સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારત પર ભરોસો કરનારા નિરાશ નહીં થાયઃ મોદી

Wednesday 02nd August 2023 07:51 EDT
 
 

ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા 2023 કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિ કંડક્ટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આગેવાનોને કહ્યું કે, ભારત સાથે સપનાં અને આકાંક્ષા જોડીને ભરોસો મૂકનારાને આ દેશ ક્યારેય નિરાશ કરશે નહીં.
ભારતમાં રોકાણ કરીને પોતાનાં એકમો સ્થાપવા માટે ખુલ્લું આમંત્રણ આપતાં મોદીએ કહ્યું કે, ભારત સેમિ કંડક્ટર ક્ષેત્ર માટે ઊર્જાનું એવું સંવાહક છે, જેણે લાલજાજમ બિછાવીને રાખી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ થયો તેનો સંદર્ભ આપતાં મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્યદિને મેં સંબોધનમાં કર્યું હતું તે ફરી દોહરાવું છું કે, દેશ અને દુનિયા માટે આ જ યોગ્ય સમય છે.
મોદીએ આ સમયે વધુમાં કહ્યું કે, ભારતમાં તેવા યુવાનોનો મોટો વર્ગ છે, જેણે આર્થિક મર્યાદાને કારણે હજુ સુધી ક્યારેય ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો નથી, પરંતુ દેશના વિકાસ સાથે જોડાઈને સીધો જ ટેક્નોલોજીનો ઉપભોક્તા બનવા જઈ રહ્યો છે. આવા મધ્યમ વર્ગીય યુવાનો સેમિ કંડક્ટર ઇન્ડસ્ટ્રી માટે મોટો અવકાશ ઊભો કરે છે.
ટેક્નોલોજી ઉદ્યોગમાં પ્રવર્તમાન મૂરના નિયમનું ઉદાહરણ આપીને મોદીએ કહ્યું કે, જેમ દર બે વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજીમાં બમણી ઝડપે પ્રોસેસરની ક્રાંતિ આવે છે, તેમ ભારતમાં પણ અવસરોમાં બમણી વૃદ્ધિ થાય છે. 21મી સદી ભારત માટે અવસરોની સદી છે.
સેમિકોન ઇન્ડિયા કોન્કલેવમાં માઇક્રોન, ફોક્સકોન સહિત 100થી વધુ કંપનીની હાજરી
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ત્રણ દિવસીય સેમિકોન ઇન્ડિયા 2023 કોન્કલેવનો પ્રારંભ થયો છે, તેના ઉદઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માઇક્રોનના સીઈઓ સંજય મહેરોત્રા, ફોક્સકોનના યંગ લિઉ તથા સેમિ કંડક્ટર ઉદ્યોગ સાથે જોડાયેલા લીડર્સે ભારતમાં આ ક્ષેત્રને લઈને ભવિષ્યમાં વિકાસની તકોને લઈને પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં હતાં. ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નીતિ થકી આ ક્ષેત્રના ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણનો ઉલ્લેખ કર્યો હતો.
કોરિયા અને અમેરિકાની કંપનીના અધિકારીઓ ગુજરાતમાં રોકાણના ઇરાદે મુખ્યમંત્રીને મળ્યા
સેમીકોન ઇન્ડિયા 2023ના મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત સેમિ કંડક્ટર પોલિસી લાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે. પોલિસી અંતર્ગત અનેક આકર્ષક લાભ અને ઇન્સેન્ટિવ્સની વ્યવસ્થા કરી છે. આ ઇવેન્ટ પૂર્ણ થયે જ સાઉથ કોરિયાની સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેફરી ચુન અને અમેરિકન કંપની એએમડીના માર્ક પેપર માસ્ટરે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી.
સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડે ભારત સરકારની નીતિ અન્વયે એકમ સ્થાપવા અરજી કરી છે અને તેમાં ગુજરાતની નીતિને કારણે તેઓ વધુ પ્રોત્સાહિત થયા છે. 1987માં કોરિયામાં સ્થપાયેલી સિમટેક હોલ્ડિંગ્સ સેમિ કંડક્ટર્સ અને કોમ્યુનિકેશન ઉપકરણો માટે વિવિધ પ્રકારના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ- પીસીબીનું ઉત્પાદન કરે છે. વિશ્વભરમાં 3 હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની તાઇવાન, ચીન, જાપાન, સિંગાપોર અને યુએસમાં કારોબાર કરે છે અને સોની, સેમસંગ, ઇન્ટેલ, વેસ્ટર્ન ડિજિટલ તેના મુખ્ય ગ્રાહકો છે.
અમેરિકન કંપની એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા જેવા વિવિધ ખંડમાં બ્રાન્ચ ધરાવે છે. 1969માં સ્થપાયેલી આ કંપની માઇક્રો પ્રોસેસર, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ અને સર્વરનું ઉત્પાદન કરે છે.
ચિપ્સ ઉત્પાદનમાં ગુજરાતની ભૂમિકા મુખ્યઃ રાજીવ ચંદ્રશેખર
ગાંધીનગરઃ સેમિ કંડક્ટર તેમજ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. ભારત માટે ભારતમાં, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત સેમિ કંડક્ટર ચિપ્સ ક્ષેત્રે ડિઝાઇન તેમજ ઉત્પાદન કરનારી કંપનીઓને વિશેષ લાભ અપાશે તેવું કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સેમિકોન ઇન્ડિયાના બીજા દિવસે જણાવ્યું હતું.
તેઓએ કહ્યું કે, સેમિ કંડક્ટર સેક્ટરને વધુ વેગ આપી ભારતને આત્મનિર્ભર બનાવવા 300 જેટલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને રિસર્ચ સુધીના કોર્સ શરૂ કરાશે. આ ક્ષેત્રે કામ કરતી દેશ -વિદેશની કંપનીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં પણ ઇન્ટર્ન ટ્રેઇની તરીકે રસ ધરાવતા યુવાનો કામ કરી શકે તેવી પીપીપી ધોરણે વ્યવસ્થા ઊભી કરાશે.
સેમિ કંડક્ટર ક્ષેત્રે સ્કિલ ડેવલપ કરવા કોર્સ શરૂ થશે
ગાંધીનગરઃ સેમિકોન ઇન્ડિયાના બીજા દિવસે શનિવારે ફોક્સકોનના ચેરમેન યંગ લિયુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત યોજી હતી. પહેલીવાર ગુજરાત આવેલા યંગ લિયુએ ભારતમાં તેમની કંપની ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ તરફ મહાત્મા મંદિરમાં ચર્ચા સત્રને સંબોધતાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સેમિ કંડક્ટર સેક્ટરને ઝડપથી ભારતમાંથી સ્કિલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવા દેશમાં 300 કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો શરૂ કરવાનું જાહેર કર્યું હતું.


comments powered by Disqus