લખનઉઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિરને લઈને એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે જ્ઞાનવાપીને મસ્જિદ કહીશું, તો વિવાદ થશે. મને લાગે છે કે ભગવાને જેમને આંખો આપી છે તેઓ જુએ. ત્રિશૂળ આખરે મંદિરની અંદર શું કરે છે? આપણે તો નથી રાખ્યુંને? જ્યોતિર્લિંગ છે અને દેવ પ્રતિમાઓ છે. જ્ઞાનવાપીની દીવાલો બૂમો પાડી પાડીને શું કહી રહી છે? મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને તેનું સમાધાન થવું જોઈએ.
આ દરમિયાન સીએમ યોગીએ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાછલાં સવા છ વર્ષથી હું યુપીનો મુખ્યમંત્રી છું. આ દરમિયાન પ્રદેશમાં એક પણ તોફાન થયું નથી. મોટીમોટી વાતો કરનારા જુએ કે ચૂંટણી કેવી રીતે યોજાય. યુપી નગરનિગમની ચૂંટણીઓ, પંચાયત ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણી જુઓ અને પછી પશ્ચિમ બંગાળની ચૂંટણી પર નજર નાખો. ત્યાં શું હાલ થયા છે. આ લોકો દેશને જ પશ્ચિમ બંગાળ બનાવવા માગે છે.


