આગામી સંસદની ચૂંટણી વાસ્તવિક મુદ્દાઓ પર લડાશેઃ વડાપ્રધાન સુનાક

પેટાચૂંટણીઓ જીતવી સત્તાધારી પાર્ટી માટે સરળ હોતી નથી, અમે આગામી સંસદની ચૂંટણી ગુમાવી દીધી નથીઃ સુનાક

Tuesday 25th July 2023 11:50 EDT
 
 

લંડનઃ અક્સબ્રિજની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય દર્શાવે છે કે આગામી સંસદની ચૂંટણી બહુ મોટી બાબત નથી અને અમે જનતાની સેવા માટેની અમારી યોજનાને વળગી રહીશું. આગામી સંસદની ચૂંટણી મુદ્દાઓના આધારે લડાશે. અક્સબ્રિજમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય દર્શાવે છે કે જ્યારે મતદારોને સાચી પસંદગી કરવાની હોય છે ત્યારે તેઓ મુદ્દાઓના આધારે પસંદગી કરે છે અને અહીં તેમણે કન્ઝર્વેટિવની પસંદગી કરી છે. આગામી સંસદની ચૂંટણી લોકોને અસર કરતા વાસ્તવિક મુદ્દાઓ પર લડાશે. કન્ઝર્વેટિવ પાર્ટી તેના વચનોનું પાલન કરે છે.

અન્ય બે બેઠક પરના પરાજય અંગેના સવાલ પર સુનાકે જણાવ્યું હતું કે, મધ્યસત્રીય પેટાચૂંટણીઓ જીતવી સત્તાધારી પાર્ટી માટે સરળ હોતી નથી. પેટાચૂંટણીના સંજોગો સત્તાધારી પાર્ટીની તરફેણમાં નહોતા. આ પરાજય રાજકીય નેતાઓને યાદ અપાવે છે કે જનતાને સીધી અસર કરતા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વેસ્ટમિન્સ્ટરમાં શું થઇ રહ્યું છે તેનાથી વિચલિત થવાની જરૂર નથી. સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંથી જનતાને રાહત મળી રહી છે. ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. યુકેમાં મૂડીરોકાણ વધ્યું છે. સરકારે એનએચએસ માટે લાંબાગાળાની યોજના શરૂ કરી છે અને સંસદમાં માઇગ્રન્ટ્સ બિલ પણ પસાર કરાવ્યું છે. અમે જનતાને આપેલા વચનોનું પાલન કરી રહ્યાં છીએ અને આગામી ચૂંટણી સુધી હું તેમ કરતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter