ગુજરાત સમાચાર દ્વારા બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અંગે એક ખાસ ઝૂમ ઈવેન્ટ

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

ગુજરાત સમાચાર દ્વારા તાજેતરમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અંગે ખાસ ઝૂમ ઇવેન્ટ યોજાયો હતો, જેમાં યુકે અને ઇન્ડિયાના સામાજિક અગ્રણી અને ડોક્ટર્સે ભાગ લીધો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલા આ ઝૂમ ઇવેન્ટમાં બહેનો અને માતાઓને બ્રેસ્ટ કેન્સરની બીમારી અને તે અંગે જાગરૂકતા માટે મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટોચના કેન્સર નિષ્ણાત અને અમદાવાદ સ્થિત શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા ડો. ભાવેશભાઈ પારેખ અને એનએચએસનાં કન્સલ્ટન્ટ સર્જન ડો. તોરલબહેન ગાઠાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇવેન્ટમાં હાજર રહેલા લોકોનું સ્વાગત કરતાં એબીપીએલ ગ્રૂપના પબ્લિશર અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમાચારની સુવર્ણ જયંતીના અવસરને અમે ઊજવીએ છીએ, ત્યારે આપના સહયોગ અને સહકારને હું પરમ તત્ત્વની કૃપા સમજું છું. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અને ‘આપણું સુખ આપણા હાથમાં’ કહેવત યથાર્થ ઠરે છે. 80 વર્ષ પહેલાં જ્યારે ટીબી થતો ત્યારે તેને ક્ષય કહેતા હતા અને 40 વર્ષ પહેલાં જ્યારે કેન્સરે માથું ઊંચક્યું ત્યારે કેન્સરને કેન્સલ કહેતા હતા. જો કે આજના સંજોગોમાં ખૂબ મોટો ફેરફાર થઈ ગયો છે. મેડિકલ સાયન્સ, ડોક્ટરો, આરોગ્ય સેવા, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસિસ્ટ કેટલાય લોકોનો આજે સહયોગ છે અને આજે કેન્સરને આપણે પડકાર આપી રહ્યા છીએ. સી. બી. પટેલ દ્વારા લોકોના અભિવાદન બાદ કાર્યક્રમની બાગડોર જ્યોત્સનાબહેન શાહે સંભાળી હતી.
ડો. તોરલ ગાઠાણી
સિનિયર ક્લિનિકલ રિસર્ચ ફેલો- બ્રેસ્ટ કેન્સર એક્સપર્ટ
ભારતીય મહિલાઓમાં વિશ્વની અન્ય સ્ત્રીઓની સરખામણીમાં સ્તન કેન્સર થવાની શક્યતા વધુ છે. શ્વેત સ્ત્રીઓની સરખામણીમાં તેમને સ્તન કેન્સર થવાની શક્યતા ઓછી હોવા છતાં, તે હજુ પણ યુકેમાં નિદાન કરાયેલું સૌથી સામાન્ય કેન્સર છે. તમારે કયાં લક્ષણો જોવાની જરૂર છે તે વિશે જાગૃત રહેવું મહત્ત્વપૂર્ણ છે. સૌથી સામાન્ય લક્ષણ લમ્પ છે, જો તમને લાગે છે કે સ્તન અથવા હાથની નીચે લમ્પ છે તો તમારે તેના માટે મદદ લેવી જરૂરી છે. બીજી સમસ્યા સર્જાય છે નિપ્પલમાં ફેરફાર, જેમ કે સ્રાવ જે કાં તો સ્પષ્ટ અથવા લોહી સાથે હોઈ શકે છે, તે અલ્સર અથવા અન્ય કોઈ આડઅસર ઊભી કરી શકે છે. સ્તનની ત્વચા પર સામાન્ય ફેરફારો પણ મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. ખાસ કરીને જો કોઈ અલ્સર હોય તો તે કંઈપણ મટાડતું નથી. જો આ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય તો ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે. જો તમે યુકેમાં રહો છો, તો તમારે જનરલ પ્રેક્ટિશનર સાથે નોંધણી કરાવવી જોઈએ, પછીથી તેઓ મૂલ્યાંકન કરશે. અને જો જરૂરી હોય તો તેઓ તમને લોકલ બ્રેસ્ટ ક્લિનિકમાં મોકલે છે.
