બ્રિટનમાં 50 વર્ષથી વધુ સમયથી વસેલા, પરંતુ સવાયા ગુજરાતી એવા સી.બી. પટેલ દ્વારા લંડનથી પણ ગુજરાતી ભાષાની ભરપૂર સેવા કરવામાં આવી રહી છે અને ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. ગુજરાત સમાચારના સુવર્ણજયંતી પ્રસંગે સી.બી. પટેલ દ્વારા 22 જુલાઈએ ખાસ ગુજરાતી ભાષાને સમર્પિત ઝૂમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.બી. પટેલે કહ્યું, ગુજરાતી ભાષા માટે ગુજરાતમાં જન્મ્યા હોય કે પરદેશમાં જન્મ્યા હોય તમામને ગુજરાતી ભાષાનું ગૌરવ છે, એવા સૌ આપણે એકત્ર થયા છીએ. આ વિષય એટલો બધો મુશ્કેલ નથી, દરેક સમાજના પ્રશ્નો છે. ભાષા અમુક રીતે લુપ્ત થાય છે, કેટલીક ભાષા સાવ જ લુપ્ત થાય છે એની જરૂરિયાત, એની ઉપયોગિતા, એના માટે શું કરવું એ માટે તમે વર્ષોથી સાધના કરો છો. અસાધ્યને સાધ્ય કરવું તે ગુજરાતીની ખાસિયત છે. ભારત જેવા દેશના એક રાજ્ય ગુજરાતની અસ્મિતા દુનિયાભરમાં આગવી અને અનોખી છે. આજકાલ તો અમેરિકામાં પણ ‘કેમ છો?’ કહેનારા લાખો ગુજરાતી અને બિનગુજરાતી મળે છે અને ઢોકળાં અને થેપલાંની વાતો પણ કરે છે. આપણે બ્રિટનમાં રહીએ છીએ, આ ગોરા દેશમાં જ્યાં આપણી વસ્તી 3 ટકા કરતાં પણ ઓછી છે, ત્યાં આપણો ભાઈ- આપણો દીકરો પ્રાઇમ મિનિસ્ટર છે અને અદભુત શાન સાથે કામ કરે છે.
ગુજરાતી ભાષાની ચિંતા આપ અને હું વર્ષોથી કરીએ છીએ. ગુજરાતી ભાષા જાળવવી, તેનો ઉપયોગ કરવો જરૂરી છે. બધાને ગુજરાતીમાં બોલતાં, લખતાં ભલે ન કરીએ પણ સમજતા તો કરવા જ જોઈએ. માતા-પિતા બાળકને દાદા-દાદી સાથે વાત કરી શકે એટલી પણ જો બોલવાની અને સમજવાની શક્તિ આપે તો પરિવારમાં સંસ્કારસંહિતા વહ્યા જ કરશે.
જ્યોત્સનાબહેન શાહ, કન્સલ્ટિંગ એડિટર
આપણે ઇતિહાસમાં જોઈએ તો માતૃભાષાને સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. બ્રિટિશર્સ દેશને મુક્ત કર્યે 76 વર્ષ થયાં, પરંતુ હજુ આપણે સૌ અંગ્રેજીના ગુલામ રહ્યા છીએ. આપણે બ્રિટનમાં રહીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે અંગ્રેજી મહત્ત્વની છે, પરંતુ આપણે માતૃભાષા ગુજરાતી ન ભૂલીએ તે યાદ રાખવું જ પડે. આપણને માતૃભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. બ્રિટનની કેટલીક ગુજરાતી વર્ગો દ્વારા ચલાવતી સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા શીખવે છે, જ્યાં બ્રિટનમાં વસતા ગુજરાતીઓ તે શીખવા માટે ઉત્સુક છે. આજની યુવાપેઢી ગુજરાતી શીખવામાં ઉદાસીન છે. આપણે બાળકોને યૂરોપિયન ભાષા શીખવી તેનું ગૌરવ લઈએ છીએ, પણ આપણી ગુજરાતી ભાષા નથી આવડતી તેની શરમ નથી. આપણી માનસિક વિચારધારાને બદલવી જરૂરી છે. યૂરોપિયન ભાષાને શીખવાનું કારણ એ હોઈ શકે કે સારી જોબ મળે અથવા એક્સ્ટ્રા ક્વોલિફિકેશન થાય. ગુજરાતી વિશ્વમાં ઠેરઠેર વસ્યો છે. હાલમાં ગુજરાતમાં અનેક દેશ ઉદ્યોગ સ્થાપવા માટે રસ દાખવી રહ્યા છે, તો ગુજરાતી ભાષાનું પણ એટલું જ મહત્ત્વ છે તે સમજવું જોઈએ.
