લંડનઃ બ્રિટનમાં હવે બારકોડ વિનાની ટપાલ ટિકિટોના વપરાશ પર પ્રતિબંધ આવી ગયો છે. બારકોડ વિનાની ટપાલ ટિકિટ વાપરવાનો છેલ્લો દિવસ 31 જુલાઇ 2023 હતો. 1 ઓગસ્ટથી આ પ્રકારની ટપાલ ટિકિટનો ઉપયોગ કરવાથી ટપાલ મેળવનાર વ્યક્તિએ 1.10 પાઉન્ડનો સરચાર્જ ચૂકવવો પડશે. જોકે કોમેમોરેટિવ અને ક્રિસમસ સ્ટેમ્પ હજુ પણ માન્ય ગણાશે. જનતા રોયલ મેઇલની સ્વેપ આઉટ સ્કીમ દ્વારા તેમની પાસે રહેલી જૂની ટપાલ ટિકિટના બદલામાં બારકોડ ધરાવતી ટપાલ ટિકિટ પ્રાપ્ત કરી શકે છે. ટપાલ ટિકિટ બદલવા માટે રોયલ મેઇલ દ્વારા કોઇ સમયમર્યાદા જાહેર કરાઇ નથી.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સ્વેપ આઉટ સ્કીમ માટેના ફોર્મ સાથેના પેમ્ફપ્લેટ દરેક ઘરમાં મોકલી અપાયાં છે પરંતુ ગ્રાહકો અમારી વેબસાઇટ પરથી પણ ફોર્મ પ્રિન્ટ કરી શકે છે. આ માટે તમે રોયલ મેઇલની કસ્ટમર એક્સપિરિયન્સ ટીમને ઓર્ડર આપી શકો છો અથવા તો સ્થાનિક રોયલ મેઇલ ડિલિવરી ઓફિસ અથવા પોસ્ટ ઓફિસ ખાતેથી આ ફોર્મ મેળવી શકો છો.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટથી બારકોડ વિનાની ટપાલ ટિકિટનો ઉપયોગ કરી ટપાલ મોકલવાથી 1.10 પાઉન્ડની સરચાર્જ ફી લાગુ થશે. જેની ચૂકવણી ટપાલ મેળવનાર ગ્રાહકે કરવાની રહેશે.