સ્તનને લગતા રોગોના ક્લિનિકમાં તમને કેટલાક પ્રશ્નો પૂછાશે, તેઓ તમારી તપાસ કરશે અને જરૂરી ફોટો લેશે. તેઓ સ્તનનો એક્સ-રે કરશે જેને મેમોગ્રામ કહેવામાં આવે છે, અથવા તેઓ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરશે અને ક્યારેક તેઓ બાયોપ્સી પણ કરશે. જો તમારી પાસે વધારે ટેસ્ટ કરાવાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે તમને કેન્સર છે, તેનો અર્થ એ છે કે તેમને વધુ જાણવાની જરૂર છે. જો તમે યુકેમાં 50 વર્ષથી વધુ ઉંમરના હો તો તમને મેમોગ્રામ માટે આમંત્રિત કરાશે. તમને દર ત્રણ વર્ષે મેમોગ્રામ માટે ક્લિનિકમાં આમંત્રિત કરતો એક પત્ર પ્રાપ્ત થશે. હું આગ્રહ કરું છું કે જો તમને આ પરીક્ષણ માટે આમંત્રિત કરવામાં આવ્યાં હોય તો તમે પરીક્ષણ કરાવો. મેં જે લક્ષણો વર્ણવ્યાં તેને તમે દર્શાવો તે પહેલાં જ ટેસ્ટથી સ્તન કેન્સરનું નિદાન થઈ જશે. વધુમાં કહીએ તો કેન્સરની શરૂઆતથી જ તેને પકડી લેવાતાં તે વહેલા સ્ટેજમાં હોય છે અને ઉપચારને વધુ સફળ બનાવે છે.
ઉંમરની સાથે સ્તન કેન્સરનું જોખમ વધતું હોય છે. વધારે વજન અને આલ્કોહોલ જેવી વસ્તુઓ પણ જોખમનું પરિબળ વધારી શકે છે. હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી (એચઆરટી) જેવી સારવાર સ્તન કેન્સરના વધતા જોખમ સાથે થોડી સંકળાયેલી છે, તેથી તમારા જનરલ પ્રેક્ટિશનર સાથે આ બાબતોની ચર્ચા કરવી જરૂરી છે. જો તમને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હોય, તો સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે અમારી પાસે ખૂબ જ સારી અને અસરકારક સારવાર છે. મુખ્ય સારવારરૂપે ઓપરેશન કરીને કેન્સરને દૂર કરવું અને તેની આસપાસના ટિશ્યૂને હટાવવા અને બગલમાં થયેલી એક અથવા બે ગાંઠોને દૂર કરવી છે. મોટાભાગના લોકોનું આ ઓપરેશન એક દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે અને રિકવરી પણ ખૂબ જ ઝડપી આવે છે.
સ્તન કેન્સર માટે આપણે જે અન્ય સારવારનો ઉપયોગ કરીએ છીએ તે રેડિયોથેરાપી છે, જેમાં સ્તન પર અને બગલમાં રેડિયોપથી અપાય છે. અમારી પાસે દવાની સારવાર પણ છે, જેમાં સૌથી સામાન્ય ટેબ્લેટને દર્દીએ પાંચ વર્ષ સુધી લેવી પડે છે.