જગદીશ દવે, ગુજરાતી ભાષા નિષ્ણાત
આ પ્રકારના આયોજન માટે મને સામેલ કરવા માટે આભાર. ગાંધીજીએ હું કિશોર હતો ત્યારે આદેશ આપ્યો હતો કે ગુજરાતી સારું ભણજે અને ભણાવજે. 1950માં પુણેની વાડિયા કોલેજમાં લેક્ચરર થયો ત્યારથી આજ સુધી એટલે કે 73 વર્ષથી હું ગુજરાતી ભણાવું છું. 1984માં ભારતથી લંડન આવ્યો ત્યારે સી.બી. પટેલે મને લેખ લખવા અને બાદમાં સંપાદક મંડળમાં જોડ્યો હતો. અભ્યાસ કરતાં ગુજરાતીના શિક્ષણમાં ફેરફાર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. અંગ્રેજીનો ‘S’ એ ગુજરાતીનો ‘ડ’ છે, એને કાપો તો ‘ક’ થાય, નીચે હૂક કરો તો ‘ફ’ થઈ જાય, કૌંસ કરો તો ‘હ’ થઈ જાય અને વચ્ચે જોડો તો ‘ઠ’ થઈ જાય. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને એક અઠવાડિયામાં જ ‘ડ’, ‘ક’, ‘ફ’, ‘હ’ અને ‘ઠ’ આવડી ગયા હતા. ત્યાર બાદ તેમને હોકી સ્ટિક તોડવાનું હતું. જેમાં આડી લાઇન કરી નીચે લાવો તો ‘ત’ , ઉપર લઈ જાઓ તો ‘મ’, ઉપરથી પાછું નીચે લાવતાં ‘ભ’ થાય. બાદમાં બે કૌંસ ઉપર-નીચે કરો તો ‘દ’ થાય, તેની આગળ લીટી કરો તો ‘ઘ’ થઈ જાય, ગાંઠ હોય તેનાથી નીચે લીટી કરો તો ‘ધ’ થઈ જાય, બે કૌંસને આગળ લઈ બીડી દેતાં ‘છ’ થઈ જાય, તેને વણી નાખો તો ‘ઈ’ થઈ જાય.
જયંત તન્ના, પૂર્વ ચેરમેન, કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ
મેં આશરે 22 વર્ષ મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં ડેપ્યુટી હેડ તરીકે કામ કર્યું હતું. એ પછી 14 વર્ષ લોકોની મેં હોંસલો અને સ્લાઉમાં પ્રિન્સિપલ સ્કૂલ ઇમ્પ્રૂવમેન્ટ ઓફિસર અને ઓફસ્ટેડ ઇન્સ્પેક્ટર તરીકે લોકોની સેવા કરી. એક સમય એવો આવ્યો જ્યારે ગુજરાતીની પરીક્ષા નહીં લેવાય એવો નિર્ણય લેવાયો. ત્યારે મને લાગ્યું કે મારા અનુભવના આધારે કંઈ યોગદાન આપવું જોઈએ. ગુજરાતીની પરીક્ષા બંધ ન થાય તે માટે ગુજરાતી શિક્ષણિક સંસ્થાઓએ એક સંઘ બનાવ્યું -ગુજરાતી શિક્ષણ સંઘ. આ સંઘમાં મેં 2015માં ચેરમેનશિપ સંભાળી હતી. ત્યારે એવું લાગતું હતું કે, કદાચ આ ગુજરાતી જીસીએસસી પણ નહીં હોય તેનો ડર હતો. આ બાબતે પણ ગુજરાત સમાચારે પણ ઘણી મદદ કરી હતી. સમાજોએ, મંદિરોએ એકત્ર થઈ લોકોના સિગ્નેચર લીધા, જે મુજબ 10 હજાર સિગ્નેચર સાથેની અરજી પાર્લામેન્ટમાં આપી હતી. આ અરજી બાદ સરકારે બોર્ડ બદલાવી ગુજરાતી ચાલુ રાખવા નિર્ણય લીધો હતો.
