સુનાકે અનિર્ણાયક મતદારોને નક્કર પરિણામ આપવા પડશે

Wednesday 02nd August 2023 05:48 EDT
 

તાજેતરમાં યોજાયેલી 3 સંસદીય બેઠકની પેટાચૂંટણીમાં સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો. જોકે ધારણા પ્રમાણે કાઠું કાઢવામાં તો મુખ્ય વિરોધી લેબર પાર્ટી પણ એટલી સફળ રહી નથી. 3 બેઠકના પરિણામોમાં કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને એક-એક બેઠકથી સંતોષ માનવો પડ્યો. અક્સબ્રિજની બેઠક પર અત્યંત પાતળી સરસાઇથી વિજય હાંસલ કરીને ટોરીઝે પોતાની આબરૂ તો બચાવી રાખી પરંતુ મતદારોએ ટોરીઝને સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો કે અમે તમારી નીતિઓથી સંતુષ્ટ નથી. વડાપ્રધાન રિશી સુનાક હાલના તબક્કે એનએચએસની સ્થિતિ સુધારવા, માઇગ્રન્ટ સમસ્યાનો ઉકેલ લાવવા, ફુગાવાનો દર ઘટાડવા સહિતના પાંચ વચન પૂરાં કરવામાં નિષ્ફળ જણાઇ રહ્યાં છે જેનો સીધો પડઘો પેટાચૂંટણીમાં જોવા મળ્યો. તેથી હવે સુનાક સામે સંસદીય ચૂંટણીની વૈતરણી પાર કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. તાજેતરમાં કરાયેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે યુકેની સામે જે મોટી સમસ્યાઓ છે તેમાં જનતા કન્ઝર્વેટિવ સરકારની નીતિઓ કરતાં લેબર પાર્ટીના અભિગમ પર વધુ વિશ્વાસ કરી રહી છે. પરંતુ હાલમાં આવેલા ચૂંટણી પરિણામો પરથી  બ્રિટિશ મતદારોનો મૂડ જોતાં એમ લાગી રહ્યું છે કે 2024ની ચૂંટણીમાં કોઇ એક પાર્ટી સ્પષ્ટ બહુમતી મળવે તેવી સંભાવના નથી કારણ કે મતદારો જ ગુંચવાડાની સ્થિતિમાં છે. મતદાનની પેટર્ન જોઇએ તો મતદાર કોઇપણ પાર્ટી પર આંખો મીંચીને વિશ્વાસ કરી રહ્યો નથી. આજ સરવે પ્રમાણે મોંઘવારીના મામલે 31 ટકા જનતા માને છે કે કોઇ પાર્ટી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી. એનએચએસની ખસ્તાહાલ સ્થિતિ સુધારવા મામલે 30 ટકા જનતા માને છે કે કોઇ પાર્ટી મોંઘવારીમાંથી રાહત અપાવી શકે તેમ નથી. અર્થતંત્રની ગાડી પુનઃ પાટા પર લાવવાના મામલે 31 ટકા જનતા એમ માને છે કે આ ટોરીઝ કે લેબરના ગજા બહારની વાત છે. આમ જનતાનો એક મોટો હિસ્સો અનિર્ણાયક તબક્કામાં છે અને આજ અનિર્ણાયક મતદાર આગામી સંસદીય ચૂંટણીમાં કોની તરફેણમાં મતદાન કરે છે તેના આધારે હાઉસ ઓફ કોમન્સનું ચિત્ર તૈયાર થશે. સંસદીય ચૂંટણી આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય છે ત્યારે વડાપ્રધાન રિશી સુનાકે આ અનિર્ણાયક મતદારોના હિસ્સાનો વિશ્વાસ પુનઃ હાંસલ કરવો પડશે. જનતાને આપેલા વચનોનું નક્કર પરિણામ રજૂ કરવું પડશે.


comments powered by Disqus