PM મોદીએ રાજભવનમાં સરકાર અને સંગઠન સાથે મેરેથોન બેઠક યોજી

Wednesday 02nd August 2023 07:58 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી સાંજે રાજકોટથી ગાંધીનગર રાજભવન ખાતે આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠકો યોજી હતી. અઢી કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં વિવિધ વિકાસ યોજનાની પ્રગતિ, અધૂરાં કામો અંગેની સ્થિતિ અને હવે પછી હાથ ધરાનારા કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ્સ સંદર્ભે પ્રાથમિક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં પ્રચારનું બ્યૂગલ ફૂંકવા સાથે વડાપ્રધાન મોદીએ રાજકોટથી બે દિવસના પ્રવાસનો આરંભ કર્યો હતો. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્‌ઘાટન બાદ નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા.
રાજભવન ખાતે સાંજે 7:30 વાગ્યાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને બજેટમાં જાહેર કરેલી અને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે તેવી કામગીરી કરવા પર ભાર મૂકી જનસમસ્યાઓ પ્રતિ સંવેદનશીલતા દાખવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ પછી વડાપ્રધાન મોદીએ સંગઠનના પદાધિકારીઓ સાથે એક અલગથી બેઠક યોજી હતી. લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની યોજનાઓના મહત્તમ લોકો સુધી લાભો પહોંચે, સાચા લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે કેવા પ્રકારે કામગીરી કરવી, બૂથ સ્તર સુધીનો સંપર્ક, લાભાર્થી સાથે સંપર્ક કરવાની સૂચના આપી હતી.


comments powered by Disqus