વિજયાબહેન ભંડેરી, ગુજરાતી ભાષાનાં શિક્ષક, લંડન
1970 અને 80ના દાયકામાં ઘણા ગુજરાતીઓએ આફ્રિકા અને બ્રિટનમાં સ્થળાંતર કર્યું. જેમાં મોટાભાગના પરિવારોમાં 8 થી 10 વર્ષનાં બાળકો ગુજરાતી બોલી અને લખી-વાંચી શકતાં હતાં. એ સમયે બ્રિટનમાં સ્થાયી થતા ગુજરાતીઓ ઠરીઠામ થવા અને પૈસા કમાવા મહેનત કરતા હતા, ત્યાં બાળકોને ગુજરાતી શીખવવાનો સમય જ નહોતો. આ સમયે બાળકો પર બ્રિટિશ માહોલની અસર વર્તાવા લાગી. તેઓ ઘરમાં તો ગુજરાતી બોલતાં હતાં પણ ઘરની બહાર અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું. તેમ છતાં સમાજની શનિવાર અને રવિવારની શાળામાં તેઓ ગુજરાતી શીખવા લાગ્યાં. 80 અને 90ના દાયકાનો સમય એવો હતો, જ્યારે મોટાભાગના પરિવારોમાં માતા-પિતા ગુજરાતી લખી-વાંચી અને બોલી શકતાં અને કંઈક અંશે બાળકોને ગુજરાતી શીખવી પણ શકતાં હતાં, જેથી બાળકો માટે ગુજરાતી ભાષા શીખવી થોડી સહેલી હતી. 90ના દાયકામાં ગુજરાતી ભાષા શિક્ષણનું કામ બહુ જોશથી ચાલ્યું.
સોનલ શાહ, કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલનાં ચેરપર્સન
ઘણાં વર્ષોથી ગુજરાતી પ્રત્યે નકારાત્મક પ્રચાર વધુ થયો છે. લોકોને હવે વધારે રસ નથી રહ્યો તેમ કહેવું તેના કરતાં ગતવર્ષ કરતાં ગુજરાતી શીખનારાની સંખ્યા વધી છે, હવે શિક્ષકો વધારે પ્રયત્ન કરે છે તેમ કહેવું વધારે યોગ્ય છે. મારા જોયા પ્રમાણે ઘણી શાળાઓમાં લેસન પ્લાનિંગ હતું નહીં, પરંતુ હવે તેના વિશે તાલીમ આપવામાં આવે છે અને મેઇન સ્ટ્રીમ સ્કૂલની પદ્ધતિ અપનાવાઈ રહી છે. હું અહીં આવી ત્યારબાદ મેં મેઇનસ્ટ્રીમ સ્કૂલમાં મેં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. મને ખબર હતી કે બાળકોને જો ગુજરાતી ભાષા શીખવવી હશે તો મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં કેવી રીતે શિક્ષણ અપાય છે તે જાણવું જરૂરી હતું. એ પ્રમાણે મેં મારી જાતને તૈયાર કરી અને અન્ય સાથી શિક્ષકોને પણ તાલીમ આપતી આવી છુંું. હું ઓસવાલ એસોસિયેશનમાં પણ એજ્યુકેશન લીડ તરીકે નોર્થ-ઇસ્ટ ઇન્ડિયાનું કામ કરું છું. મને લાગે છે કે હું જે શાળા ચલાવું છું તેમાં વાલીઓને અન્ય પ્રવૃત્તિઓમાં ઓછો રસ છે, તેઓ 2 કલાક સતત ગુજરાતીના વર્ગની માગ કરે છે.
રેખાબહેન શાહ, માંધાતા સ્કૂલના વડા
માંધાતા ગુજરાતી શાળા વેમ્બ્લીમાં 48 વર્ષથી ચાલી રહી છે, જેમાં ચંદ્રકળાબહેનનો મોટો ફાળો છે. તેઓ અમને સૌ શિક્ષકોને તાલીમ આપી પ્રોત્સાહિત કરતાં રહે છે. શાળા કેવી રીતે ટકશે, ભાષા ટકાવવા આપણે શું પ્રયત્નો કરી શકીએ તે સતત વિચારતા રહે છે. મારાં માતા ચંપાબહેનની દોરવણીથી આજે હું શાળામાં ભણાવું છું. અમને બંનેને પ્રોત્સાહિત કરનારા મારા પિતાશ્રી જિતુભાઈનો આભાર માનું છું. એક ઓસ્ટ્રેલિયન નાગરિકે કહ્યું હતું કે ઘરમાં માતૃભાષા બોલતા રહો, અંગ્રેજી તો અહીંનું માધ્યમ છે, જેથી બાળકો કે શીખશે જ. શરૂઆતમાં જ્યારે અમારાં બાળકો ભણવા આવતાં ત્યારે યુવાન વર્ગને પણ ગુજરાતી ભાષા ભણવી હતી. સમયના અભાવે તેઓ સાંજે જ સમય મળતો હતો, જેનો અમે ઉપાય કાઢ્યો. ચંદ્રકળાબહેન અને કુસુમબહેને અમારી સંસ્થાના મકાનમાં ઇવનિંગ ક્લાસ શરૂ કર્યા. વર્ષો બાદ આ યુવાનોનાં બાળકો પણ ગુજરાતી ભણવા અમારી શાળામાં દાખલ થયાં.
