સુરત એરપોર્ટ પરથી રૂ.એક કરોડના રફ હીરા પકડાયા

Wednesday 02nd August 2023 07:30 EDT
 
 

સુરતઃ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગની ભરમાર વચ્ચે શારજાહ જતી ફ્લાઇટમાં બેસવા જતા અગાઉ વરાછા ખાતે રહેતા યુવાનને એક કરોડના રફ હીરા સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો. રફ હીરા સુરતથી વાયા દુબઈ થઈ આફ્રિકા મોકલવાના હતા. દુબઈમાં આરોપીને અન્ય એક કેરિયર મળનાર હતો, જેને હીરા આપવાના હતા. સરકાર તરફે કસ્ટમ- ડીઆરઆઇ કેસના પબ્લિક પ્રોસિક્યુટર ઇમરાન મલેક હાજર રહ્યા હતા. બુધવારે શારજાહ ફ્લાઇટ આવે એ પહેલાં અધિકારીઓ દ્વારા સુરતથી શારજાહ જતા મુસાફરોનું ચેકિંગ ચાલુ હતું, ત્યારે કતારગામની કલાપી સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જિજ્ઞેશ મોરડિયા પોતાની ટ્રોલી અને એક બેગ સાથે આવ્યો હતો. સામાન એક્સ-રે મશીનમાં નાખતાં જ તેમાં કોઈ મેટલ હોવાનું સિગ્નલ આપ્યું હતું, એટલે તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ટ્રોલીના પકડવાના હેન્ડલમાં છેક નીચેની બાજુએ મૂકેલા રૂ. 1.10 કરોડના 4910 કેરેટના રફ હીરા મળ્યા હતા.


comments powered by Disqus