લંડનઃ 2024માં બ્રિટિશ સંસદની સામાન્ય ચૂંટણીના લિટમસ ટેસ્ટ સમાન યોજાયેલી 3 સંસદીય બેઠકોની પેટાચૂંટણીમાં વડાપ્રધાન રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને બે બેઠકમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.. જોકે પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની અક્સબ્રિજની પરંપરાગત ટોરી બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી આબરૂ સાચવવામાં સફળ રહેતાં ક્લીનસ્વીપ ટાળી શકી હતી. યોર્કશાયરની પરંપરાગત ટોરી બેઠક સેલ્બી એન્ડ એઇન્સ્ટીની ચૂંટણીમાં લેબર પાર્ટી જ્યારે સમરટોન એન્ડ ફ્રોમની બેઠક પર લિબરલ ડેમોક્રેટ પાર્ટીનો વિજય થયો હતો.
સેલ્બી એન્ડ એઇન્સ્ટી બેઠક પર લેબર પાર્ટીના કેર મેથરે તેમના નજીકના પ્રતિદ્વંધી ટોરી પાર્ટીના ક્લેર હોમ્સને પરાજિત કર્યા હતા. આ બેઠક પર કેર મેથરને 16,456, ક્લેર હોમ્સને 12,295 અને લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર મેટ વોકરને 1,188 મત પ્રાપ્ત થયાં હતાં. સમરટોન એન્ડ ફ્રોમ સંસદીય બેઠક પર લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વિજેતા ઉમેદવાર સારા ડાયકને 21,187, ટોરી ઉમેદવાર ફાય પરબ્રિકને 10,179 મત પ્રાપ્ત થયાં હતાં. આ બેઠક પર લેબર ઉમેદવાર નીલ ગિલ્ડને મતદારોએ નકારી કાઢ્યાં હતાં અને 2019ની સરખામણીમાં લેબર પાર્ટીને આ બેઠક પર 10 ટકા મતનું નુકસાન થયું હતું. અક્સબ્રિજની પરંપરાગત બેઠક જાળવી રાખવામાં કન્ઝર્વેટિવ પાર્ટી સફળરહી હતી પરંતુ આ બેઠક પર તેનું વિજય માર્જિન માંડ 500 મતનું રહ્યું હતું. એક્સબ્રિજ અન્ડ સાઉથ રૂઇસ્લિપ બેઠકપર કન્ઝર્વેટિવ પાર્ટીના વિજેતા ઉમેદવાર સ્ટીવ ટકવેલને 13,965, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ડેની બીઅલ્સને 13,470 મત પ્રાપ્ત થયાં હતાં.
પેટાચૂંટણીના પરિણામ
બેઠકઃ સમરટોન એન્ડ ફ્રોમ
ઉમેદવાર (પાર્ટી) – મળેલા મત – મત (ટકામાં)
સારાહ ડાયક (લિબરલ ડેમોક્રેટ) – 21,187 – 54.62 ટકા
ફાય પરબ્રિક (કન્ઝર્વેટિવ પાર્ટી) – 10,179 – 26.24 ટકા
નીલ ગિલ્ડ (લેબર પાર્ટી) – 1,009 – 2.60 ટકા
બેઠકઃ અક્સબ્રિજ એન્ડ સાઉથ રૂઇસ્લિપ
ઉમેદવાર (પાર્ટી) – મળેલા મત – મત (ટકામાં)
સ્ટીવ ટકવેલ (કન્ઝર્વેટિવ પાર્ટી) – 13,965 – 45.16 ટકા
ડેની બીઅલ્સ (લેબર પાર્ટી) – 13,470 – 43.56 ટકા
બ્લેઇસ બેક્વિશ (લિબરલ ડેમોક્રેટ) – 526 – 1.70 ટકા
બેઠકઃ સેલ્બી એન્ડ એઇન્સ્ટી
ઉમેદવાર (પાર્ટી) – મળેલા મત – મત (ટકામાં)
કેર મેથર (લેબર પાર્ટી) – 16,456 – 45.96 ટકા
ક્લેર હોમ્સ (કન્ઝર્વેટિવ પાર્ટી) – 12,295 – 34.34 ટકા
મેટ વોકર ( લિબરલ ડેમોક્રેટ) – 1,188 – 3.32 ટકા
પરિણામ દર્શાવે છે કે સત્તા પરિવર્તનની માગ કેટલી બુલંદ છેઃ કેર સ્ટાર્મર
લેબર પાર્ટીના વડા કેર સ્ટાર્મરે સેલ્બી એન્ડ એઇન્સ્ટી બેઠક પરથી તેમની પાર્ટીના વિજય બાદ જણાવ્યું હતું કે, પેટા ચૂંટણીના પરિણામ દર્શાવે છે કે સત્તા પરિવર્તનની માગ કેટલી બુલંદ બની છે. આ એક ઐતિહાસિક પરિણામ છે અને જનતા લેબર પાર્ટી તરફ આશાની મીટ માંડી રહી છે. મતદારો બદલાયેલી લેબર પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે જે મહત્વાકાંક્ષી અને વ્યવહારૂ આયોજન સાથે કામકાજી જનતાની પ્રાથમિકતાઓને મહત્વ આપી રહી છે.
કેર મેથર હાઉસ ઓફ કોમન્સમાં સૌથી યુવા સાંસદ તરીકે ચૂંટાયા
સેલ્બી એન્ડ એઇન્સ્ટીની બેઠક પરથી ચૂંટાઇ આવેલા લેબર પાર્ટીના કેર મેથર હાઉસ ઓફ કોમન્સમાં સૌથી યુવા સાંસદ બની ગયા છે. તેમની ઉંમર ફક્ત 25 વર્ષની છે. 4000 કરતાં વધુ મતની સરસાઇથી ચૂંટાઇ આવેલા મેથરે જણાવ્યું હતું કે, લેબર પાર્ટી ચૂંટણી જીતી શકે છે તેવા નિયમો ફરીથી લખાયાં છે. 1998માં જન્મેલા મેથરે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને રાજનીતિનો અભ્યાસ કર્યો છે. તેઓ લેબર પાર્ટીના શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગના સંસદીય રિસર્ચર પણ રહી ચૂક્યા છે.


