લખનઉઃ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણની સાથે જ રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. રવિવારે આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં આવતા વર્ષે 14થી 26 જાન્યુઆરી વચ્ચે શુભ મુહૂર્તમાં થનારા અનુષ્ઠાનને અભૂતપૂર્વ અને અવિસ્મરણીય બનાવવા ચર્ચા થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21થી 25 જાન્યુઆરી વચ્ચે શુભ મુહૂર્ત પર પ્રાણપ્રતિષ્ઠા કરશે. લોકસભા ચૂંટણી પહેલાં થઈ રહેલો આ કાર્યક્રમ સ્વતંત્રતાના ઉત્સવ પછીનું સૌથી મોટું આયોજન હશે. નવા વર્ષની શરૂઆતથી જ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર દેશમાં રામલહેર ચાલશે.
સમિતિની બેઠકમાં સમારોહની રૂપરેખા, અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. તૈયારી સાથે સંકળાયેલા વરિષ્ઠ હોદ્દેદારોએ કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ટાણે દેશનાં તમામ આધ્યાત્મિક કેન્દ્રના પ્રતિનિધિને આમંત્રણ અપાશે. તમામ મંડળોના એક-એક પ્રમુખ મઠ, આશ્રમ કે તીર્થસ્થાનના પ્રતિનિધિ આવશે.
કાર્યક્રમમાં બૌદ્ધ, જૈન, શીખની સાથે તમામ પંથ અને સંપ્રદાયના દેવસ્થાનો જોડાશે. આ પ્રસંગે દેશભરમાં મંદિરોમાં હનુમાન ચાલીસા કે રામચરિત માનસના પાઠ યોજાશે. દેશભરમાં દિવાળી જેવો ઉત્સવ હશે.
ઓક્ટોબર સુધી ભવ્ય મૂર્તિ તૈયાર
કર્ણાટક અને રાજસ્થાનના શિલ્પકાર આરસની શીલામાંથી શ્રી રામલલ્લાની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે. કર્ણાટકના શિલ્પકાર ગણેશ એલ. ભટ્ટ યોગીરાજ અને રાજસ્થાનના સત્યનારાયણ પાંડેય બાલ સ્વરૂપ શ્રીરામલલ્લાની પ્રતિમા બનાવી રહ્યા છે. ભવ્ય પ્રતિમાનું નિર્માણ ઓક્ટોબર સુધીમાં પૂરું થઈ જશે.


