આશાનું કિરણઃ મોર્ગેજ દરમાં ઝડપથી ઘટાડાની સંભાવના

ફુગાવો ડામવાની સરકારની નીતિ સાચી દિશામાં કામ કરી રહી છેઃ વડાપ્રધાન સુનાક

Tuesday 25th July 2023 11:55 EDT
 
 

લંડનઃ જૂન મહિનામાં ફુગાવાનો દર નીચો આવતાં આગામી સપ્તાહોમાં મોર્ગેજ રેટમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફુગાવામાં ઘટાડાના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં વધારો નહીં કરાય તેવી સંભાવના પ્રબળ બની છે. જેના કારણે મોર્ગેજ દર ઝડપથી નીચા આવી શકે છે.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આંકડા દર્શાવે છે કે સરકારસાચી દિશામાં આગળ વધી રહી છે અને અમે અમારી નીતિઓને વળગી રહીશું. હું જાણું છું કે અત્યારે લોકો માટે સ્થિતિ મુશ્કેલ છે પરંતુ ફુગાવાના આંકડા જનતાને રાહત આપશે કે સરકારની નીતિ કામ કરી રહી છે.

ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, સરકાર નિશ્ચિત દાવો કરતી નથી પરંતુ મને આશા છે કે 2023ના અંત સુધીમાં ફુગાવાનો દર અડધો કરવાના વડાપ્રધાન રિશી સુનાકના લક્ષ્યાંકને હાંસલ કરી શકાશે. મે મહિનામાં ધારણા કરતા ફુગાવાના આંકડા ઊંચા આવતા મોર્ગેજ રેટમાં ઝડપથી વધારો થયો હતો. આશા બંધાઇ છે કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારો નહીં કરાય તો મોર્ગેજ રેટમાં ઘટાડો થશે.

જૂનમાં ફુગાવો ઘટીને 7.9 ટકા, 13 મહિનાની નીચી સપાટી પર

લંડનઃ જૂન મહિનામાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ફુગાવાનો દર છેલ્લા 13 મહિનાની નીચી સપાટી 7.9 ટકા પર આવી જતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી બ્રિટિશ જનતાને મોટી રાહત મળી હતી. હેડલાઇન ક્ન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન જૂન મહિનામાં 8.7 ટકાથી ઘટીને 7.9 ટકા પર આવી ગયો હતો જે માર્ચ 2022 પછીની સૌથી નીચી સપાટી છે. અર્થશાસ્ત્રીઓના મતે ધાર્યા કરતાં ઝડપથી ફુગાવામાં ઘટાડો થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડને થોડી રાહત મળી રહેશે. ફુગાવાના દરમાં ઘટાડો, યુરો અને ડોલરની સામે પાઉન્ડની કિંમતમાં ઘટાડો જેવા પરિબળોના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ધારણા કરતાં ઓછો વધારો કરાય તેવી સંભાવના જોવાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter