ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શનિવારે જાહેર કરેલી પોતાની નવી ટીમમાં એકપણ ગુજરાતી નેતાનો સમાવેશ કર્યો નથી. અગાઉ તેમની ટીમમાં રહેલા ભાવનગરના સાંસદ ડો. ભારતી શિયાળની પણ બાદબાકી કરવામાં આવી છે. આ કારણસર હાલ શિયાળના ભવિષ્યને લઈને મોટા પ્રશ્નાર્થ સર્જાયા છે. ભારતી શિયાળ સ્વચ્છ છબી ધરાવતાં સૌરાષ્ટ્રનાં મહિલા નેતા છે.
હવે ભવિષ્યમાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરે તો તેમનો સમાવેશ થશે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે વર્તમાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ડો. શિયાળ બંને ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આગામી સમયમાં જે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે ધ્યાને રાખીને નડ્ડાએ પોતાની ટીમની ડિઝાઇન બનાવી છે.
ડો. ભારતી શિયાળ કોળી સમાજનાં મહિલા નેતા છે, આવતી લોકસભા ચૂંટણીમાં પણ તેમને ત્રીજી વાર ટિકિટ મળે તેવું ભાજપનાં સૂત્રો જણાવે છે. આથી હાલ તેમને કોઈપણ જવાબદારી આપ્યા વિના આગામી લોકસભા ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાશે તેવો તર્ક અપાઈ રહ્યો છે.


