કચ્છ – સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની પરિસ્થિતિઃ ખેડૂતોને આર્થિક ફટકો

Wednesday 02nd August 2023 08:04 EDT
 
 

અમદાવાદઃ આ વખતે મેઘરાજાના મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે ગુજરાત પાણી પાણી થયું છે. આ કારણોસર વાવણી પછી ઊગેલાં કપાસ, મગફળી સહિતના વિવિધ પાકના છોડને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો લીલા દુકાળની પરિસ્થિતિ પરિણમી છે. ખેતીને નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાય તાલુકામાં તો 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદથી ખેતરોમાં પાક ધોવાયા છે. ખેતીની જમીન સુધ્ધાં ધોવાઈ ગઈ છે. બિયારણ, જંતુનાશક દવા, ખાતર પાછળ ખર્ચ કર્યા બાદ હવે માંડ પાકના છોડ ઊભા થયા, ત્યાં તો એકધારા વરસાદથી ખેતી બરબાદ થઈ રહી છે.
ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અત્યાર સુધી સરેરાશ 27 ઈચ સાથે સિઝનનો 78 વરસાદ વરસી ચૂક્યો છે. જૂનમાં સરેરાશ 9.56 ઈંચ, જ્યારે જુલાઈના 30 દિવસમાં 17.28 ઈંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી 45 તાલુકામાં 40 ઈંચથી વધુ જ્યારે 101 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાયો છે. રિજિયન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 134 ટકા વરસાદ વરસ્યો છે.
હાલની સ્થિતિએ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 19.33 ઈંચ સાથે સૌથી ઓછો 60.66 ટકા, ઉત્તર ગુજરાતમાં 18.68 ઈંચ સાથે 65.23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67.69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


comments powered by Disqus