સુરતઃ આગામી સ્વાતંત્ર્યદિન 15મી ઓગસ્ટ માટે સુરતના કાપડ ઉદ્યોગકારોને રૂ. 60 કરોડના તિરંગાના ઓર્ડર મળ્યા છે. જો કે હવે 15 ઓગસ્ટને આડે ગણતરીના દિવસો જ બાકી હોવાથી કાપડ ઉદ્યોગકારોએ 24 કલાક મશીનો ચાલુ રાખી ઉત્પાદન કરવાની ફરજ પડી છે. ઓર્ડર પૂરો કરવા સુરતનાં કેટલાંક યુનિટમાં તિરંગાનું કામ ઝડપથી ચાલુ છે.
કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ પોલિએસ્ટર કાપડના હબ તરીકે દુનિયામાં પ્રખ્યાત સુરતમાં તમામ પ્રકારનાં કાપડ બનાવવામાં આવે છે, જેને લીધે વાર-તહેવારે સુરતના ઉદ્યોગકારોને અનેક પ્રકારના ઓર્ડર મળે છે. ધાર્મિક કાપડથી લઈ ચૂંટણી માટેના ખેસ, દુપટ્ટા, સાડી પણ અહીંના ઉદ્યોગકારો બનાવે છે. હાલ આગામી 15 ઓગસ્ટ માટેની તૈયારી ચાલુ છે. ગતવર્ષે સુરતના કાપડ ઉદ્યોગકારોને 10 કરોડ તિરંગા માટેના ઓર્ડર મળ્યા હતા. જો કે ચાલુ વર્ષે સુરતના ઉદ્યોગકારોને આશરે 3 કરોડ તિરંગા માટેના ઓર્ડર મળ્યા છે, પરંતુ તૈયારી માટે માત્ર બે અઠવાડિયાંનો જ સમય બચ્યો છે, જ્યારે બીજી બાજુ તિરંગાની સ્ટીચિંગ, પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં સમય લાગતો હોવાથી ઉદ્યોગકારો પરેશાન છે. જે યુનિટોને ઓર્ડર મળ્યા છે તેઓ તેમની મશીનરીઓ 24 કલાક ચાલુ રાખી ઉત્પાદન કરી રહ્યા છે.
ઉદ્યોગકારોને ગત વર્ષે 1 જુલાઈથી જ ઓર્ડર મળવા લાગ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે જુલાઈના અંતિમ દિવસોમાં ઓર્ડર મળતાં દોડધામ વધી ગઈ છે.


