600 પાટીદાર યુવાને 4500 વૃદ્વને 1300 કિ.મી.ની જાત્રા કરાવી

Wednesday 02nd August 2023 07:24 EDT
 
 

મહેસાણાઃ પાટીદાર સમાજના 600થી વધુ યુવાને સમાજના 60થી 108 વર્ષની ઉંમર સુધીનાં 4500થી વધુ માતા-પિતાને શંખલપુર, દ્વારકા, સોમનાથ અને ખોડલધામની 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવી સોશિયલ એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે 21મી સદીના આ આધુનિક શ્રવણોએ સિનિયર સિટીઝનને કરાવેલી આ તીર્થયાત્રાને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ એકસાથે ત્રણ-ત્રણ એવોર્ડ દ્વારકા ખાતે યોજાયેલા વડીલવંદના સમારોહ પ્રસંગે એનાયત કરાયા, ત્યારે ઉપસ્થિત હજારો વડીલોના બે હાથ યુવાનોને આશીર્વાદ આપવા ઊંચા થયા કે ‘મારો કાળિયો ઠાકર દરેક માતા-પિતાને આવાં શ્રવણ જેવાં સંતાનો આપે.’
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં નિર્વિઘ્ને સંપન્ન થયેલી વિશ્વની સૌથી મોટી સામૂહિક તીર્થયાત્રામાં 4500થી વધુ વડીલ સામેલ થયા હતા. શુક્રવારે મા બહુચરના ધામ શંખલપુરથી પ્રસ્થાન પામેલી આ તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ કાગવડ ખાતે માઈમંદિરે ધ્વજારોહણ સાથે સંપન્ન થઈ હતી. આ તીર્થયાત્રા અનેક વિશેષતાઓથી ભરેલી રહી. 4500 વડીલોને 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવવા 115 સ્લીપિંગ લક્ઝરી બસ અને 250થી વધુ ગાડી સામેલ થઈ. પ્રત્યેક યાત્રીનો અકસ્માતનો વીમો લેવાયો અને 15 તબીબોની ટીમ આઇસીયુ ઓન વ્હીલ સાથે તહેનાત રહી હતી તેમ ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું.
યુવાનો - વૃદ્ધો નજીક આવ્યા
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન – પાટણના સંયોજક હાર્દિક પટેલે જણાવ્યું કે, 21મી સદીમાં કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય છે. નોકરી-ધંધા માટે યુવાનો ઘરથી દૂર રહેવા જતાં પરિવાર સાથે સીધો સંપર્ક ઘટતાં ધીમેધીમે વડીલો અને યુવાનો વચ્ચે જનરેશન ગેપ વધી રહી છે. પરિણામે દેશમાં અને સમગ્ર રાજ્યમાં વૃદ્ધાશ્રમો વધતાં જાય છે. એવા સમયે લેઉવા પાટીદાર યુવાનોએ યોજેલી 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોની આ તીર્થયાત્રા હાલના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે બસ એ જ અમારો હેતુ છે. યુવાનો અને વૃદ્ધો વચ્ચેનું અંતર ઘટવું જરૂરી છે.
દરેક મા-બાપને આવા દીકરા મળે
મૂળ અઘારના 108 વર્ષનાં નાનીબહેન વેણીરામ પટેલે જણાવ્યું કે, મેં પહેલીવાર દ્વારકાના કાળિયા ઠાકોર, સોમનાથ મહાદેવ અને કુળદેવી ખોડલમાતાનાં દર્શન કર્યાં. આ છોકરાઓના કારણે હું આ ઉંમરે દર્શન કરી શકી. મારો ભગવાન દરેક મા-બાપને આવા દીકરા આપે.


comments powered by Disqus