ગુજરાતની પ્રગતિની સીડી ‘હીરાસર’ એરપોર્ટઃ મોદી

Wednesday 02nd August 2023 05:53 EDT
 
 

રાજકોટઃ બામણબોર પાસે રૂ. 1405 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટ સહિત રૂ. 2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી મોરચાને આડેહાથે લેતાં કહ્યું કે, દેશ આગળ વધી રહ્યો છે. લોકોની સુખાકારીમાં વધારો થયો છે, ત્યારે “આ લોકો’’ વધુ ચિડાયા છે અને હમણા તો ભ્રષ્ટાચારી, પરિવારવાદીઓએ પોતાની જમાતનું નામ બદલ્યું છે- ચહેરા જૂના છે, પાપ જૂનાં, માત્ર નામ બદલાયું છે- ઈરાદા એ જ છે !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓનાં નામ સીધા વિના કહ્યું કે, જનતાનાં સપનાં પૂર્ણ થતાં અકળાયેલા લોકો મોંઘવારીનું ટેપ રેકોર્ડર વગાડી દંભી નીતિ દર્શાવી રહ્યા છે. અમે કોરોનાના કપરા કાળ અને રશિયા-યુક્રેન યુદ્ધ છતાં મોંઘવારી પર અંકુશ જાળવી રાખ્યો છે. પડોશી દેશોમાં મોંઘવારી 25%ના દરે વધી રહી છે. અમે નિયંત્રણ માટેનાં યોગ્ય પગલાં ના લીધાં હોત તો દૂધ 300 રૂપિયે લિટર અને દાળ રૂ. 500 કિલો હોત ! પ્રધાનમંત્રીએ વિપક્ષી મોરચાના નવા નામ પર કટાક્ષ કરતાં કહ્યું કે, એમના રીતભાત એ જ છે. અગાઉની સરકારમાં રૂ. 2 લાખની આવક પર ટેક્સ હતો, આજે રૂ. 7 લાખની આવક સુધી શૂન્ય ટેક્સ છે. નાની બચત, પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર વધાર્યા છે, તેમણે મોબાઇલના એક જીબી ડેટાની કિંમત અગાઉ અને આજે સરખાવતાં કહ્યું કે, જો એ જ સરકાર હોત તો આજે મોબાઇલનાં સરેરાશ બિલ રૂ. 6000 હોત.
વિતેલાં વર્ષોમાં આપણે રાજકોટને આગળ વધતું જોયું છે. અહીં વેપાર, ઉદ્યોગ, સંસ્કૃતિ, ખાનપાન બધું જ છે, પણ એક કમી હતી... હું જ્યારે નવનિર્મિત એરપોર્ટ પર હતો ત્યારે મને એ કમી પૂર્ણ થયાનો, એ સપનું સાકાર થયાનો અહેસાસ થયો છે. હવે રાજકોટથી વિદેશની હવાઈયાત્રા સંભવ બનશે, જેનાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા 5દેશના વિકાસ માટે નવી ઉડાન સર્જાશે.
અમે સુશાસનની ગેરેન્ટી આપેલી એ પૂર્ણ કરી રહ્યા છીએ. તમામ વર્ગના લોકોનું જીવન સુગમ બનાવી રહ્યા છીએ. દેશમાં ગરીબીમાં ઘટાડો થયો છે. 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. નીયો મિડલ ક્લાસનું સર્જન થઈ રહ્યું છે, સરકારની પ્રાથમિકતામાં સંપૂર્ણ મધ્યમ વર્ગ છે. 2014 પહેલાં મધ્યમ વર્ગની મોટી ફરિયાદ કનેક્ટિવિટીની હતી. પરિવહનમાં થતી પરેશાની આજે દૂર થઈ રહી છે. 9 વર્ષ પૂર્વે દેશમાં 4 શહેરોમાં મેટ્રો નેટવર્ક હતું, આજે 20થી વધુ શહેરોમાં છે. 25 અલગ- અલગ રૂટ પર આધુનિક વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. 2014ની સરખામણીમાં આજે બમણાં એટલે કે 140થી વધુ એરપોર્ટ છે. એરલાઇન્સ સેક્ટર નવી ઊંચાઈ પર છે. 1000 નવાં વિમાનો બુક થયાં છે અને નવી સંભાવના 2000 વિમાનોની છે. ગુજરાત એરોપ્લેન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઇઝ ઓફ લીવિંગ સરકારની પ્રાયોરિટી છે. પાણી, વીજળીનાં બિલ માટેની કતારો ભૂતકાળ બની છે. ગુજરાતના વિકાસની ગેરંટી આપતાં તેમણે કહ્યું કે, ભૂપેન્દ્રભાઈની સરકાર આ દિશામાં સતત કાર્યરત્ છે.
રાજકોટમાં જાહેરસભા પૂર્વે 2534 એકરમાં નવનિર્મિત એરપોર્ટનું વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું. એરપોર્ટ ઉપરાંત રાજકોટના કેકેવી બ્રિજ, સૌની યોજના સહિત રૂ. 2033 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ તેમણે કર્યું હતું. વડાપ્રધાનને 3 ટચૂકડા પણ હીરાજડિત વિશિષ્ટ પ્લેનની ભેટ આપી રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જાહેરસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વગેરેએ ગુજરાતને એરપોર્ટ સહિતની સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જાહેરસભામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મિની જાપાનની ઉપમા આપતો ત્યારે મજાક થતી
એક સમયે જ્યારે રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વિકાસને જોતાં હું તેને મિની જાપાન વિષેની સંભાવના ગણાવતો, ત્યારે લોકો મજાક ઉડાવતા. આજે એ સંભાવના સાકાર થઈ છે.
રાજકોટનું મારા પર ઋણ છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજકોટે મને ઘણું શીખવ્યું છે. મારી રાજનીતિની યાત્રાને લીલીઝંડી અહીંથી મળી છે. રાજકોટનું મારા પર ઋણ છે. હું હંમેશાં આ ઋણ ઉતારવા પ્રયત્નશીલ રહું છું.
મેદની એકઠી થતાં મોદી દ્વારા સરાહના
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજકોટમાં બપોર સૂવાનો સમય હોય, એમાં પણ આજે ચાલુ દિવસ છે, છતાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજકોટે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
મોદીને 3 ટચૂકડા હીરાજડિત પ્લેનની ભેટ
વડાપ્રધાનને રાજકોટ ઇમિટેશન એસો. દ્વારા હીરાજડિત પ્લેન ભેટ અપાયું હતું. આ ઉપરાંત જસદણના કારીગરોએ અટારીની કારીગરીવાળું પ્લેન બનાવેલું જેની ભેટ અપાઈ છે.
સપ્ટેમ્બરમાં ફ્લાઇટ્સ ઉડાન ભરશે
સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ એવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે ફ્લાઇટની ઉડાન માટે હજુ દોઢ મહિના સુધી રાહ જોવી પડે તેવું છે, કેમ કે એકસાથે અહીંથી 10 જેટલી ફ્લાઇટની ઉડાન માટેની વ્યવસ્થા ગોઠવવા માટે થોડો સમય લાગી શકે તેમ છે. બીજી બાજુ લોકાર્પણ બાદ નવા એરપોર્ટ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં એવી વાત બહાર આવી રહી છે કે મોટાભાગે સપ્ટેમ્બરથી નવા એરપોર્ટ પરથી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ શકે છે. ઉપરાંત દિવાળી પર વિન્ટર શેડ્યુલ દરમિયાન અહીંથી ઉડાન ભરનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની યાદી જાહેર થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
હીરાસર એરપોર્ટનો પ્રથમ ફેઝ 2030 સુધીમાં પૂર્ણ કરી લેવાશે. જ્યારે બીજો ફેઝ 2040, ત્રીજો ફેઝ 2050 અને ચોથો અને અંતિમ ફેઝ 2057માં પૂર્ણ કરી લેવામાં આવશે.

