ગુજરાત સમાચાર સાપ્તાહિક સુવર્ણજયંતી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે તેના લવાજમી ગ્રાહકો હોવાનો અપાર હર્ષ છે અને આ નિમિત્તે નીતનવા સમાજોપયોગી ઝૂમ ઈવેન્ટ્સ થઈ રહ્યા છે તેનું ગૌરવ છે. આજ તો સી.બી. પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત સમાચારની પરંપરા છે. ગુજરાત સમાચારમાં વાચકો અને ગ્રાહકોના વિવિધ મંતવ્યો અને અનુભવો રજૂ કરવામાં આવે છે તેમાંથી મને આ લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે.
થોડા સમય પહેલા આશાબહેન પટેલનો લેખ વાંચ્યો હતો. તેમાં જે માઈગ્રેશનની વાત અને અનુભવ વર્ણવ્યો હતો તેમની સાથે અમે અમારી જાતને મૂકી રહ્યા છીએ. અમારે પણ બે સંતાન છે. અમે બે વખત સ્થળાંતર કરેલું છે. સૌપહેલા તો ભારતથી અભ્યાસાર્થે લંડન આવ્યા, અહીં રહીને વધુ ભણ્યા અને રહ્યા પણ ખરાં. થોડા સમય પછી વધુ કમાવાનું જરૂરી લાગ્યું એટલે કન્ટ્રી ઓફ ડ્રીમ કહેવાતા દેશ અમેરિકા પણ ગયા અને ત્રણ વર્ષ ત્યાં રહ્યાં. આટલાં વર્ષોમાં અમે નિહાળ્યું અને અનુભવ્યું છે કે તમે કોઈ પણ સ્થળે જાવ, જાપાન, જર્મની કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા પહોંચો, કૌશલ્ય ધરાવતું માનવબળ તો ભારત જ પૂરું પાડે છે.
હવે અમે સાત વર્ષથી લંડનમાં સ્થાયી થયેલાં છીએ અને હવે વધુ માઈગ્રેશન કરવાની જરૂર કે ઈચ્છા પણ જણાતી નથી. બ્રિટનમાં સમાજ, સરકારી તંત્ર અને સુવિધાનું વાતાવરણ ખરેખર સરસ છે અને અમે બ્રિટિશ સમાજ સાથે ઓતપ્રોત થઈ ગયાં છીએ. સાચું કહીએ તો, અમારી આ સ્થિતિમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ઘણી સારી મદદ મળી છે. બ્રિટિશ ભારતીય સમાજમાં સવાયા ગુજરાતી સી.બી. પટેલની ઘણી પ્રતિષ્ઠા છે. અમારે તેમને મળવાની ઘણી ઈચ્છા હતી અને પ્રયાસ પણ કરતાં હતાં ત્યારે એક વખત અમે તેમને એક કાર્યક્રમમાં મળી પણ ગયાં. અમે તેમને કહ્યું કે અમે પણ ગુજરાત સમાચારના લવાજમી ગ્રાહક છીએ. આ સમયે સીબીએ નમ્રતાપૂર્વક ઉત્તર વાળ્યો કે તમે પેટ્રન એટલે કે અન્નદાતા છો. તેમની આ નમ્રતા ઘણી સારી લાગી પરંતુ, ‘અન્નદાતા’ શબ્દથી અમને ભારે સંકોચ અને ક્ષોભ પણ થયો.
અમે લવાજમ આપીએ છીએ તો સામે ગુજરાત સમાચાર પાસેથી ઘણું ઘણું મેળવીએ પણ છીએ. અમે બંને, પતિ અને પત્ની વર્ષોથી ગુજરાત સમાચાર વાંચીએ છીએ. તેમાં અપાતા સમાચાર અને માહિતી બધી દષ્ટિએ સમતોલ છે. આરોગ્યનો વિષય હોય, ભારત હોય કે ગુજરાતના વિસ્તારીય વિભાગો હોય, ખૂણેખૂણાના સમાચાર વાંચવા મળે છે. ગુજરાત સમાચાર તો વાંચનનો માહિતીપ્રદ રસથાળ છે. ઓછામાં ઓછી, 15થી 20 વાનગીઓ તો માણવા મળે છે. જ્ઞાનની સાથોસાથ ગમ્મત પણ મળે છે. અમે તો સૌપહેલા, હાસ્યની કોલમ વાંચી તદ્દન હળવાશ અનુભવીએ છીએ અને પછી આરોગ્ય વિભાગ વાંચીએ છીએ. ઘધણી વખત તો અમે પાના વહેંચી લઈએ છીએ જેથી બંનેનું કામ ચાલતું રહે છે. અમુક ગમતાં અને માહિતીપ્રદ લેખો તો ગ્રંથસ્થ એટલે કે ફાઈલ પણ કરીએ છીએ જેથી ફરી ગમે ત્યારે તે વાંચી શકીએ.
ગુજરાત સમાચારના કટારલેખકો એટલે શહેનશાહ અકબરના દરબારના નવરત્નો. ખાસ કરીને રુચિ ઘનશ્યામ, રોહિત વઢવાણા, વિષ્ણુ પંડ્યા, તુષાર જોષી, કપિલ દૂદકીઆ, પ્રોફેસર ચંદ્રકાન્ત પટેલ, ટીના દોશી. આ બધા જ લેખકોના અલગ અલગ વિષયો પરના લેખો મનનીય અને પ્રેરણાદાયી હોય છે. ખાસ વાત તો એ કહેવાની કે ભારતમાં પણ આવાં સંપૂર્ણ કહી શકાય તેવાં સાપ્તાહિક અખબારો ઘણાં ઓછાં છે અને અમેરિકામાં તો નથી જ. ગુજરાત સમાચારની પ્રશંસા કરી તેનો અર્થ એવો હરગિજ નથી કે એશિયન વોઈસ વાંચવું નથી ગમતું. એશિયન વોઈસમાં પણ સરસ વાચનસામગ્રી આવે છે.
આપના સંચાલન હેઠળ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે તેવી શુભકામના.
(લેખક દંપતી હેરો, મિડલસેક્સમાં વસે છે.)


