રાજસ્થાન હોસ્પિટલ ભોંયરામાં શોર્ટસર્કિટથી આગ

Wednesday 02nd August 2023 07:56 EDT
 
 

અમદાવાદઃ શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટ -2માં શનિવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટમાં લગાવેલા મર્ક્યૂરી બલ્બમાં શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ત્યાં નીચે પડેલા ગાદલા પર પડ્યા, જેના કારણે આગ પ્રસરી હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં આઇસીયુમાં 10 સહિત 106 જેટલા દર્દી અને હોસ્પિટલનો સ્ટાફ હાજર હતો. આ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલ અને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરીને સારવાર અપાઈ હતી. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલાં રિનોવેશનનું કામ થયું હતું, જેનો ગાદલા અને ફર્નિચર સહિતનો ભંગાર બેઝમેન્ટમાં રાખ્યો હતો. હોસ્પિટલ તંત્રે જ ભંગારનો વહેલી તકે નિકાલ કરી નાખ્યો હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત અને દર્દીઓના જીવ જોખમમાં ન મુકાયા હોત. આ ઉપરાંત બેઝમેન્ટમાં ધુમાડો નીકળી શકે તે માટે એક્ઝોસ્ટ ફેન કે બારી હતી જ નહીં, જેના કારણે ધુમાડો હોસ્પિટલની ઉપરની તરફ પ્રસર્યો હતો. આગની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને હોસ્પિટલ તંત્રને દર્દીઓને શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં એકથી દોઢ કલાક જેટલું મોડું કરવામાં આવ્યું હોવાનો દર્દીઓએ આક્ષેપ કર્યો હતો.


comments powered by Disqus