જે સારવારની તમામ દર્દીઓ ચિંતા કરે છે, તે હોય છે કિમોથેરાપી. આ કોમન રસ્તો છે, પરંતુ તે સિવાય પણ શક્યતાઓ ઘણી છે. જો કે આ સ્તન કેન્સરની સારવાર નથી, જેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. સ્તન કેન્સરની એક સારવાર અમે જાણીએ છીએ, જે સલામત, અસરકારક અને તેની આડઅસરોને નિયંત્રિત કરનારી છે. જો તમે કોઈ બાબતે ચિંતિત હો તો હું તમને તમારા ડોક્ટરની મુલાકાત લેવાની સલાહ આપીશ, જેથી તમને હોસ્પિટલમાં રિફર કરી શકાય. મારા મતે સૌથી નિર્ણાયક બાબત એ છે કે ડરશો નહીં, કારણ કે જો અમને ખબર ન હોય કે તમને કોઈ સમસ્યા છે તો અમે તેને હલ કરી શકતા નથી, તેથી તમે જેટલી ઝડપથી આગળ આવશો તેટલું સારું.
ડો. ભાવેશ પારેખ
મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને કેન્સર સ્પેશિયાલિસ્ટ,
હેડ - શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ
‘બ્રેસ્ટ કેન્સર અને તેના વિશેની વાત’ – એબીપીએલ ગ્રૂપને 50 વર્ષ પૂર્ણ થવા પર આ વાતથી મને અને એબીપીએલ ગ્રૂપને ઋણ ચૂકવવાનો આટલો સારો અવસર મળ્યો છે, તે બદલ હું ખરેખર આભારી છું. મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે છેલ્લાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા ડો. ભાવેશ પારેખ કિમોથેરાપીના એક્સપર્ટ ગણાય છે. ડો. ભાવેશ પારેખે કહ્યું, ‘જાણે તે જીતે અને ડરે તે મરે’ આ મારું સૂત્ર છે. આજનો યુગ એવો છે જેમાં ઇન્ફર્મેશન સાચી હોવી જરૂરી છે. આ ગૂગલેશ્વર મહાદેવ બહુબધી ઇન્ફોર્મેશન આપી દે છે. ભાવેશેશ્વર મહાદેવ જેવા કોઈ મહાદેવ મળી જાય ને, જે બધી ઇન્ફોર્મેશન ફિલ્ટર કરી સાચી ઇન્ફોર્મેશન આપે તે જરૂરી છે. હજુપણ કેન્સર શબ્દ સાંભળી ભલભલાનાં મોતિયાં મરી જાય છે. બધાને એવું થાય છે કે હવે હું ગયો, પરંતુ ભલા માણસ આ કેન્સર અને તેમાં પણ બ્રેસ્ટ કેન્સર 100 ટકા મટે તેવું કેન્સર છે. આપણો તે પ્રયત્ન હોવો જોઈએ કે આપણે તેને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરીએ અને આપણે તેવા ત્રણે ત્રણ ડોક્ટરને મળીએ. જેમ કે એક પ્રશ્ન આવ્યો કે આપણે કિમોથેરાપી ન લઈએ તો? હું તમને સરસ ઉદાહરણ આપું. કેન્યા - આફ્રિકાનાં એક બહેનને બ્રેસ્ટ કેન્સર હતું અને તે સ્ટેજ ફોરમાં હતું. તેમને બોનમાં અને લિવરમાં સ્પ્રેડ થયું હતું. તેમને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે, હવે તમારું આયુષ્ય માત્ર ત્રણથી છ મહિના જ છે. મોટાભાગે કેન્સરનું જ્યારે નિદાન થાય છે ત્યારે બે પ્રશ્ન કુટુંબમાં હોય છે. હજુપણ ગુજરાતી કે એશિયન ફેમિલીમાં જ્યારે પણ સ્ત્રીને રોગ થાય છે ત્યારે આખું ઘર હલબલી જાય છે, કારણ કે તે ઘરનો આધારસ્તંભ હોય છે. તેમનો પુત્ર આયર્લેન્ડમાં અભ્યાસ કરતો હતો અને તેમના પતિને બાયપાસ સર્જરી કરાવી હતી, તેઓ ફોન પર રડી પડ્યાં અને કહ્યું, ‘હવે અમારું શું થશે?’ મેં તેમને અમદાવાદ આવી જવા કહ્યું હતું. તેઓ આવ્યા ત્યારે બાયોપ્સી કરી, તપાસ કરી. ઓપરેશન અને કિમોથેરાપી વિના માત્ર ચામડી નીચે ઇન્જેક્શન આપી તેમની સારવાર કરી હતી. આજે દોઢ વર્ષ બાદ તેમનો પેટ સ્કેન રિપોર્ટ નોર્મલ છે.
