કલોલઃ મહેસાણામાં રહેતા એક એજન્ટે કલોલના દંપતી સહિત અન્ય એક દંપતીને અમેરિકા જવાનું સપનું બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાઈ છે. કલોલમાં રહેતા દંપતીને યેનકેન પ્રકારેણ અમેરિકા સ્થાયી થવું હોઈ તેણે આ એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ અમેરિકા મોકલવા રૂ. 1 કરોડમાં ડીલ થઈ હતી. જો કે આ દંપતીને ગેરકાયદે મોકલવા જુદાજુદા દેશમાં ફેરવી તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરતાં મહેસાણાના એજન્ટને ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
કલોલમાં રહેતા જિજ્ઞેશભાઈ હર્ષદભાઈ બારોટને વિદેશમાં સ્થાયી થવું હોવાથી તેમણે એજન્ટનું કામ કરતા મહેસાણાના કમલેશ જયંતીભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો. આરોપી કમલેશ બારોટે પતિ-પત્ની બંનેને અમેરિકા મોકલી આપશે અને તે પેટે રૂ. એક કરોડ આપવાના રહેશે તેમ નકકી થયું હતું. જેથી દંપતીએ તેમના પાસપાર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ તેમને આપ્યા હતા. એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમને કેનેડા થઈ અમેરિકા પહોંચાડી દઈશું, ત્યાર બાદ તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં કડીમાં રહેતા જયેશભાઈ પટેલ અને તેમનાં પત્ની પણ મળ્યાં હતાં. આ બંને જણાને પણ કમલેશભાઈએ અમેરિકા જવા માટે એક કરોડમાં નક્કી કર્યું હતું.
બંને દંપતીએ કમલેશભાઈએ માગ્યા મુજબના પૈસા તેમને આપ્યા હતા. કડી અને કલોલનાં દંપતી તથા કમલેશભાઈ અને એક અન્ય યુવક આમ છ જણાં પ્લેનમાં બેસીને મુંબઈથી કોલંબો ગયા હતા અને ત્યાંથી તેઓ ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યાં હતાં. અહીં તેમને ત્રણ મહિના સુધી એક વિલામાં ભૂખ્યા-તરસ્યા ગોંધી રાખવામાં આવ્યા હતા. આ અંગે આરોપીઓના અન્ય દેશોના એજન્ટો સાથેના સંપર્ક ચકાસાશે.


