યુકેમાં ભારતીય કોમ્યુનિટીને અસર કરતા કેટલાક મહત્ત્વના મુદ્દા

કપિલ દૂદકીઆ Tuesday 08th August 2023 15:27 EDT
 
 

હંમેશાંની માફક 15 ઓગસ્ટે ભારત સ્વતંત્રતા દિવસ (આઝાદી દિન)ની ઉજવણી કરવામાં આવશે. એમ જણાય છે કે આ દિવસ માટે કોઈ ગૂંચવાડો રહે છે. કેટલાક માને છે કે આ સ્વતંત્રતાનું 76મું વર્ષ હશે તો કેટલાક એમ માને છે કે આ 77મું વર્ષ હશે. ટેકનિકલ આ બંને માન્યતાઓ સાચી છે. જેનો આધાર મૂળ પ્રશ્ન કયો છે અને તેનો સંદર્ભ શું છે તેના પર જ રહે છે. ભારતે 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી હાંસલ કરી હતી એટલે કે બ્રિટિશ શાસનની ચુંગાલમાંથી આઝાદ થયાનો આ સૌપ્રથમ દિવસ હતો. જોકે, ભારતે 15 ઓગસ્ટ 1948ના દિવસે તેની સ્વતંત્રતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી જેનો અર્થ એ કે ભારતીયોએ બ્રિટિશરોથી આઝાદ થયાને સંપૂર્ણ એક વર્ષને આ દિવસે ઉજવ્યું હતું. આ ચર્ચા તો ચાલતી જ રહેવાની છે તેમાં કોઈ શંકા નથી અને આ આઝાદીનું 76મું વર્ષ હશે કે 77મું વર્ષ હશે તેની ચર્ચા પરિવાર અને મિત્રો સાથે કરવાનું હું તમારા પર જ છોડી દઉં છું!

હવે આપણે આ રસપ્રદ ચર્ચાને જરા બાજુએ રાખી યુકેમાં ભારતીય કોમ્યુનિટીને અસર કરી રહેલા કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા તરફ વળીએ. તમને યાદ જ હશે કે 15 ઓગસ્ટ 2019ના દિવસે ભારતીયો જ્યારે ભારતીય હાઈ કમિશનની બહાર આઝાદી દિનની ઉજવણી કરવા એકત્ર થયા હતા ત્યારે ઈસ્લામિસ્ટ્સનું એક જૂથ અરાજકતા સર્જવા માટે એકઠું થયું હતું. આ સ્થળે ઉપસ્થિત નજરે જોનારા સાક્ષીઓ દ્વારા પ્રથમ દર્શનીય પુરાવાએ પ્રસ્થાપિત કર્યું હતું કે આ ઈસ્લામિસ્ટ ટોળાંએ ગાલીગલોચ સાથે બૂમબરાડા પાડ્યા એટલું જ નહિ, ઈંડા, પાણીની બોટલ્સ ફેંકી અને ભારતીય રાષ્ટ્રધ્વજને અપવિત્ર કર્યો, અપમાન કર્યું.

આશ્ચર્ય તો એ હતું કે આ પાગલપનને અટકાવવા કે હસ્તક્ષેપ કરવા માટે પોલીસની કોઈ જગ્યાએ હાજરી દેખાઈ નહિ. આપણે ખાલિસ્તાની કટ્ટરવાદીઓ તરફથી આ પ્રકારનું પાગલપણું જોયું છે જેમણે તાજેતરમાં હાઈ કમિશન અને ભારતીય ધ્વજ પર હુમલો કર્યો હતો અને આ બધું તો પોલીસની હાજરીમાં જ થયું હતું. મેટ્રોપોલીટન પોલીસ આ કટ્ટરવાદીઓના ખિસ્સામાં રહેતી હશે તેમ કોઈ વિચારે તો તેમને અવશ્ય માફ કરી દેવા જોઈએ. ભારતીય હાઈ કમિશન અને બહાર એકત્ર થયેલા નાગરિકોની રક્ષા કરવાનું એક પાયારૂપ કાર્ય બજાવવામાં તેમની સંપૂર્ણ નપુંસકતાને આપણે બીજી કઈ રીતે સમજાવી શકીએ? હવે ઈસ્લામિસ્ટ્સ દ્વારા હિંસાની વાત તરફ પાછા વળીએ તો શું તમને એ જાણકારી છે ખરી કે લેબર પાર્ટીના સભ્યો અને તેમના રાજકારણીઓએ પણ ભારત વિરૂદ્ધ આવા વિરોધપ્રદર્શનોમાં ભાગ લીધો છે. ઉદાહરણ આપું તો, લેબર સાંસદ લીઆમ બીર્ને ઓછામાં ઓછાં એક વખત આવા વિરોધ પ્રદર્શનમાં હાજર હતા.

