અમેરિકામાં સાંસદોના એક જૂથે અમેરિકાની બાઇડેન સરકારને અપીલ કરી છે કે ભારતીય ગ્રીનકાર્ડ અરજદારોના બેકલોગને ખતમ કરવા માટે પગલાં ભરવામાં આવે. નોંધનીય છે કે 2020માં જે ભારતીય લોકોએ ગ્રીનકાર્ડ માટે અરજી કરી હતી તેમાંના કેટલાકનો વેઇટિંગ પિરિયડ 195 વર્ષ બતાવેે છે.
• માનવ તસ્કરી કેસમાં દોષિતઃ કેનેડાથી અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવેલા ભારતીય મૂળના સિમરનજીત સિંહને માર્ચ 2020થી માર્ચ 2021 વચ્ચે માનવ તસ્કરી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને કેનેડાના ઓન્ટારિયોમાંથી કસ્ટડીમાં લેવાયો હતો. સિમરનજિત સિંહે માનવ તસ્કરી રેકેટમાં સામેલ હોવાનું કબૂલ્યું હતું.
• યુએસ-ચીન સંબંધોઃ અમેરિકાના 100 વર્ષના પૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિન્જરની ચીન યાત્રાએ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા માટે નવી આશા જગાવી છે. બંને દેશો વચ્ચે ટ્રેડવોરથી બંનેના વેપારી જગતને ભારે નુકસાન થઇ રહ્યું છે. નિષ્ણાતોના મતે, તેઓ યુએસ કોર્પોરેટ જગતના દૂત તરીકે છે.
• H-1B વિઝાનો રાઉન્ડઃ અમેરિકાના H-1B વિઝાનો બીજો રાઉન્ડ ટૂંકમાં શરૂ થશે. નાણાકીય વર્ષ 2024 માટે વધારાના રજિસ્ટ્રેશન્સની પસંદગીની જાહેરાત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે કરી હતી. નિર્ણયનો વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે.
• રશિયા-યુક્રેનમાં શાંતિ માટે 30 દેશોની બેઠક: 17 મહિના કરતાં વધુ સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની પહેલ માટે પ્રથમવાર દુનિયાના 30 મોટા દેશો એકસાથે આવી રહ્યા છે. હેતુ યુક્રેન- રશિયા વચ્ચે સમાધાનનો છે. સાઉદી અરબની યજમાનીમાં આ મંત્રણા 5-6 ઓગસ્ટના રોજ જેદ્દાહ શહેરમાં યોજાશે.
• હિજાબ ન પહેરનારી મહિલાઓને સજાઃ ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ મહિલાઓ પર થતા અત્યાચાર ચમરસીમા પર છે. એક તરફ પોલીસ રસ્તાઓ પર ધરપકડ કરી રહી છે, તો બીજી તરફ અદાલતો હિજાબ ન પહેરનારી મહિલાઓને એક મહિના સુધી કબ્રસ્તાનમાં જઈને મૃતદેહોને સ્નાન કરવાની સજા ફટકારે છે.
• મોસ્કો પર ફરી યુક્રેનનો હુમલોઃ રશિયાના પાટનગર મોસ્કો પર ફરીથી ડ્રોન હુમલો થયો છે. આ હુમલાનો આરોપ યુક્રેન પર લાગ્યો છે. ખાસ બાબત એ છે કે આ હુમલો એ સમયે થયો હતો કે જ્યારે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હતી, છતાં રશિયા આ ડ્રોન હુમલાને ટાળી શક્યું ન હતું.
• આતંકવાદી પન્નુની ફરી ધમકીઃ આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ વધુ એકવાર ભારતને નુકસાન કરવાની ધમકી આપી છે. આતંકી પન્નુએ ખુદ એક વીડિયો જારી કર્યો છે. જેમાં તે સ્વાતંત્ર્ય દિવસના અવસરે 15 ઓગસ્ટના લાલ કિલ્લા પર નિશાન સાધવાની ધમકી આપતાં જોઈ શકાય છે.
• ચીનના અરુણાચલના ખેલાડીને સ્ટેપલ વિઝાઃ શાંતિની વાતો કરતા ચીન દ્વારા સીમા વિવાદ વચ્ચે ફરી એકવાર અવળચંડાઈ કરવામાં આવી છે. ચીને અરુણાચલપ્રદેશના કેટલાક સ્પોર્ટ્સ પર્સન્સને સ્ટેપલ વિઝા આપીને શાંતિની વાતોમાં પલિતો ચાંપ્યો છે. ભારત સરકારે ચીન સમક્ષ ઉગ્ર ભાષામાં આનો વિરોધ નોંધાવ્યો છે.
• જેટ એરવેઝને ફરી ઉડાનની મંજૂરીઃ જેટ એરવેઝ ફરી એકવાર આકાશમાં ઊડતી જોવા મળી શકે છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ તેનું એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ રિન્યૂ કર્યું છે, એટલે કે ફરી એકવાર એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે. આ સાથે જેટ એરવેઝને ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે.
• મધ્યપ્રદેશ 785 વાઘ સાથે દેશમાં પ્રથમઃ કેન્દ્ર સરકારે વાઘ ગણનાના આંકડા જાહેર કર્યા છે. મધ્યપ્રદેશ 785 વાઘ સાથે દેશનું પ્રથમ ક્રમનું રાજ્ય રહ્યું છે. એ કારણે મધ્યપ્રદેશે પોતાનો ટાઇગર સ્ટેટનો દરજ્જો જાળવી રાખ્યો છે. બીજા નંબરે કર્ણાટક રહ્યું છે. કર્ણાટકમાં વાઘની સંખ્યા 563 છે. જ્યારે ઉત્તરાખંડમાં 560 અને મહારાષ્ટ્રમાં 444 વાઘ રહે છે.
• ચીન દ્વારા લદ્દાખમાં નિર્માણકાર્યઃ સીમા વિવાદ ઉકેલવાનું તેમજ શાંતિ મંત્રણા કરવાનું નાટક કરતા ચીન દ્વારા તાજેતરમાં પૂર્વ લદ્દાખથી અરુણાચલ સુધી એલએસી ખાતે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે અને લશ્કરી શસ્ત્ર સરંજામનો ખડકલો કરાઈ રહ્યો છે. ચીન એલએસી ખાતે તેનાં બન્કર્સ, લશ્કરી થાણાં, શસ્ત્રો, મિસાઇલ્સ અને રડાર ગોઠવી રહ્યું છે.


