મારી અગાઉની કોલમો તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સઘન અને ઉત્કૃષ્ટ કવરેજ થકી વાચકો એ બરાબર જાણતા જ હશે કે લેબર સાંસદ ગારેથ થોમસ દ્વારા ‘APPG બ્રિટિશ ગુજરાતી’ (સર્વપક્ષીય સંસદીય જૂથ-બ્રિટિશ ગુજરાતી) નામનું ગ્રૂપ રચાયું છે પરંતુ, તે સ્પષ્ટપણે ગુજરાતી કોમ્યુનિટીની ઈચ્છા વિરુદ્ધનું છે.
લગભગ દરેક ગુજરાતી, ભારતીય, હિન્દુ અને જૈન સંગઠનોએ ગારેથને માહિતી આપતા લખ્યું હતું કે તેમની સાથે કોઈ સલાહ-મસલતો કરાઈ નથી અને આ રચાયેલું ગ્રૂપ તદ્દન વણજોઈતું છે. તેમણે ચોક્કસપણ એમ પણ જણાવ્યું હતું કે માત્ર ગુજરાતીઓ માટે એક ગ્રૂપની રચના સમગ્ર ભારતીય ડાયસ્પોરા માટે વિભાજક છે. આમ છતાં, તેમણે જે લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું કહેવાતું હતું તે જ લોકોની ઈચ્છાને અવગણવામાં આવી હતી કારણકે આ નવી સંસ્થાની રચના તો માત્ર તેમની પોતાની જ ખુશી માટે જ કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
તાજેતરમાં ગારેથ અને ‘APPG બ્રિટિશ ગુજરાતીઝ’ દ્વારા ભારત જતી ફ્લાઈટ્સના મુદ્દે ઉહાપોહ કરાઈ રહ્યો છે. મારે વાચકોએ એ બાબત યાદ અપાવવાની છે કે થોડા દાયકાઓ અગાઉ જ્યારે આવો કોઈ પણ મુદ્દો ચર્ચામાં આવતો હતો ત્યારે ગુજરાત સમાચાર, એશિયન વોઈસ, NCGO (UK), HFB, HCUK અને અન્ય અગ્રણી સંસ્થાઓ/સંગઠનોએ સાથે મળીને કોમ્યુનિટીની જરૂરિયાતો વિશે રજૂઆતો કરેલી છે. આ રજૂઆતોમાં સફળતા પણ મળી છે અને ગારેથ દ્વારા રચાયેલી વિભાજક APPGની કોઈ જરૂર પણ પડી ન હતી.
મને એમ કહેવામાં આવ્યું છે કે યુકેમાં અસ્તિત્વવિહોણી એરલાઈનનું પ્રતિનિધિત્વ કરી રહેલી કોઈ વ્યક્તિ આ સમગ્ર દુઃસાહસનો હિસ્સો છે. પોતે કેવા પ્રભાવશાળી છે તે તેમના અન્ય ડાયરેક્ટર્સને બતાવી આપવાનું આ સેલ્ફ-પ્રમોશનનું હિત હોઈ શકે અથવા તેઓ કદાચ એમ પણ માનતા હોય કે પોતાના એરલાઈન બિઝનેસને આગળ વધારવાનું લાયસન્સ મેળવવા બ્રિટિશ અને ભારતીય એરપોર્ટ સત્તાવાળાઓ પર દબાણ ઉભું કરી શકાશે? આમાંથી કેટલાક લોકોને ક્યાંથી પ્રેરણા મળે છે તેની કોને ખબર પરંતુ, એક વાત તો સત્ય છે કે તેમનામાંથી કોઈને પણ ગુજરાતીઓની રત્તીભર પણ દરકાર નથી. જો તેમને આવી દરકાર હોત તો તેમણે અમને જરૂર સાંભળ્યા હોત.