આપણે તો 2010થી લેબર પાર્ટીના સાંસદો અને કાઉન્સિલરો દ્વારા આચારસંહિતાના તબક્કાવાર નૈતિક ધોવાણને જોતા આવ્યા છીએ. વડા પ્રધાન મોદી, ભારત અને હિન્દુઓ વિરુદ્ધ સુનિયોજિત હુમલા થતા રહ્યા છે. મળેલી દરેક તક વખતે લેબર પાર્ટીની નેતાગીરીએ તેના રાજકારણીઓ અને સભ્યો દ્વારા ભારતવિરોધી અને હિન્દુફોબિયાના ઉશ્કેરણીપૂર્ણ ઉચ્ચારણો તરફ આંખો બંધ જ રાખી છે. લેબર પાર્ટી પર પાકિસ્તાની વોટબેન્કની જડબેસલાક પકડ તો ખરેખર આશ્ચર્યજનક છે. કેર સ્ટાર્મર 2020થી લેબર પાર્ટીના નેતાપદે છે પરંતુ, આ ભારતવિરોધી અને હિન્દુફોબિક તત્વોને અંકુશમાં લેવા બાબતે તદ્દન નિષ્ફળ રહ્યા છે.

કેર સ્ટાર્મર માટે મારો એક સીધો સાદો સંદેશો છે કે તમે તસવીરો ખેંચાવવાની તક ખાતર ઈચ્છો એટલા હિન્દુ મંદિરોની મુલાકાત લઈ શકો છો પરંતુ, આખરે તો લેબર નેતા તરીકે આવા રેસિસ્ટ કટ્ટરવાદીઓને નિયંત્રણમાં રાખવાની તમારી સદંતર નિષ્ફળતા જ તમારા વારસાને નિર્ધારિત કરશે. તમે જ્યારે ભારતવિરોધી સાંસદોને તમારી ફ્રન્ટ બેન્ચ પર સ્થાન આપતા રહેશો ત્યારે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષા રાખી શકો નહિ. તમે મંદિરની મુલાકાત લેશો નહિ અને તે પછી, લેસ્ટરમાં, બર્મિંગહામમાં અને સમગ્ર દેશમાં તમારી લેબર પાર્ટીના સભ્યોને હિન્દુઓ સામે અપશબ્દો બોલવા કે દુર્વ્યવહાર આચરવાની છૂટ આપતા રહેજો. તમે જ્યારે વિશ્વમાં સૌથી મોટાં ઉભરતાં લોકશાહી માર્કેટ ભારતને નીચાજોણું કરાવવાનો જ ઈરાદો ધરાવતી પાર્ટીની નેતાગીરી કરતા હો ત્યારે તમે પ્રાઈમ મિનિસ્ટર બનવાની આશા-અપેક્ષા રાખી શકો નહિ.

સ્ટાર્મર અને લેબર પાર્ટી આ દેશ માટે ધમકીરૂપ છે. ધમકીરૂપ એટલા માટે છે કે તેમણે લેબર પાર્ટીની નસોમાં અનિયંત્રિત યહુદીવિરોધને પ્રવાહિત થવાની છૂટ આપી છે, ધમકીરૂપ એટલા માટે છે કે તેઓ ભારત અને હિન્દુઓ સાથે પણ આવું જ કરી રહ્યા છે. માત્ર મત ખાતર પાકિસ્તાની કોમ્યુનિટીના કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કરવું એ તો મહાન લેબર પાર્ટીના વારસાને પતનમાં ધકેલવા સમાન છે.

આ 15 ઓગસ્ટે કદાચ સ્ટાર્મરને તેમની પાર્ટીમાં રહેલા ભારતવિરોધી અને હિન્દુફોબિક તત્વોને કડક શબ્દોમાં વખોડી કાઢવાની તક હાથમાં લેવાની જરૂર છે. તેમણે એક બાબત સ્પષ્ટ કરવાની જરૂર છે કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો માત્રને માત્ર ભારતનો જ છે અને લેબર પાર્ટીની પોલિસી તેમાં કદી હસ્તક્ષેપ નહિ કરવાની રહેશે. તેમણે હિન્દુવિરોધી અને હિન્દુફોબિયાની સ્પષ્ટ વ્યાખ્યા પસંદ કરવાની જરૂર છે જેથી તેઓ લેબર પાર્ટીને આવા પૂર્વગ્રહોમાં રાચતા અને ઉછરતા તમામ તત્વોથી દૂર કરી શકે.

15 ઓગસ્ટે આપણે સહુ ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું.

કેર અને લેબર પાર્ટી શું કરશે તેને પણ આપણે યાદ રાખીશું! જય હિન્દ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter