ગાંધીનગરઃ રાજ્યમાં દરવર્ષે જુદાજુદા જિલ્લામથકે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવાની પરંપરાના ભાગરૂપે આ 15 ઓગસ્ટે ધ્વજવંદનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વલસાડ જિલ્લામથકે યોજાશે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગો લહેરાવવામાં આવશે. સ્વાભાવિક રીતે ત્યાં ગવર્નર દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહેશે. પોલીસ પરેડ, પોલીસ જવાનોનાં કરતબ સાથે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. એ જ રીતે અન્ય આઠ કેબિનેટ મંત્રીને તથા આઠ રાજ્યકક્ષાના મંત્રીને પણ વિવિધ જિલ્લામથકે ધ્વજવંદન કરાવવાની જવાબદારી સોંપાઈ છે. જે પૈકી અમદાવાદમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, નવસારીમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, વડોદરામાં ઋષિકેશ પટેલ, રાજકોટમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, સુરતમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કચ્છમાં કેબિનેટ મંત્રી મૂળુ બેરા, છોટાઉદેપુરમાં ડો. કુબેર ડિંડોર તથા જૂનાગઢમાં ભાનુબહેન બાબરિયા રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી અને ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન થશે.