આ જ APPG ઘણાં રહસ્યોની પાછળ છુપાયેલી છે. મેં ઘણા પ્રશ્નો પૂછ્યા છે પરંતુ, અત્યાર સુધી કોઈના ઉત્તર મળ્યા નથી. જ્યારે લોકો કાયદેસર પ્રશ્નોનો ઉત્તર આપવાથી દૂર ભાગે છે ત્યારે કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે કે આ લોકોને ઘણું બધું છુપાવવાનું હશે. હવે આમાં કોઈ જ શંકા નથી કે તેઓ દરેકના માટે ગુજરાતીમાં GCSEક્લાસીસની માગણી કરવાનો પ્રયાસ કરી શિક્ષણને જ હાઈજેક કરશે. એક હકીકત છે કે બહુમતી ગુજરાતીઓ શાળાઓમાં ગુજરાતી રાખતા નથી તે મુદ્દો આ ચલતાપૂર્જા ઢોંગીઓની નજરમાં રહ્યો નથી. મને એમ કહેવામાં આવ્યું છે કે આ નિરર્થક બકવાસ ઉભો કરવામાં આવશે જેથી કરીને ગુજરાતી ક્લાસીસ ચલાવતા થોડા-ઘણાં લોકો સ્થાનિક અને નેશનલ સરકાર પાસેથી વધુ નાણા ખિસ્સાંભેગા કરી શકે. જરા કલ્પના કરો કે આપણી પાસે ગુજરાતી ક્લાસીસ ચલાવતા થોડા એવા લોકો પણ છે જેઓ થોડા વધુ નાણા મેળવવા માટે ગુજરાતી કોમ્યુનિટીની પ્રામાણિકતાનું બલિદાન આપવા પણ તૈયાર બેઠા છે.
તો હવે શું? આ લેબર પાર્ટીના સાંસદોનું તદ્દન પાગલપન નિહાળતા તેઓ નજીકના ભવિષ્યમાં પંજાબી લોકો માટે પણ APPGની રચના કરે તો મારે જરા પણ આશ્ચર્ય પામવું ન જોઈએ. મને વિચાર આવે છે કે તેઓ પંજાબીઓ માટે શું માગણીઓ રજૂ કરશે. ખાલિસ્તાન રાજ્ય?
મેં NCGO (UK) ના પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે,‘જે પ્રકારે ‘APPG બ્રિટિશ ગુજરાતીઝ’ પોતાની ગેરરજૂઆતો કરે છે તેનાથી મને ભારે ચિંતા થાય છે. તેઓ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા જ નથી. આ તો કોમ્યુનિટીની ઈચ્છા વિરુદ્ધ લેબર સાંસદ ગારેથ થોમસના દિમાગની પેદાશ છે. ભારતીય ડાયસ્પોરાને વિભાજિત કરવાનું આ સાધન છે અને NCGO (UK) ખાતે અમે અમારી કોમ્યુનિટીનું નીચાજોણું કરાવે તેવી સંસ્થાનો કદાપિ સ્વીકાર કરીશું નહિ. મને તો એ આઘાત લાગ્યો છે કે ગુજરાત માટે ડાયરેક્ટ ફ્લાઈટ્સ સહિતના મુદ્દાઓને NCGO (UK)દ્વારા ઘણા વર્ષોથી ઉઠાવાયા અને તેમાં સફળતા પણ હાંસલ કરી તે મુદ્દાઓને હાઈજેક કરવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આપણી કોમ્યુનિટીનું આવું અપમાન તત્કાળ બંધ થવું જોઈએ.’
વણજોઈતી APPG ને ફગાવી દેનારા સંગઠનો
1 ભાદરણ બંધુ સમાજ યુકે (ગુજરાતી સમુદાયની સંસ્થા)
2 સી.બી. પટેલ / ગુજરાત સમાચાર / એશિયન વોઈસ – અગ્રણી એશિયન મીડિયા હાઉસ
3 FISI - ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ
4 હિન્દુ કાઉન્સિલ ઓફ સેન્ટ્રલ ઈંગ્લેન્ડ
5 હિન્દુ કાઉન્સિલ યુકે - રાષ્ટ્રીય સંગઠન
6 હિન્દુ ફોરમ ઓફ યુકે (સેંકડો હિન્દુ સંગઠનો અને મંદિરોનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિ સંગઠન)
7 હિન્દુઈઝમ સ્ટડી ગ્રૂપ
8 HSS UK - 67 શહેરોમાં 110 સક્રિય કેન્દ્રો, જેના સભ્યોનો સૌથી મોટો હિસ્સો ગુજરાતીઓનો છે.
9 INSIGHT -બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોની સામાજિક ચળવળ
10 નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ – યુકેમાં હજારો ગુજરાતી પરિવારોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન
11 નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી એસોસિયેશન - યુકેમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતું સૌથી મોટું સંગઠન
12 પરમ શક્તિ પીઠ ઓફ યુકે
13 સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (સમગ્ર ભારતને એકસંપ કરનારા રાષ્ટ્રભક્ત ગુજરાતી)
14 VHP - વિશ્વ હિન્દુ પરિષદ