મોટાભાગે બ્રેસ્ટ કેન્સર થતાં મહિલા કે તેમનો પરિવાર બ્રેસ્ટને રિમૂવ કરવાનું કહે છે, જેનો હું વિરોધી છું. આ સ્ત્રીનું એક સુંદર અવયવ છે, જેને ગુમાવતાં તે કેટલીય રાતો રડી છે. અમારી હોસ્પિટલમાં કોઈપણ સ્ટેજ હોય અમે સ્ત્રીનું બ્રેસ્ટ રિમૂવ કરતા નથી. અમે એને કિમો આપી બ્રેસ્ટ પર નાનું ઓપરેશન કરી લમ્પ કાઢી લઈએ છીએ અને બગલમાંથી પણ લમ્પ કાઢી લઈએ છીએ. આ ઉપરાંત રેડિએશન થેરપી અને હોર્મોનલ થેરપી આપી તેને પૂર્ણ રીતે મટાડી શકાય છે. આ અંગે અનેક ગેરમાન્યતા છે. સાહેબ, આ રોગ વારસાગત ઉતરે કે નહીં?, આ ચેપી છે કે નહીં?, દર્દીનાં વાસણ ધોવાય કે નહીં? આવી અનેક ગેરમાન્યતા આપણા સમાજમાં પ્રવર્તે છે. આ ઉપરાંત તેનાં કપડાં અલગ રાખવાં, ખાવાનું એકસાથે નહીં અને હોટેલમાં નહીં જવાનું આવા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવે છે, જેનો હું વિરોધ કરું છું.
આ કેન્સર પેશન્ટને ભલે બ્રેસ્ટ રિમૂવ કર્યું હોય તેમને ફરીથી સમાજમાં રિહેબિલિટેશન સાથે પ્રોસ્થેસિસ, પ્લાસ્ટિક સર્જરી સાથે સમાવવાનો હું હિમાયતી છું. તે બ્રા પહેરી શકે, ઓફિસમાં જોબ કરી શકે, સ્વિમિંગ કરી શકે, તેને સમાજ કે પરિવાર તરફથી એક પણ તકલીફ ન પડે એવો મારો એક પ્રયાસ છે, જેમાં હું ઘણેખરે અંગે સફળ થયો છું. હું માનું છું કે કેન્સર માત્ર દવાથી નથી મટતું, તેના માટે કાઉન્સેલિંગ પણ ખૂબ જરૂરી છે. ગુજરાત સમાચારના પ્લેટફોર્મથી હું ઘણા દર્દીઓની માનસિક વ્યથા દૂર કરી શકીશ. કદાચ દર્દીને કેન્સર તો મટી જશે, પણ તેઓ જે મેન્ટલ ડિસ્ટર્બન્સમાંથી પસાર થાય છે. આવી મહિલાઓ એબીપીએલના માધ્યમ દ્વારા મારો સંપર્ક કરશે તો તેમના માટે હંમેશાં તૈયાર છું.