• ભૂમિ પૂજનઃ 7 ઓક્ટોબર 2017

• રાજ્યનું સૌથી મોટું 2534 એકરમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ

• રન-વે નીચે એશિયાની સૌથી મોટી 700 મીટરની વોટર ટનલ

• ટર્મિનલ બિલ્ડિંગમાં રણજિત વિલાસ પેલેસ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ખીરસરા પેલેસ, ગરબા - નૃત્યની કલાકૃતિ કંડારાઈ

• પેસેન્જર ટ્રાફિક દરવર્ષે 7.44 ટકા વધવાનો અંદાજ • 2022માં 9.1 લાખ મુસાફરો, 2057 સુધીમાં 1.29 કરોડ થવાની ધારણા

• એરબસ એ-320 એરબસ, એ-321 પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ

• એકસાથે 14 એરક્રાફ્ટ પાર્ક થઈ શકે • રન-વેના અંત પર એક નદી અને ડેમ, નદી પર બોક્સ કલ્વર્ટ

• દરરોજ 50થી વધુ એરક્રાફ્ટ ઉડાન ભરી શકે તેવી વ્યવસ્થા

• રન-વે પર પેરેલલ ટેક્સી-વે

• વધીને 2 મિનિટમાં રન-વે ખાલી થઈ જશે

• એક જ કલાકમાં 12થી 14 ફ્લાઇટ લેન્ડિંગ – ટેકઓફ થઈ શકશે.


comments powered by Disqus