વડોદરામાં 2026 સુધી પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ વિમાન બનશે

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

વડોદરાઃ દુનિયાભરમાં જાણીતી વિમાન કંપની એરબસ સાથે મળીને તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. ગુજરાતના વડોદરામાં 2024 સુધી સી-295 વિમાન બનાવવાની પ્રાઇવેટ ફેક્ટરી શરૂ કરશે. દેશમાં પહેલીવાર આ પ્રકારના ઉદ્યોગ સાહસની શરૂઆત થઈ રહી છે. અહીંથી આ માલવાહક વિમાનની ફાઇનલ એસેમ્બ્લી લાઇનનો સેટ તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફેક્ટરીમાં મેડ ઇન ઇન્ડિયા એટલે કે પહેલું સ્વદેશી સી-295 વિમાન 2026 સુધી તૈયાર પણ થઈ જશે, જે ભારતીય વાયુસેનાને સોંપાશે. ફાઇનલ એસેમ્બ્લિંગ કરવા માટે એરબસ તેમજ તાતા હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14 હજારથી વધુ સ્વદેશી ધોરણે પાર્ટ્સ તૈયાર કરીને વડોદરા મોકલશે. વડોદરા પ્લાન્ટમાં કુલ 40 વિમાન તૈયાર થશે, જે 2031 સુધી વાયુસેનાને મોકલવાનાં રહેશે.
દેશમાં પહેલીવાર આ પ્રકારનું ઉદ્યોગ સાહસ
આવનારા સમયમાં નેવી અને કોસ્ટગાર્ડ સાથે 15થી 16 વિમાનનો સોદો થવાની શક્યતા છે. આ સાથે બીએસએફ દ્વારા પણ આ અંગે રસ દાખવવામાં આવ્યો છે. આ માટે એરબસની નેવી અને કોસ્ટગાર્ડ સાથે વાત ચાલી રહી છે, જે અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. નેવી માટે 9થી 10 વિમાન સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે તૈયાર કરાશે, જ્યારે કોસ્ટગાર્ડ પણ 6 વિમાનનો ઉપયોગ દેખરેખ અને ટ્રૂપ્સ મૂવમેન્ટ માટે કરશે. સરહદે દેખરેખ રાખતી દેશની સૌથી મહત્ત્વની બોર્ડર સિક્યોરિટી ફોર્સે પણ સી-295 વિમાન ખરીદવાની તૈયારી કરી છે. આ ઉપરાંત ત્રણેક સુરક્ષા એજન્સીઓ પણ ટેકનિકલ સર્વેલન્સ માટે વિમાન ખરીદવા ઇચ્છુક છે. બીજી તરફ ભારતના 6 પાઇલટ અને 10 એન્જિનિયરની ટીમે સ્પેનના સેવિલેમાં તાલીમ પૂરી કરી લીધી છે. વિમાનની પહેલી તહેનાતી આગ્રા એરબેઝ પર થશે. આગ્રામાં એક સિમ્યુલેટર સાથે તાલીમ સુવિધા પણ વિકસિત કરાશેે મોદી સરકારે 2.8 બિલિયન એટલે કે રૂ. 21 હજાર કરોડના ખર્ચે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ વિમાન માટે એરબસ સાથે સોદો કર્યો છે.


comments powered by Disqus