જૂનાગઢ: શનિવારે જૂનાગઢ જિલ્લામાં આશરે 45 વર્ષ બાદ એવો વરસાદ પડ્યો, જેનાથી જૂનાગઢ શહેર તણાઈ ગયું હતું. શનિવારે જૂનાગઢ શહેરમાં ગણતરીના કલાકમાં જ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ગિરનાર પર બે કલાકમાં જ 16 ઇંચ જેટલો વરસાદ વરસતાં જૂનાગઢ શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ગિરનાર પરથી જૂનાગઢમાં પ્રવેશતી સોનરખ અને કાળવા નદીએ પોતાના કિનારા તોડીને શહેરમાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી હતી. ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેરમાં આવેલા પૂરથી મોટા પ્રમાણમાં વાહનો, પશુધનનું નુકસાન થયું છે, આ ઉપરાંત બે વ્યક્તિનાં મોત પણ થયાં છે.
ગિરનાર પરના વરસાદ બાદ ભારે વેગ સાથે પાણી કાળવા નદીમાં આવ્યું હતું, જે વેગના કારણે નદીએ પોતાના કિનારા તોડી નાખ્યા હતા અને પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. પાણી ભારે વેગ સાથે રહેણાક વિસ્તારોમાં ઘૂસતાં ભવનાથ, રાયજીબાગ, મોતીબાગ અને દોલતપરા સહિતના નદીકિનારાના લગભગ તમામ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કારને તાણી ગયું હતું. એક અંદાજ મુજબ વરસાદના આ પાણીમાં આશરે 200 કાર તણાઈ ગઈ હતી. પાણીના આ ભયાવહ વેગમાં અનેક પશુઓ પણ તણાયાં હતાં. સ્થિતિ ત્યાં સુધી વણસી હતી કે કાળવા નદીની આસપાસ રહેતા લોકોના ઘરમાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકોને ઉપરના માળ અથવા ધાબા પર જવા માટે મજબૂર થયા હતા. આ સ્થિતિમાં એનડીઆરએફ ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
નદીને ગટર બનાવતાં સમસ્યા સર્જાઈઃ સ્થાનિક
આ ઘટનાથી ગભરાઈ ગયેલા અને તંત્ર પ્રત્યે ભારે રોષ સાથે સ્થાનિકોએ જણાવ્યું કે, નદીને ગટર બનાવી દેવામાં આવતાં આ સ્થિતિ સર્જાઈ છે. 45 વર્ષમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટી નથી. નદી પર દબાણ કરતાં અને તળાવના કામ માટે કુદરતી પાણીનાં વહેણને અવરોધતાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
રોગચાળો ફેલાતો અટકાવવા તંત્રની કામગીરી
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ વિનાશક પૂર બાદ સાર્વત્રિક સર્જાયેલા ગંદકીના ઢગથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે જૂનાગઢ મનપા દ્વારા પાણી ઓસરતાં જ સફાઈનું કામ હાથ ધરાયું હતું. નદીની આસપાસના અને અન્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા સફાઈ કરાવવામાં આવી હતી.
ઓજત નદીના પાણીથી ઘેડ જળબંબોળ
જૂનાગઢ જિલ્લામાં શનિવારના ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘેડના ઓસાગામ, મરમઠ, લીંબોડા, ચૌટા, સરાડિયા સહિતનાં ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાં સુધી કે ઓસાગામથી એક બીમાર વૃદ્ધને જેસીબી મશીન દ્વારા સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકો માટે પણ તંત્ર દ્વારા જેસીબીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
કાળવા સિવાય સોનરખે પણ અપનાવ્યું રૌદ્ર સ્વરૂપ
ગિરનારના જંગલમાં વાદળ ફાટતાં સોનરખ નદી ગાંડીતૂર બની હતી. સોનરખના પ્રચંડ પ્રવાહે સૌપ્રથમ દામોદર કુંડના પુલની રેલિંગ તોડી હતી. પાણી નદીમાંથી બહાર રસ્તા પર 6 ફૂટ સુધી વહેવા લાગ્યું હતું.
કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 100 ટકા વરસાદ પૂરો
ગુજરાતમાં મેઘમહેરને પગલે અત્યાર સુધી સરેરાશ 23.50 ઇંચ સાથે સિઝનનો 69 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગતવર્ષે 23 જુલાઈ સુધી 20 ઈંચ
સાથે સિઝનનો 61 ટકા વરસાદ પડ્યો હતો.
વર્તમાન સિઝનમાં કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો 100 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 28.50 ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ગતવર્ષે 100
ટકા વરસાદ 9 સપ્ટેમ્બર સુધી પડ્યો હતો. આ વખતે 33 તાલુકામાં 40 ઈંચથી વધુ, 86 તાલુકામાં 20થી 40 ઈંચ, 119 તાલુકામાં 10થી 20 ઈંચ, જ્યારે 13 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી.
તાલુકા પ્રમાણે જોઈએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 78 ઈંચ, નવસારીના ખેરગામમાં 68 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં અત્યાર સુધી સૌથી વધુ 62 ઈંચ, જૂનાગઢમાં 54.68 ઈંચ, જ્યારે નવસારીમાં 50 ઈંચ વરસાદ નોંધાયો છે.


