લંડનમાં પુત્રને બંધક બનાવી પિતા પાસે નડિયાદમાં ખંડણી વસૂલાઈ

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

નડિયાદઃ મૂળ નડિયાદ શહેરમાં રહેતા અને અમદાવાદ રેલવેમાં નોકરી કરતા આધેડના પુત્રને લંડનમાં બંધક બનાવી આણંદના 3 શખ્સોએ ધમકી આપી રૂ. 2 કરોડની ખંડણી પડાવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. નડિયાદના ઉત્તરસંડા ખાતે ફાર્મ હાઉસમાં મીટિંગ કરી અપહ્યત યુવકના પિતા પાસેથી રૂ. 2 કરોડની ખંડણીની માગણી કરવામાં આવી હતી.
જો કે પિતાએ રૂ. 15 લાખ રોકડા અને 28 તોલા સોનું આપતાં બાકી રહેલા રૂપિયા પેટે કોરા ચેક અને નોટરી કરાવી લીધી હતી. જે બાદ લંડનમાં ફોન કરી યુવકને છોડી મૂકવા આદેશ કર્યો હતો. ત્યાં દીકરાનો છુટકારો થતાં તેણે લંડન પોલીસમાં અપહરણ કરનાર વિરુદ્ધ, જ્યારે નડિયાદ રહેતા પિતાએ ત્રણ માસ બાદ આણંદના 3 ઇસમો સામે ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
નડિયાદમાં રહેતા સતિષભાઈ પારેખનો એક દીકરો 2020માં લંડન સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. તા. 2 મેએ સતિષભાઈના ઘરે આણંદથી 3 ઇસમો રાહુલ પટેલ, વિશાલ વાઘેલા અને ધ્રુવ પટેલ આવ્યા હતા અને સતિષભાઈની પત્નીને દેવનું લંડનમાં અપહરણ કર્યું હોવાનું કહી રૂ. 85 લાખની ખંડણી માગી હતી. ખંડણી ન આપતાં દેવની હત્યા કરવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ પિતા સતિષભાઈને બંધક દેવ સાથે વિડીયો કોલમાં વાત પણ કરાવી હતી. આ પછી સતિષભાઈએ રોકડા રૂ. 85 લાખ ન હોવાથી રૂ. 15 લાખ રોકડા અને 28 તોલા સોનું આપ્યું હતું, જ્યારે બાકીની રકમના ઉધારપેટેના ચેક લખાવી નોટરી કરાવી લીધી હતી. નાણાં આપ્યા બાદ લંડનમાં દેવનો છુટકારો થયો હતો.
અડધા કલાકમાં દેવનો છુટકારો થયો હતો. બીજી તરફ આણંદના વિશાલ વાઘેલાએ ફોન કરી સતત રૂપિયાની માગ કરતાં સતિષભાઈએ ચકલાસી પોલીસ મથકમાં રાહુલ દિલીપભાઈ પટેલ, વિશાલ સુરેશભાઈ વાઘેલા, ધ્રુવ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.


comments powered by Disqus