રાજકોટ સોની બજારથી પકડાયું આતંકી મોડ્યુલ

Wednesday 02nd August 2023 05:55 EDT
 
 

રાજકોટઃ ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યુલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળતાં સોમવારે રાત્રે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફન્ડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયા હતા. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટથી પકડ્યા છે.
મોબાઇલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લેવાયા
ગુજરાત એટીએસએ રાજકોટની સોની બજારમાં આવેલા જેપી ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સની અટકાયત કરી છે, જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. એટીએસના ત્રણ પોલીસ અધિકારીએ વેશપલટો કરી આરોપીઓના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લીધા હતા.
ત્રણેય 9 મહિનાથી રાજકોટમાં રહેતા
ગુજરાત એટીએસએ રાજકોટથી ઝડપેલા ત્રણેય શખ્સ 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખ્સો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખ્સ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ શખ્સો પાસેથી એક હથિયાર પણ પોલીસે કબજે લીધું છે. આ હથિયાર સપ્લાય કરનારો કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. રાજકોટમાં તેઓ ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે મજૂરી જેવું કામ કરતા હતા. જ્યારે પડદા પાછળ તેઓ આ મોડેલની વિચારધારા ફેલાવવા માટેનું કામ કરતા હતા.
બાંગ્લાદેશી આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હતા
બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ ત્રણ લોકો રાજકોટમાં એક્ટિવ હતા. ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઇલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળ્યા હતા. તાજેતરમાં આ મોડ્યુલના માસ્ટર માઇન્ડને બાંગ્લાદેશ એન્ટિ ટેરેરિસ્ટ ગ્રૂપે ઝડપી લીધો હતો. આ મોડ્યુલ અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે, જેના સભ્યો ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાથી ઝડપાઈ ચૂક્યા છે.
હવાલાથી ટ્રાન્ઝેક્શનની દિશામાં તપાસ
ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યુલ માટે મદદ કરતા હતા. જે ઘણા સમયથી વોચમાં ગોઠવાયા બાદ એટીએસને બાતમી મળી અને સોની બજારમાંથી ત્રણ શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ અલકાયદા માટે કામ કરતા હતા તેવું ખૂલ્યું છે. આ શખ્સોને ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.


comments powered by Disqus