અમદાવાદઃ પોતાને જાલીમ હત્યારા ગણાવી પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર રેપ સોંગ ગાનારો તથ્ય પટેલ ખરેખરમાં એક જાલીમ હત્યારો બની ગયો છે. બુધવારે મોડીરાત્રે 1:10 વાગ્યે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તેણે એક દુર્ઘટના સર્જી 9 માસૂમના જીવ લઈ લીધા છે. કર્ણાવતી ક્લબથી એક મહિન્દ્રા થારનો ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો, જેનાથી કારના ફૂરચેફુરચા નીકળી ગયા હતા. આ અકસ્માત બાદ ત્યાંથી પસાર થનારા લોકો કારમાં સવાલ લોકોની મદદ માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, જેમાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થતો હતો. દુર્ઘટનાની 10 મિનિટ બાદ જ્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા ત્યારે કર્ણાવતી ક્લબ તરફથી 160થી વધુ સ્પીડ સાથે એક જેગુઆર કાર આવી હતી અને ત્યાં હાજર આશરે 30થી 35 લોકોને અડફેટે લઈ લીધા હતા, જેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
જેગુઆર કારમાં સવાર તથ્ય પટેલ હોવાનું જણાયું છે, જ્યારે તેની સાથે એક યુવતી અને અન્ય એક શખ્સ પણ હાજર હતો. કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે આવનારા લોકો ફૂટબોલની જેમ ફંગોળાયા હતા અને 200 મીટર દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત બાદ આશરે 20થી વધુ લોકોને એમ્બુલન્સ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના જાણમાં આવ્યું હતું કે ચારરસ્તા પરના સીસીટીવી કેમેરા પણ બંધ હતા
અમે રૂ. 50 લાખ આપીએ અપરાધીને સજા કરો
સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ. 4 લાખની સહાય જાહેર કરાતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મૃતકોના પરિવારજનોએ રોકડું પરખાવ્યું હતું, ‘અમારે પૈસા નથી જોઈતા, અમે તમને રૂ. 50 લાખ આપવા તૈયાર છીએ પણ તમે અપરાધીને સજા કરો.’
બોટાદના ત્રણ યુવક અને કોન્સ્ટેબલ બન્યા ભોગ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવાર મધરાત્રે થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો, જે અકસ્માતને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ દરમિયાન બોટાદના ત્રણ યુવકો રોનક, અક્ષર અને કૃણાલ પણ ત્યાં ઊભા હતા, ત્યારે જેગુઆર કારે આ તમામને અડફેટે લીધા હતા. આ ઉપરાંત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અને એક વર્ષની દીકરીના પિતા ધર્મેન્દ્રસિંહ પરમારનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
કોલેજની ફી ભરવા ગયો અને...
બે કૌટુંબિક ભાઈઓનો મિત્ર અક્ષર પટેલ પણ અમદાવાદના ગોઝારા અકસ્માતનો ભોગ બન્યો હતો. અમદાવાદ ખાતે અક્ષર કોલેજની ફી ભરવા આવ્યો હતો અને ત્યાં તેને કાળ આંબી ગયો. મૃતક અક્ષરના પિતા અનિલભાઈ હાલમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે, તેમજ પરિવારમાં એક બહેન પણ છે. માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે.
તથ્યએ 15 દિવસ પહેલાં પણ સર્જ્યો હતો અકસ્માત
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, તથ્ય પટેલે અગાઉ પણ એક અકસ્માત કર્યો હતો. તાજેતરમાં 93 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખનારા તથ્યએ 15 દિવસ પહેલાં જ 0093 નંબરની થાર ગાડી વડે અકસ્માત કર્યો હતો અને ભાગી ગયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતાં સમાધાન કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં પણ તથ્યએ પૂરપાટ ઝડપે દીવાલ તોડી નાખી હતી. જો એ સમયે પગલાં લેવામાં આવ્યાં હોત તો આજે નવ નિર્દોષનો જીવ બચી ગયો હોત.
તથ્યએ લાઇસન્સ મળ્યાના એક વર્ષમાં પોત પ્રકાશ્યું
તથ્યને હજી ગતવર્ષે 11 ફેબ્રુઆરી 2022ના રોજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનું લાઇસન્સ મળ્યું હતું. જેની વેલિડિટી 19 ડિસેમ્બર 2043 સુધીની છે. લાઇસન્સમાં તેની જન્મતારીખ 20/12/2003 બતાવે છે. તેના લાઇસન્સને હજી 20 વર્ષની વેલિડિટી બાકી હતી, પણ હવે તેનું લાઇસન્સ રદ થવાની શક્યતા છે અને ફરી લાઇસન્સ ઇશ્યૂ થશે કે કેમ એ સવાલ ઊઠ્યો છે.
તથ્યના પિતાનો પણ ઇતિહાસ ખરડાયેલો
જેગુઆર કારથી 9 માસૂમ લોકોના જીવ લેનારા 19 વર્ષના તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનાં કરતૂત પણ ઓછાં નથી. પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ આઠથી નવ ગંભીર ફરિયાદ નોંધાયેલી છે. ગોતામાં આલીશાન બંગલો ધરાવતા પ્રજ્ઞેશ પર સૌરાષ્ટ્રની એક યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપી ડ્રગ્સના નશામાં મિત્રો સાથે ગેંગરેપ આચર્યાનો આરોપ છે. આ ઉપરાંત યુવતી પાસેથી રૂ. 30 હજાર પડાવ્યા હોવાનું પણ કહેવાય છે.
જેગુઆર કાર હતી હિમાંશુ વારિયાની
તથ્યએ અકસ્માત સર્જ્યો તે વૈભવી જેગુઆર કાર પ્રજ્ઞેશ પટેલના ક્રાઇમ પાર્ટનર હિમાંશુ વારિયાની હોવાનું જણાયું છે. પ્રજ્ઞેશ પટેલ જમીનો થકી અને હિમાંશુ વરિયા બેન્કોને ચૂનો ચોપડવાના આરોપસર જેલવાસ ભોગવી ચૂક્યા છે. પ્રજ્ઞેશ સામે જમીનોની ઠગાઈના ચાર સહિત કુલ 8 અને હિમાંશુ સામે બેન્કોને રૂ. 452 કરોડનો ચૂનો ચોપડવાના ગુના નોંધાઈ ચૂક્યા છે.
મૃતકોની યાદી
1. ધર્મેન્દ્રસિંહ પરમાર (ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ), 2. નિલેશ ખટિક (હોમગાર્ડ જવાન), 3. અમન કચ્છી (સુરેન્દ્રનગર), 4. નીરવ રામાનુજ (ચાંદલોડિયા, અમદાવાદ), 5. રોનક વિહલપરા (બોટાદ), 6. અરમાન વઢવાણિયા (સુરેન્દ્રનગર), 7. અક્ષર પટેલ (બોટાદ), 8. કૃણાલ કોડિયા (બોટાદ), 9. અજાણ્યો યુવક