મીનાક્ષીબહેન ચાંપાનેરી, ગ્લાસ્ગોના ગુજરાતી શિક્ષક
બર્મિંગહામથી આવ્યા બાદ સ્કોટલેન્ડમાં ગુજરાતીઓની વસ્તી ન હોવાથી મીઠા વિનાના શાક જેવો ઘાટ સર્જાયો હતો. અહીં ગુજરાતી એસોસિયેશન 10થી 15 ફેમિલીનું જ હતું. અહીં લોકોને બાળકોને ગુજરાતી તો શીખવવું હતું, પરંતુ કોઈ વ્યવસ્થા નહોતી. આ સમયે મેં બાળકોને ગુજરાતી શીખવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં 5 બાળકોથી શરૂ કરી 25 બાળકો ગુજરાતી શીખવા આવવા લાગ્યાં હતાં. શરૂઆતમાં આ બાળકોને ગુજરાતી બોલતાં શીખવ્યું, બાદમાં લખવા અને વાંચતાં શીખવ્યું હતું. ત્યાં સુધી કે રસોઈ કરતાં કરતાં સામગ્રીનાં નામ પણ શરૂ કર્યું હતું. આપણાં બાળકોને ‘નમસ્તે’થી લઈ સ્ટેજ સુધી લઈ આવી અને પ્રાર્થના કરતાં પણ શીખવ્યું હતું. 1985માં પહેલાં 40થી 50 ગજરાતીઓ એકઠા થતા, જે આજે 350થી 400 જેટલા એકઠા થાય છે. ગુજરાતીઓ ભલે વધી ગયા હોય પણ ગુજરાતી ભાષા નષ્ટ થતી જાય છે તેનું મને દુઃખ છે. વાલીઓ ચેસ અને અન્ય એક્ટિવિટી માટે બાળકોને મોકલે છે, પણ ગુજરાતી શીખવા માટે કોઈ પ્રયાસ કરતા નથી.
જોશનાબહેન ડી પટેલ, શિક્ષક અને ‘ગ્લોબલ ગુજરાતી’ પુસ્તકના લેખક
આપણે ચિંતામાં સમય પસાર કરીએ છીએ, પરંતુ એવું કંઈ કરીએ જેનાથી તેમને ભાષા શીખવી સરળ બને તે જરૂરી છે. આ કામ અઘરું નથી, પરંતુ સાચું સાહિત્ય અને રસ્તો મળે, જે તેમને ગમતું અને ગમે ત્યારે વાપરી શકે તો ગુજરાતી પણ સરળતાથી શીખવી શકાય છે. મેં ગ્લોબલ ગુજરાતી બુક બનાવી છે, જેનાથી જાતે જ શીખી શકાય છે. અંગ્રેજીની સાથે બાળકો ગુજરાતી બોલી, વાંચી શકશે. કયો શબ્દ ક્યાંથી બોલાય તે અંગે બાળકો ગૂંચવાય છે, દા.ત. ‘છોકરી’ને તેઓ ‘ચોકરી’ બોલે છે. બુક બાદ હવે સીડીના ડિજિટલ રૂપમાં પણ આપવાની મારી ઇચ્છા છે.
મહેશ લિલોરિયા, ગ્રૂપ એડિટર
લર્ન ગુજરાતીના સફળ કાર્યક્રમને બિરદાવતાં મહેશભાઈ લિલોરિયાએ આ ઝૂમ ઇવેન્ટમાં હાજર સૌ કોઈનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે, સી.બી. પટેલ સાહેબની ઇચ્છા આવનારા દિવસોમાં માત્ર ભાષાપ્રેમીઓનું એક સ્નેહસંમેલન યોજવાની છેે. આપણે જ્યારે આ ધૂણી ધખાવી છે, તો તેને આગળ લઈ જવી જ પડશે. અંગ્રેજી ભાષા કેટલી મજબૂત છે તે મહત્ત્વનું નથી આપણી માતૃભાષા સશક્ત બને તે આપણો પ્રયાસ હોવો જોઈએ. અમારા વક્તાઓ ડો. જગદીશભાઈ દવે અને ચંદ્રકળાબહેન પટેલે ગુજરાતીનો અલખ જગાવી અનેક પેઢીને જ્ઞાનવંતી કરી છે. તેની સાથે તમામ હાજર રહેલા ગુજરાતી ભાષાના સેવકો અને શ્રોતાઓનો પણ આભાર.


