નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદઘાટન થઇ રહ્યું છે ત્યારે યુકેસ્થિત ભારતીયો અને ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેક્ટ ટીમમાં લંડનસ્થિત આર્કિટેક્ટ બોબી (પ્રતિક) દેસાઇનો ફાળો પણ ખૂબ મહત્વનો છે.
મૂળ નડિયાદના દેસાઇ વગાના વતની અને કેન્યા-નૈરોબીથી 1964માં લંડન આવીને સ્થાયી થયેલા અગ્રગણ્ય સામાજિક કાર્યકર જી.પી. દેસાઇ (ગુણવંતભાઇ પૂજાભાઇ દેસાઇ)ના એ સુપુત્ર થાય છે.
મંગળવારે સાંજે 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ સાથે વાતચીત કરતા જી.પી. દેસાઇએ જણાવ્યું હતું કે, “સંસદભવનનું વિધિવત ઉદ્ઘાટન થશે એ નિમિત્તે મારા દીકરા બોબી (પ્રતિક) દેસાઇએ ડિઝાઇન કરેલી પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડશે.”


