રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જુલાઈએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટની મૂક-બધિર શાળાના શિક્ષક અને એક સારા ચિત્રકારનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોટના ચિત્રકારે શિવાજી મહારાજના જીવનપ્રસંગ પર એક પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું અને એ પેઇન્ટિંગ તૈયાર કરતાં તેમને 15 વર્ષનો સમય લાગ્યો હતો.
‘મન કી બાત' કાર્યક્રમમાં રાજકોટના વિશિષ્ટ ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને દેશના વડાપ્રધાને ગૌરવભેર યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે. ઇતિહાસને જાળવવાના દેશમાં અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટે શિવાજી મહારાજના રાજ્યાભિષેક બાદ કુળદેવી માતાજીનાં દર્શનની ઘટનાને વિશાળ કદનાં ચિત્ર દ્વારા પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો તે સરાહનીય છે. પ્રભાતસિંહ બારહટેએ સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ બાદ ગુજરાત રાજ્યમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે બાદ રાજકોટની શાળામાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા હતા.


