સેમીકન્ડક્ટર ગુજરાતની સમૃદ્ધિમાં ચાર ચાંદ લગાવશે

Wednesday 02nd August 2023 05:50 EDT
 

21મી સદી સ્માર્ટ સદી છે. આ સદીમાં બધું જ સ્માર્ટ બની ગયું છે. તેનાથી પણ એક કદમ આગળ હવે પછીનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રહેશે. આ બધાને સપોર્ટ કરતાં સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી માંડીને ઇલેક્ટ્રિક કાર સુધીની ટેકનોલોજી સેમીકન્ડક્ટર પર આધારિત છે. આજે વિશ્વમાં સેમીકન્ડક્ટર અને ચીપ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ તાઇવાન છે. ભારતે આધુનિક ટેકનોલોજીના યુગમાં અન્ય પર આધારિત ન બનવું પડે તે માટે સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં સેમિકોન ઇન્ડિયા 2023નું આયોજન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રારંભ કરાયેલી 3 દિવસીય ઇવેન્ટમાં સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે ઘણા એમઓયુ થયાં છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા કરાયેલી આ પહેલથી ગુજરાતમાં સેમીકન્ડક્ટર માટેની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ વિકાસ પામશે. ગુજરાતમાં આ ઇકોસિસ્ટમના કારણે ઘણા ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટેના દ્વાર ખુલ્લાં મૂકાવાની સાથે ધરખમ મૂડીરોકાણ આવવાની સંભાવનાઓ પણ તૈયાર થઇ છે. સેમીકન્ડક્ટરના ઘરઆંગણે ઉત્પાદનને કારણે ભારતે તાઇવાન જેવા ચીપ્સ ઉત્પાદક દેશો પર નિર્ભર રહેવું નહીં પડે. દેશની કંપનીઓની જરૂરીયાત ઘરઆંગણે જ સંતોષાતાં મહામૂલા વિદેશી હુંડિયામણનો બચાવ થશે. આ ઉપરાંત જરૂરીયાતમંદ દેશોને સેમીકન્ડક્ટરની નિકાસને પગલે ભારત વધુ સમૃદ્ધ બની શકશે. પોતાની આગવી સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. જેમ બેંગાલુરૂ અને હૈદરાબાદ ભારતના આઇટી હબ ગણાય છે તેવી જ રીતે હવે ગુજરાત સેમીકન્ડક્ટર હબ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે. આ પહેલના કારણે ભારતની સાથે સાથે ગુજરાતને પણ ઘણા લાભ મળી શકે છે. રાજ્યમાં મોટાપાયે રોજગારીની તકો સર્જાવાની સાથે મોટા મૂડીરોકાણો પણ આવશે, ગુજરાતના ઔદ્યોગિક વ્યાપનો પણ વિસ્તાર થશે જે સમૃદ્ધ ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરશે.


comments powered by Disqus