સીમા હૈદર જેવો બીજો કેસઃ પુરુષ મિત્રને મળવા રાજસ્થાનથી અંજુ પહોંચી પાકિસ્તાન

Wednesday 26th July 2023 07:02 EDT
 
 

નવી દિલ્હીઃ પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો કેસ હજી શમ્યો નથી, ત્યાં આવો બીજો કેસ સામે આવ્યો છે. આ વખતે ભારતની એક મહિલા અંજુ પાકિસ્તાનમાં પોતાના સોશિયલ મીડિયા મિત્રને મળવા પહોંચી ગઈ છે. 34 વર્ષની અંજુનો જન્મ ઉત્તરપ્રદેશના કેલોર ગામે થયો હતો. વર્તમાનમાં તે અલવર જિલ્લાના ભિવાડી ખાતે રહેતી હતી.
પાકિસ્તાનના નસરુલ્લાહ અને અંજુની દોસ્તી સોશિયલ મીડિયા પર થઈ હતી. ચાર વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હતાં. અંજુનો પ્રેમી નસરુલ્લાહ ખૈબર પખ્તુનખ્વાંનો રહીશ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ અંજુ એક મહિનાના વિઝિટ વિઝા પર પાકિસ્તાન પહોંચી છે. વાઘા બોર્ડરથી તેણે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો અને ઇસ્લામાબાદ પહોંચી હતી.
ખૈબર પખ્તુનખ્વાંના ડીરબાલા જવા તેણે પાકિસ્તાની સરકાર પાસે મંજૂરી મેળવીને સીધી પ્રેમીના ઘેર પહોંચી ગઈ. મળતી જાણકારી મુજબ આરંભે પોલીસે તેની અટકાયત કરી લીધી હતી, પરંતુ દસ્તાવેજ હોવાથી તેને મુક્ત કરવામાં આવી હતી.
પતિને જયપુર જવાનું કહીને નીકળી
કેસ સામે આવતાં રાજસ્થાન પોલીસ અંજુના ઘેર પહોંચી હતી. પતિ અરવિંદે કહ્યું કે, જયપુર જવાનું કહીને ઘેરથી ગઈ હતી. અંજુ અને તેનો પતિ ખાનગી નોકરી કરે છે. તેઓ 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર ધરાવે છે.
અંજુ નિકાહ કરી બની ફાતિમા
રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજુ દ્વારા ઇસ્લામ ધર્મ કબૂલ કરી લેવામાં આવ્યો છે અને તેના ફેસબુક ફ્રેન્ડ એવા નસરુલ્લાહ સાથે લગ્ન પણ કરી લીધાં છે અને ઇસ્લામ અંગિકાર કરી પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. તેમના કોર્ટમાં જતા વીડિયો પણ સામે આવ્યા છે. બંનેનું નિકાહનામું પણ સામે આવ્યું છે.


comments powered by Disqus