રાજકોટનું હિરાસર એરપોર્ટ લોકાર્પણ માટે થયું સજ્જ

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

રાજકોટઃ ન્યૂ ઈન્ડિયાના પ્રણેતા તથા સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈએ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27 જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર એરપોર્ટ)નું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. 7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાને જ ચોટીલા પાસેના હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.
રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્ત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જે બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે. નવા એરપોર્ટને કારણે રાજકોટમાં વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે.


comments powered by Disqus