ગાયકવાડ રાજ્યનું પેરિસ - ભાદરણ: વિશેષતા અને વિભૂતિઓ

Wednesday 02nd August 2023 09:16 EDT
 
 

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલ ગામ ભાદરણ દરેક ગુજરાતીને ગૌરવ અપાવે એવું છે. ભાદરણને તેની સમૃદ્ધિ અને નાગરિક સવલતોના કાર્યોને કારણે બરોડાના સ્વપ્નદ્રષ્ટા શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા "ગાયકવાડ રાજ્યનું પેરિસ" તરીકે ઉપનામ આપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેને ભારતનું સૌથી મોટું ગામ કહેવામાં આવ્યું છે. અનેક વિલક્ષણ વિશેષતાઓ ધરાવનાર ભાદરણ ગામે સંખ્યાબંધ વિભૂતિઓ પણ આપી, જેમને વિવિધ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભાદરણનો ડંકો વગાડ્યો છે.
આધ્યાત્મ ક્ષેત્રે અલખ જગાડનાર ભાદરણને પવિત્ર નગર હોવાનું પણ ગૌરવ છે. ભાદરણમાં દરેક આસ્થાના મંદિરો છે. આ શહેરમાં પરમ પૂજ્ય દાદા ભગવાનનો ઉછેર થયો હતો. સ્વામિનારાયણ ભગવાનના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તેમજ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ શિક્ષણકાળ દરમિયાન અહિયાં રહ્યા હતા.
સ્વતંત્રતા સેનાનીઓ અને સ્વપ્નદ્રષ્ટા મણીભાઈ ફુલાભાઈ પટેલ, ચુનીભાઈ એફ પટેલ, શિવાભાઈ આશાભાઈ પટેલ, અંબુભાઈ હીરાભાઈ પટેલ, શહીદ રતિલાલ પટેલ, અંબાલાલ પટેલ, જયેન્દ્રભાઈ વૈદ્ય, શાંતાબા સેનાની ભાદરણની એવી વિભૂતિઓ છે, જેના નામ ઉલ્લેખ વગર ભાદરણની સિદ્ધિ અધૂરી છે. આ સિવાય ડૉ. જમનાદાસ પટેલ, ડો.દેવેન્દ્ર પટેલ, વાસુદેવભાઈ તુલસીભાઈ પટેલ, રસિકભાઈ મણીભાઈ પટેલ, વિનોદભાઈ ડાયાભાઈ પટેલ, મનુભાઈ ઈશ્વરભાઈ પટેલ, ડૉ.પી.સી. પટેલ જેવી અનેક વિભુતિઓ ભાદરણના વિકાસ રથની સારથી રહી છે.
ભાદરણના પનોતા પુત્ર રમણભાઈ પટેલ (કેડિલાના સ્થાપક)એ બહુ-દિશાલક્ષી પ્રગતિશીલ સામાજિક પ્રવૃત્તિના સુધારા વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રમણભાઈના પુત્ર પંકજ પટેલ ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન છે, તેઓ સમસ્ત પાટીદારોમાં સૌથી ધનાઢ્ય છે. તેમની કંપની ઝાયડસ લાઇફ સાયન્સ ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની છે. હવે તેમના પુત્ર ડો શાર્વિલ પટેલ પણ રમણભાઈનો વારસો આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવવા અથાક પ્રયાસ કરે છે.
પંકજભાઇ પટેલ સમગ્ર ભારતમાં ભાદરણનું ગૌરવ છે, તેવી જ રીતે શ્રી સી.બી. પટેલ ભારત બહાર આંતરરાષ્ટ્રીય પ્રકાશન ક્ષેત્રે ભાદરણનું ગૌરવ છે. તેઓ ભારતની બહાર સૌથી વધારે પ્રસારિત ગુજરાતી અખબાર- ગુજરાત સમાચારનું પ્રકાશન કરે છે.
આજે પણ 12 હજારની વસતી ધરાવતું ભાદરણ ગામ સ્વચ્છ ગામ તરીકે ઓળખાય છે. સરપંચ ઉદયભાઈ પટેલની આગેવાનીમાં ભાદરણમાં અદભુત પરિવર્તન થઈ રહ્યું છે.


comments powered by Disqus