિસ્તારની 10 માળ ઊંચી ઇમારતનાં પગથિયાં ચઢ-ઊતર કરવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક તબક્કે આવું કરતાં દોઢ કલાક થતો હતો, પછી ઘટીને એક કલાક થયો હતો.


