ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં 2020માં ચીની સેના દ્વારા લદ્દાખમાં આક્રમણ બાદ ઘણી કડવાશ આવી ગઇ છે. એવું નથી કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુમધુર હતાં. ચીન પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે હંમેશા ભારત વિરોધી વલણ અપનાવતો રહ્યો છે. વૈશ્વિક મહાસત્તા બનવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ચીન તેની પાડોશમાં આર્થિક અને લશ્કરી રીતે સુસજ્જ એવા ભારતને ઇચ્છતો નથી. તેથી જ યેનકેન પ્રકારે દરેક મામલામાં ભારતને પરેશાન કરવાની કોઇ તક ચીની સત્તાધીશો જતી કરતા નથી. ચીને ભારતના કટ્ટર વિરોધી એવા પાકિસ્તાનને પોતાની કાખમાં ઘાલ્યો છે તો હિન્દ મહાસાગરમાં શ્રીલંકા પર પ્રભુત્વ સ્થાપીને ભારતના સાર્વભૌમત્વને પડકારી રહ્યો છે. ભારત ભલે ચીન જેટલો આર્થિક અને લશ્કરી રીતે મજબૂત નથી પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતે ચીનને પડકાર આપવાનું શરૂ કર્યું છે. ચીન વૈશ્વિક સ્તરે પણ પોતાની હાક જમાવવા અત્યારે અમેરિકા અને પશ્ચિમની મહાસત્તાઓ સામે શિંગડા ભેરવી રહ્યો છે તેથી પશ્ચિમના આ દેશો ભારતની પડખે આવીને ઊભા રહ્યાં છે પરંતુ આ એક અલગ ચર્ચાનો વિષય છે. ચીન સારી રીતે જાણે છે કે ભારત આજે વિશ્વનું સૌથી મોટું ઉપભોક્તા બજાર બની ગયો છે. મહાસત્તાઓ પણ હવે આ બજારમાં પ્રભુત્વ જમાવવા માટે ભારત સમક્ષ મૂડીરોકાણના ખોળા પાથરી રહી છે. કોરોના મહામારીએ વિશ્વના ઘણા દેશોની કમર તોડી નાખી પરંતુ ભારતનો આર્થિક વિકાસ દર ચીનને પણ ચોંકાવી રહ્યો છે. સંખ્યાબંધ મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરવા આંટા મારી રહી છે જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાઇ રહ્યું છે. ભારતની પ્રગતિથી ઇર્ષામાં બળતો ડ્રેગન એકતરફ ભારત સાથે સારા સંબંધોનો દેખાવ કરી રહ્યો છે પરંતુ તક મળે ભારત વિરુદ્ધ અવળચંડાઇ કરવાનું ચૂકતો નથી. તેથી જ તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના રાજદ્વારી વેંગ યીને ચેતવણી આપવી પડી હતી કે 2020થી સરહદ પર પ્રવર્તતી સ્થિતિના કારણે બંને દેશ વચ્ચેનો વ્યૂહાત્મક વિશ્વાસ અને દ્વિપક્ષીય સંબંધોના જાહેર અને રાજકીય આધારનું ધોવાણ થઇ ગયું છે. ભારત માટે પાકિસ્તાન કરતાં પણ ચીન વધુ મોટો પડકાર છે. મહત્વની વાત તો એ છે કે ભારતનું રાજકીય નેતૃત્વ ચીનની આ ખંધાઇને સારી રીતે સમજી ચૂક્યું છે અને પ્રાદેશિક તથા વૈશ્વિક સ્તરે ચીનને વ્યૂહાત્મક પડકારો આપી રહ્યું છે.


