સાપુતારામાં પ્રકૃતિ, સંસ્કૃતિ, પ્રગતિના સંગમ ‘મેઘ મલ્હાર’ પર્વનો આરંભ

Wednesday 02nd August 2023 07:36 EDT
 
 

વાંસદાઃ ‘ભીનાભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળેકળાએ ખીલી ઊઠે છે, ત્યારે સહ્યાદ્રીની આ ગિરિકંદરાઓ કાશ્મીરની વાદીઓથી જરાપણ ઉતરતી ભાસતી નથી’ તેમ સાપુતારાની સુંદરતાનું વર્ણન કરતાં રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ 2023ના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે મેઘ મલ્હાર પર્વનું સુભગ મિલન થતાં અહીં સોનામાં સુગંધ ભળી છે. મૂળુભાઈ બેરાએ કહ્યું કે, પ્રકૃતિ, સંસ્કૃતિ સાથે પ્રગતિનો સુમેળ સાધીને રાજ્ય સરકારે સાપુતારા સહિત સહ્યાદ્રીની ગિરિમાળામાં આવેલાં નૈસર્ગિક સ્થળોએ પર્યટકો માટે જરૂરી સુખસુવિધા ઉપલબ્ધ કરાવી પ્રવાસનને જીવનભરનું સંભારણું બનાવવાની તક આપી છે. સાપુતારા સહિત ડાંગને ઓળખ આપતા ગિરા અને ગિરમાળ વોટરફોલ, પંપા સરોવર, શબરીધામ, કળંબડુંગર અને ડોન, અંજનકુંડ અને પાંડવ ગુફા, માયાદેવી અને તુલશિયાગઢ, મહાલ કિલા અને દેવીના માળ જેવી ઇકો ટૂરિઝમ કેમ્પ સાઇટ, બોટાનિકલ ગાર્ડન અને નેશનલ પાર્ક જેવાં આકર્ષણોથી પ્રવાસીઓ આકર્ષાઈ રહ્યા છે.


comments powered by Disqus