2011થી સંતરામ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન

Wednesday 02nd August 2023 07:32 EDT
 
 

નડિયાદઃ સંતરામ મંદિરની મુલાકાત સમયે આપે સમાધિ નજીક શ્રીરામ, જયરામ... જય... જય... રામની ધૂન અચૂક સાંભળી હશે. આ ધૂન દિવસના અમુક ચોક્કસ કલાકો માટે નહીં, પરંતુ 2011થી અવિરત કરવામાં આવી રહી છે. માનવામાં ન આવે પરંતુ છેલ્લા 1,08,984 કલાકથી આ અખંડ રામધૂન નડિયાદના સંતરામ મંદિરમાં ચાલી રહી છે.
નડિયાદના સંતરામ મંદિરમાં વિશ્વ કલ્યાણ માટે અખંડ રામધૂન વર્ષ 2011થી કરવામાં આવી રહી છે. પૂ. રામદાસજી મહારાજની આજ્ઞાથી 18 ફેબ્રુઆરી 2011 થી અખંડ રામધૂન શરૂ કરવામાં આવી. દિવસે અને રાત્રે એક પળ માટે પણ આ રામધૂન વિરામ નથી લેતી. અલગ-અલગ ભજન મંડળીઓ તેમજ શ્રદ્ધાળુઓ અને સંતો-મહંતો આ રામધૂનમાં ભાગ લે છે. 2011થી 2013 દરમિયાન કોવિડકાળ હોય કે પછી વરસાદ ને જળબંબાકાર, એક ક્ષણ માટે પણ આ રામધૂન બંધ નથી થઈ. સંતરામ મહારાજની અખંડ જ્યોતની આસ્થા સાથે આ અખંડ રામધૂન પણ જાણે કે જોડાઈ ગઈ છે.
1999માં મંદિર તૈયાર થયા બાદ 12 વર્ષ સુધી અખંડ વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ ભક્તો દ્વારા કરાયા હતા
પૂ. નિર્ગુણદાસજી મહારાજે કહ્યું કે, બ્રહ્મલીન ગુરુમહારાજ નારાયણ દાસજી મહારાજે નિજમંદિરનું સમાધિસ્થાન જીર્ણ થઈ ગયું હતું. આ સમાધિસ્થળને નવું બનાવવાનો સંકલ્પ કર્યો અને શરૂઆત કરી ત્યારે મહારાજશ્રીએ બધાને આજ્ઞા કરી કે સહુ ભક્તો રોજ ઓછામાં ઓછા વિષ્ણુસહસ્ત્રનામના ત્રણ પાઠ કરે અને ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 1251 પાઠ કરે. એટલે એ ભક્તનો એક વિષ્ણુયાગ થયો કહેવાય અને એક વિષ્ણુયાગ એટલે કે વિષ્ણુ યજ્ઞ નવા મંદિરમાં સહુ સમર્પિત કરે. 1999માં મંદિર તૈયાર થયા બાદ 12 વર્ષ સુધી અખંડ વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા.
દિવસમાં પાંચ ભજન મંડળી રામધૂન કરે છે
રામધૂન કરવા માટે દિવસ દરમિયાન ચાર અને રાત્રે એક એમ કુલ પાંચ ભજન મંડળી રોજ સેવા આપે છે. રાત્રી માટે 30 ભજન મંડળી નક્કી છે. એક ભજન મંડળીનો વારો મહિનામાં એક જ વાર આવે છે. દિવસ દરમિયાન 100થી વધુ શ્રદ્ધાળુઓ આ રામધૂનમાં જોડાય છે.


comments powered by Disqus