સિડનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેન્ક એરેના સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ પણ હાજર રહ્યા હતા. અહીં પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. મોદીએ નમસ્તે ઓસ્ટ્રેલિયાથી સંબોધનની શરૂઆત કરી હતી. મોદીએ સિડનીના કુડોસ બેન્ક એરેનામાં ભારતીય મૂળના 20,000 થી વધુ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત માટે આખું વિશ્વ એક પરિવાર છે. આ ઉપરાંત મોદીએ બ્રિસ્બેનમાં ભારતનું નવું દૂતાવાસ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે, મેં છેલ્લા પ્રવાસ દરમિયાન વચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ફરી કોઈ ભારતીય પીએમ સાથે મુલાકાત કરવા માટે 28 વર્ષ રાહ જોવી પડશે નહીં. મોદીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છે.
ભારત મધર ઓફ ડેમોક્રેસી છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. અમે રાષ્ટ્રને એક પરિવાર તરીકે જોઈએ છીએ અને વિશ્વને એક પરિવાર તરીકે જોઈએ છીએ. આ જ કારણ છે કે જ્યારે અમે જી-20ની અધ્યક્ષતાનો લોગો નક્કી કરીએ છીએ તો કહીએ છીએ કે, ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’. ભારત એવો દેશ છે જેણે વિશ્વના 150 થી વધુ દેશોને કોરોના સંકટમાં મદદ કરી છે.
અલ્બનીઝે મોદીને કહ્યાા બોસ
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, ‘મોદી ઇઝ ધ બોસ’. ભારતીય પીએમના સ્વાગત સંબંધિત કાર્યક્રમો પર તેમણે કહ્યું કે, પ્રથમ વખત કોઈનું આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી મારા ખૂબ સારા મિત્ર છે. બંને દેશો તેમનાં લોકતાંત્રિક મૂલ્યોના આધારે સંબંધોને વધુ મજબૂત કરશે.