આ રોગને આપણે ખતરનાક બનાવ્યો છે, રોગ ખતરનાક નથી. કોઈપણ સ્ત્રીને જો 50 કે 60 વર્ષે કેન્સર થાય તો આપણે તેમને 98મો જન્મદિવસ ઊજવીને જ મોકલીશું, એ પહેલાં નહીં મોકલીએ. આ અંગે આપણે પૂર્વ સંભાળની જ જરૂર છે. તેના માટે આલ્કોહોલ, સ્મોકિંગ અને ઓબેસિટીને અવોઇડ કરો. કેન્સર ડિટેક્ટ થયા બાદ ઓવર કેરિંગની જરૂર નથી. ફિઝિકલ એક્સરસાઇઝ કરો, જિમમાં જાઓ, યોગ કરો, મેડિટેશન કરો. તમારું ગમતું મ્યુઝિક સાંભળો. તમારા જીવનની ચિંતાઓ દૂર કરવાથી જ તમે તમારા કેન્સરને અવગણી શકો છો અને શ્રેષ્ઠ જીવન જીવી શકો છો.
ડો. જયશ્રી શાહ
નિવૃત્ત એનએચએસ ઇન્ટિગ્રેટેડ મેડિકલ જનરલ પ્રેક્ટિશનર
ડો. જયશ્રીબહેન શાહે જણાવ્યું કે, ‘જો કોઈ મહિલા 71 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ કરાવવા ઇચ્છે છે, તો તે કરાવી શકે છે. સારી સારવાર ઉપલબ્ધ હોવાથી તેને વધુ પડતા નિદાનની તક મળી શકે છે. જો કે અહીં હાથ ધરાયેલા સ્ક્રીનિંગમાં 200 પૈકી એક વ્યક્તિનું જ બ્રેસ્ટ કેન્સર નિદાન થાય છે. ઘણા લોકોને ખરેખર કેન્સર ન હોય તો પણ સ્ક્રીનિંગ કરાય છે, અને જો તેઓને બીજી વખત
પાછા બોલાવવામાં આવે તો ખાતરી કરવા માટે જ,ે કે કોઈ સમસ્યા નથી.
કોઈપણ કમનસીબ સંજોગોને ટાળવા માટે દરેક સ્ત્રીએ અરીસાની સામે પોતાનું નિદાન કરવું જરૂરી છે, જેથી સ્તનમાં નાનામાં નાના ફેરફારથી જ આવા કમનસીબ સંજોગોને નિવારી શકાય. નર્સો અને ડોક્ટરો દ્વારા સ્વ-પરીક્ષણ વિશે ઘણા તાલીમ વર્કશોપ યોજાય છે. ઉપરાંત આ રાષ્ટ્રમાં નિદાન થયેલી વ્યક્તિઓ માટે એક એશિયન મહિલા જૂથ પણ છે.’
મહેશ લિલોરિયા, ગ્રૂપ એડિટર
આજે સુંદર અને ગંભીર વિષય પર આયોજન કર્યું છે તે કાર્યક્રમમાં સહુકોઈને અદભુત માહિતી મળી રહી છે. આ વિષય પર જ્યારે વધારે કોઈ બોલતા નથી, તેના પર આપણે ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી. એ બદલ ડો. ભાવેશભાઈ પારેખ, ડો. તોરલબહેન ગાઠાણી, ડો. જયશ્રીબહેન સહિત સૌકોઈનો આભાર માનું છું. સૌના સહયોગ અને માર્ગદર્શન વિના આ કાર્યક્રમ શક્ય બની શક્યો ન હોત. સી.બી. પટેલના સુંદર, સબળ અને સુદૃઢ નેતૃત્વને આધારે આ શક્ય બની શક્યું છે. તેમના એક પડકારે અમારી યુકે, ઇન્ડિયા, અમેરિકા, કેનેડા, ઇસ્ટ આફ્રિકાના સાથીઓની ટીમ દોડી પડે છે. સી.બી. પટેલના નેતૃત્વમાં એબીપીએલના આ સુવર્ણ જયંતી પ્રસંગે એક નવી ઊંચાઈ સર કરવાની છે. આ પ્રયાસરૂપે ઝૂમ ઇવેન્ટનો વ્યાપ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યો છે.


comments powered by Disqus